Columns

કોલેજોમાં અધ્યાપક ભરતી પ્રક્રિયાએ ઘણા પ્રશ્નો ઊભા કર્યા છે?

શું તમે એવા દ્રશ્યની કલ્પના કરી છે કે ઉત્તર પ્રદેશ, છત્તીશગઢ રાજસ્થાનના છેવાડાના ગામડામાં આવેલી કોલેજ જયાં વિદ્યાર્થીને માતૃભાષા ઉપરાંત શુદ્ધ હિન્દી પણ ઓછી આવડતી હોય ત્યાં ગણિત, જીવવિજ્ઞાન, કે રસાયણશાસ્ત્રીના અધ્યાપક તરીકે એક ગુજરાતી યુવાનની નિમણૂક થાય જેને અંગ્રેજી આવડતુ હોય, ગુજરાતી આવડતું હોય, હિન્દી ભાંગ્યું-તૂટયું આવડતું હોય પણ જે તે રાજયની ભાષા – બોલી તો ન જ આવડતી હોય! શું તમે એવી કલ્પના કરી શકો છો કે કેરલ, કર્ણાટક, કે આંધ્રના કોઇ છેવાડાના ગામની કોલેજના અધ્યાપક તરીકે હિન્દી ભાષી રાજયના યુવાનને નિમવામાં આવે જેને ત્યાંના યુવાનોની ભાષા આવડતી જ ન હોય! ના, આવું ન બને તેમ તમે કહેશો પણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોની કોલેજોમાં વિજ્ઞાન પ્રવાહના અધ્યાપકોમાં મોટી સંખ્યામાં બીન ગુજરાતી અધ્યાપકોની નિમણૂક થઇ છે. અને હવે ઓ ગામડાના છોકરાને ગુજરાતી બિલકુલ નહીં આવડતા અધ્યાપકો વિજ્ઞાનના વિષયો ભણાવશે!

ગુજરાતના ગામડાની બેંક શાખાઓમાં બિન ગુજરાતી કર્મચારી, અધિકારીઓ સાથે ગુજરાતની ગ્રામ્ય જનતાને કામ કરવામાં જે મુશ્કેલી પડી રહી છે તે જોતા આવનારા દિવસમાં ગ્રામ વિદ્યાર્થીઓને જે તકલીફો પડશે તેનો વિચાર કરી શકાય તેમ છે! અને આવુ બન્યું છે કારણકે ગુજરાતના શિક્ષણ વિભાગે અધ્યાપક ભરતી માટે યુ.જી.સી.ના નિયમ ઉપરાંતના એવા નિયમો બનાવ્યા કે ગુજરાતમાં 950 જેટલા અધ્યાપકોની ભરતી થશે. તેમાં 250 થી વધુ બીન ગુજરાતી અધ્યાપકો નિમણૂક પામશે કદાચ! ગુજરાતમાં ઉચ્ચશિક્ષણક્ષેત્રે જે પરિસ્થિતિ પ્રવર્તે છે. તેનાથી ગુજરાતના સાક્ષરો, શિક્ષણ જગતના ચિંતકો, ઉચ્ચ શિક્ષણ લેતા વિદ્યાર્થીના માતા-પિતા, કોલેજોના સંચાલકો બધા જ નિસ્બત ગુમાવી ચુકયા છે. હવે મંડળો પણ પોતાના પ્રશ્નો ઉકેલવાની લડતમાં થાકી ગયા છે. કે નવા અધ્યાપકોની ભરતી પ્રક્રિયામાં રહેલી અતાર્કીકતા માટે લડત આપે!

ગુજરાતમાં ઘણાં લાંબા સમયથી અનુદાનિત કોલેજોમાં અધ્યાપકોની જગ્યા ખાલી હતી. વારંવારની રજૂઆતો પછી 2019 માં સરકારે કાર્યભારને આધારે કોલેજોમાં અધ્યાપકોની જગ્યા ભરવાની સૈધ્ધાંતિક મંજૂરી આપી અને શિક્ષણ વિભાગે આ ભરતી પ્રક્રિયા શરૂ કરી. આ અગાઉ પાંચ-સાત વર્ષ પહેલા જયારે અધ્યાપકોની ભરતી કરવામાં આવી હતી ત્યારે રાજયના શિક્ષણ વિભાગે કેન્દ્રિય ધોરણે ભરતી કરી હતી. પણ આ વખતે સંચાલક મંડળોએ કેન્દ્રિય ધોરણે ભરતી થાય તેનો વિરોધ કર્યો અને અધ્યાપક પસંદગી માટે સંચાલક મંડળને પણ સામેલ કરવાનો આગ્રહ કર્યો એટલે વિભાગ દ્વારા નવી ફોર્મ્યુલા મુકવામાં આવી જેમાં પહેલા શિક્ષણ વિભાગ અધ્યાપક ભરતી માટે ઉમેદવારોની અરજી મંગાવશે.

મેરીટલીસ્ટ બનાવશે. પછી મેરીટને આધારે દરેક કોલેજને છ – છ ઉમેદવારો મોકલી આપવામાં આવશે. જેમાંથી સંચાલક મંડળ ઉમેદવાર પસંદ કરીને નિમણૂક આવશે. ટુંકમાં મેરીટી નકકી થયા પછી ઉમેદવાર નકકી કરવાનો હકક સંચાલક મંડળને રહેશે. શરૂઆતમાં એવો વિશ્વાસ ઊભો થયો કે મેરીટ પ્રાપ્ત છ ઉમેદવાદના ઇન્ટરવ્યુ થાય અને સંચાલક મંડળ તેમાંથી કોને પસંદ ન કરે તો બીજા છ મોકલવામાં આવશે. વળી એક કોલેજ એક ઉમેદવાર પસંદ કરશે તો બાકીના પાંચમાં વધુ એક ઉમેદવાર ઉમેરાશે અને નવી કોલેજને છ ઉમેદવારમાંથી પસંદગીની તક મળશે. ઉમેદવાર બાજુએ પણ પસંદગીની તક રહેશે. કોલેજ ઉમેદવારને પસંદ કરશે પણ ઉમેદવારને તે કોલેજમાં ન જવું હોય તો તે ‘ના’ પાડી શકશે અને બીજો ઇન્ટરવ્યું આવશે…

સમજવામાં અઘરી પડે અને પસંદગી પ્રક્રિયા લાંબી ચાલે તેવી અતાર્કીક કેન્દ્રિય પધ્ધતિ અમલમાં આવી. જેના વ્યવહારમાં જે પ્રશ્નો સર્જાયા તેના વિશે ખાસ કોઇ બોલતું નથી. જેમકે પ્રથમ પ્રશ્ન તો એ થયો કે કોલેજોમાં 2019 માં જે કાર્યભાર હતો જે જગ્યાઓ ખાલી હતી તે મુજબ 2019 માં જે અરજી મંગાવાઇ હતી તે પ્રમાણે 2022 માં ભરતી પ્રક્રિયા થઇ પરંતુ 2022 માં ભરતી પ્રક્રિયા શરૂ થતા પહેલા કોઇ નવા ઉમેદવારને અરજીનો હકક ન મળ્યો. એટલે 2019 થી 2022 દરમ્યાન જેમણે અધ્યાપક બનવાની લાયકાત મેળવી છે તેવા કોઇ ઉમેદવાર આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારી નોંધાવી શકયા નથી જે શિક્ષિત યુવાનોને મોટો અન્યાય છે.

બીજી બાબત એ બની કે અરજી વખતે ઉમેદવારે કોલેજ પસંદગી બતાવી હોય અને તે મુજબ છ ઉમેદવાર નકકી થયા હોય. સરકારે ભરતી પ્રક્રિયા શરૂ કરી અને ધારો કે ઉત્તર ગુજરાતની કોલેજમાં ઇન્ટરવ્યુ આવ્યા જેમાં પ્રથમ છ ઉમેદવારમાં ચાર દક્ષિણ ગુજરાતના ઉમેદવાર હતા. તો આ ઉમેદવારે ‘આપણે આપણા જીલ્લાની કોલેજ આવશે ત્યારે જઇશું’ એમ માનીને ઇન્ટરવ્યુમાં હાજર જ ન રહ્યા. ઇન્ટરવ્યુમાં છ ને બદલે બે કે એક જ ઉમેદવાર હાજર અને હવે સંચાલકોને મૌખિક રીતે એમ કહેવાયું કે ‘જો તમે હાજર ઉમેદવારને લેવા નથી માંગતા તો આ જગ્યાની એન.ઓ.સી. હાલ પૂરતી રદ થઇ જશે!’ મતલબ આડકતરી રીતે કહી દેવાયું કે ઉમેદવાર લેવો હોય તો લઇ લો બાકી આ જગ્યા કયારે ભરાશે તે નકકી નહીં! પરિણામે એડહોક અધ્યાપકોના પગાર ખર્ચાથી કંટાળેલા ગ્રામીણ અને નાના સેન્ટરની કોલેજના સંચાલકોએ ‘જે હોય એ’ સ્વિકારી લેવાનું નકકી કર્યું. અહીંયા બન્યું એવું કે છ ઉમેદવારમાં બે બીજા રાજયના ઉમેદવાર હતા. જે હાજર રહ્યા. અને પરાણે પસંદગી પામ્યા!

આ પસંદગી પ્રક્રિયામાં અધ્યાપક લાયકાત તો યુ.જી.સી.ના નિયમ મુજબ જ નકકી થઇ છે. પર કેન્દ્રિય મેરીટ ગણવાના નિયમો અને મેરીટના ગુણાંકન અધિકારીઓએ મનમાની શરતો ઉમેરી નકકી કર્યા છે. માટે હવે વર્તમાન નિયમો મુજબ જોવા જાવ તો કોલેજોમાં અધ્યાપક તરીકે કોઇ યુવાન, તાજો, વિદ્વાન ઉમેદવાર મળવો શકયો જ નથી. કારણકે અધ્યાપક તરીકે પી.એચ.ડી. ફરજીયાત અને મેરીટ ગણવામાં પી.એચ.ડી. પછી અધ્યાપક તરીકે કામનો અનુભવ! જે માટે ખાનગી કોલેજામાં જ મેળવ્યો હોય! એટલે 22 થી 23 વર્ષ માસ્ટર્સ કરનાર યુવાન બીજા ચાર-પાંચ જે પી.એચ.ડી. કરે. એટલે અઠયાવીસ ત્રીસનો થાય! એ પછી કોઇ ખાનગી કે સરકારી કોલેજમાં હંગામી નોકરી કરે તો અનુભવ મળે. હવે વિજ્ઞાન પ્રવાહમાં તો પી.એચ.ડી. થયેલો યુવાન ખાનગી કોલેજમાં કે હંગામી અધ્યાપક બનવાના સંજોગો ઓછા છે. જે હોંશિયાર છે. અંગ્રેજીનો જાણકાર છે તે તો ખાનગી કંપની, ખાનગી ટયૂશન કે પરદેશમાં તકો શોધે. જયારે મધ્યમ કક્ષાના ફિકસ પગારમાં ખાનગી કોલેજોના શોષણનો ભોગ બને! આવા જ હવે ‘અનુભવી’ ગણાવ્યા અને નિમણૂક પામ્યા!

ટૂંકમાં નવા ઉમેદવારને અરજીની તક નહી, સંચાલકોને પસંદગીની તક નહીં. 2022 માં જગ્યાઓની શું સ્થિતિ છે તેનો કોઇ ડેટા નહીં! કદાચ ચુંટણી આવે છે માટે ‘જૂઓ અને ભરતી કરી, રોજગારી આપી’ એટલું કહેવા માટે આ કર્મકાંડ કર્યો હોય તેવી છાપ ઉપસી છે. મૂળ ચિંતા બીજા રાજયના ઉમેદવાર ગુજરાતમાં નોકરીએ લાગ્યા તે નથી. મૂળ ચિંતા જેમને વિદ્યાર્થીની ભાષા જ નથી આવડતી તે હવે વીસ-ત્રીસ વર્ષ (નિવૃત્ત થાય ત્યાં સુધી) ભણાવશે. કહો કે ભણાવ્યા વગર પગાર લેશે! પણ શિક્ષણની નિસ્બત પૂર્વકની ચિંતા? અને તે પણ ગુજરાતમાં?
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top