SURAT

હજીરાની બંધ ફેકટરીમાં થયેલા મોત પાછળ કરોડોનાં સ્ક્રેપ ચોરીની આશંકા

સુરત : હજીરામાં (Hajira) એક યુવાનની લાશ (Deadbody) પર જે ખેલ થઇ ગયો હોવાની વાત છે. છેલ્લા કેટલાક વર્ષોથી બંધ ફેકટરીમાં કેવી રીતે યુવાનને કરંટ લાગ્યો તે મામલાની તપાસ કરવાને બદલે તેને દબાવવા માટે સ્થાનિક પોલીસ (Police) મેદાનમાં હોવાની વિગત જાણવા મળી છે. તેમાં આ યુવાનના મોતની તપાસ થાયતો તેમાં સ્થાનિક પોલીસ અને કરોડોનો સ્ક્રેપનો ધંધો કરતા દલાલોની ચોરીનો પર્દાફાશ થાય તેમ હોવાની વિગત જાણવા મળી છે.

આ કિસ્સામાં ઇચ્છાપોર પોલીસની ભૂમિકા શંકાસ્પદ છે. તેમાં ડીસ્ટાફની ભૂમિકા કમિશનર અજય તોમર ચેક કરે તો કરોડોની ચોરીમાં સ્થાનિક પોલીસનુ વલણ શંકાસ્પદ હોવાનું પ્રતિત થાય તેમ છે. યુવાનનુ બંધ થયેલી અને બેંકના ફડચામાં ગયેલી ફેકટરીમાં છેલ્લા કેટલાક સમયથી કરોડોની ચોરી થતી હોવાની ફરિયાદો છે. આ ફરિયાદો કાગળ પર આવી રહી નથી. દરમિયાન આ મામલો યુવાનના મોત બાદ હોટ કેક બન્યો છે.

કમિ. અજય તોમરે આ મામલે તપાસ કરવા ચક્રો ગતિમાન કર્યા હોવાની વિગત જાણવા મળી છે. હાલમાં ચર્ચા ત્યા સુધી છેડાઇ છે કે એક ફેરાના એક લાખ રૂપિયાની સેટીંગબાજી ઇચ્છાપોર પોલીસ સામે કરવામાં આવી રહી છે. આ મામલે કમિ અજય તોમર દ્વારા ઇન્કવાયરી સોંપવામાં આવી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ફેક્ટરી બંધ હતી તો આ યુવાનનો મિત્ર તેની અંદર શું કરતો હતો તે પણ એક મોટો પ્રશ્ન છે.

બેંક દ્વારા સીલ મરાયેલી ફેકટરીમાં કરોડોની સક્રેપની ચોરી
બેંક દ્વારા સીલ મરાયેલી વદરાજની સિમેન્ટ ફેકટરીમાં યુનિયન બેંકે તાળા માર્યા છે. આ ફેકટરીમાં કરોડોની મશીનરી પડી હોવાની વાત છે. તેમાં કરોડોનો સ્ક્રેપ હાલમાં પડયો હોવાની વિગતો ચર્ચામાં છે. દરમિયાન સાત થી આઠ જેટલા ભંગારિયાઓ દ્વારા દિવાલ ઓળંગીને મોટી ટ્રકો મારફત ચોરી કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં છે. તેમાં પ્રતિ ફેરા લાખ્ખો રૂપિયાની સેટીંગબાજીના આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. આ કિસ્સામાં નવાઇની વાત એ છે કે ફેકટરી હજીરા પોસ્ટેની હદમાં આવે છે અને ચોરીની સોપારી ઇચ્છાપોરના કેટલાક વિવાદીત કોન્સ્ટેબલોએ લીધી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. અલબત આ ગંભીર મામલે કમિ અજય તોમર તપાસ કરાવેતો ડીસ્ટાફની ભૂમિકા બહાર આવી જાય તેમ છે.

શું છે ઘટના
હવે એક મહિના ફલેશબેકમાં જઇએ અને ઘટનાની વાત કરીએ તો હજીરાની બંધ પડી રહેલી સિમેન્ટની એક કંપનીના પાવર હાઉસ પાસે મિત્રને બોલાવવા માટે ગયેલા ધોરણ-12ના વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતાં મોત નીપજ્યું હતું. હજીરાના દામકા ગામ ખાતેના ખોબરા ફળિયામાં રહેતો અને મૂળ બિહારનો વતની રાહુલકુમાર મિથિલેશ શર્મા (ઉં.વ.17) ગત તા.4-12-22ના રોજ બપોરે તેના મિત્ર ચેતન ભરવાડને બોલાવવા માટે બંધ પડી રહેલી વધરાજ સિમેન્ટ કંપનીમાં ગયો હતો. જ્યાં કંપનીની અંદરના પાવર હાઉસ નજીક આકસ્મિક રીતે રાહુલ શર્માને વીજ કરંટ લાગ્યો હતો. શરીરે ગંભીર દાઝી જતાં તેને તાત્કાલિક સારવાર માટે અડાજણની બાપ્સ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મંગળવારે વહેલી સવારે તેનું મોત નીપજ્યું હતું. મૃતકને એક મોટો ભાઇ છે. તેના પિતા એલએન્ડટી કંપનીમાં નોકરી કરે છે. વધુમાં રાહુલકુમાર દામકાની એક શાળામાં ધોરણ-12માં અભ્યાસ કરતો હતો. તેના મોતને લઇ પરિવારજનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે. હવે જો આ ફાઇલ રિઓપન કરીને ઉચ્ચ અધિકારીઓ ફરી તપાસ શરૂ કરે તો ચોંકાવવારા ખુલાસા થાય તેમ છે એટલું જ નહીં કમસેકમ મૃતકની આત્માને પણ સાચી શ્રદ્ધાંજલી આપી શકાય તેમ છે.

Most Popular

To Top