Columns

ગુરુકૃપા

એક ગુરુજી પાસે તેમનો એક શિષ્ય મળવા આવ્યો અને ગુરુજીને નમન કરીને તેમનાં ચરણ પકડીને રડવા લાગ્યો. તેની આંખોમાં આંસુ અને હોઠો પર ફરિયાદ હતી. તેણે કહ્યું, ‘ગુરુજી, તમે મને સાવ ભૂલી જ ગયા છો.’ ગુરુજીએ હસીને કહ્યું, ‘અરે, શું વાત કરે છે, વત્સ. તું મારા આશ્રમમાંથી ૬ વર્ષ પહેલાં ભણીને ગયો છે અને તારું નામ સર્વાંગ છે મને યાદ છે.’તેણે બીજી ફરિયાદ કરી બોલ્યો, ‘ગુરુજી, તમને હું યાદ છું તો પછી મારાથી શું કોઈ ભૂલ થઇ છે…શું હું કોઈ ગુનામાં છું?’ગુરુજી બોલ્યા, ‘ના વત્સ, કેમ આમ બોલે છે?’

સર્વાંગ દિલની સાચી વાત કરતાં બોલ્યો , ‘ગુરુજી, વર્ષોથી મહેનત કરું છું.બે ટંક પરિવારને સારી રીતે પાળી પોષી શકું તેટલું મળી રહે છે, પણ ગમે તેટલી વધારે મહેનત કરું, કૈંક તો એવું થાય જ છે કે મોટો ફાયદો થતો નથી.કહે છે કે ગુરુકૃપાથી બધું જ મળે તો પછી શું મારી કોઈ ભૂલ થઈ છે કે તમે મારી પર કૃપા કરતા જ નથી.’ ગુરુજી બોલ્યા, ‘વત્સ, તારી સમજવામાં ભૂલ છે.ગુરુકૃપાથી ગાડી બંગલા, વેપાર ધંધામાં લાભ કે ભરપૂર પૈસા કે ઐશ્વર્ય મળતું નથી.પણ ઘણી વાર જીવનમાં ઘણી તકલીફો તમને ખબર પણ ન પડે ને પસાર થઈ જાય તે ગુરુકૃપા હોય છે.

વત્સ, ઘણી વાર તું પડતાં પડતાં બચી ગયો હોઈશ, ઠોકર વાગે છતાં તેં જાતને જાળવી લીધી હશે.ક્યારેક કોઈક મોટા અકસ્માતથી ક્ષણભરના ફરકથી બચી ગયો હોઈશ તે છે ગુરુના સાચા આશીર્વાદ.’ ક્યારનો સર્વાંગ અને ગુરુજીનો સંવાદ સાંભળી રહેલો ગુરુજીનો પટ્ટશિષ્ય લોકેશ બોલ્યો, ‘સર્વાંગ, કોઈક વાર વેપારમાં સોદો પાર ના પડે કે મોટી ખોટ જાય બધું જ જમીનદોસ્ત થઈ જાય છતાં મનમાં ફરીથી ઊભા થઈ લડી લેવાની હિંમત બાકી રહે તે હિંમત આપે છે ગુરુકૃપા.ચારે બાજુ તકલીફો અને મુશ્કેલીઓ હોય છતાં તમે તમારા પરિવારનું પોષણ કરવાનો માર્ગ શોધી શકો તે છે ગુરુકૃપા.ક્યારેક બધું છોડીને હતાશ નિરાશ થઈ બેસી ગયા હો અને અચાનક એક આશાનું કિરણ દેખાય; કોઈ અચાનક આવીને હાથ ઝાલીને સાથ આપે તે છે.

ગુરુકૃપા.બધા સાથ છોડી દે ત્યારે કોઈ દોસ્ત કે સાથી આવીને કહે, ચિંતા નહિ કર, હું છું તે છે ગુરુકૃપા. જયારે જીવનમાં ભરપૂર સફળતા મળે.પૈસા અને ખુશીઓની રેલમછેલ હોય ત્યારે તમે નમ્ર અને જમીન સાથે જોડાયેલા રહો અને અભિમાનના ઝેરથી બચી જાવ તે છે ગુરુકૃપા. જયારે બધું જ હોય ત્યારે અભિમાન ન હોય અને જયારે પાસે કશું જ ન હોય છતાં તમે ખુશ રહી શકો, જે હોય તેમાં સંતોષ રાખી શકો અને દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરી હસી શકો તે છે ગુરુકૃપા.’સાચી ગુરુકૃપાનો અર્થ જાણી સર્વાંગે ગુરુજીને પ્રણામ કર્યા. યાદ રાખો કે જીવનમાં ગુરુકૃપા સતત વરસતી જ રહે છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top