Charchapatra

‘ગુજરાતમિત્ર’ના આધારસ્તંભ

સાત મોક્ષદાયિની નગરીઓ છે. એમાં અવંતિકાનગરી અતિ પાવન, પવિત્ર, ઉપકારી, સહિષ્ણુ અને શાંત નગરી છે. જેનું નામ લેવાથી પાપનો નાશ, પુણ્યની પ્રાપ્તિ અને મોક્ષ પ્રદાન થાય છે. તેવાં જ અવંતિકાબહેન ‘ગુજરાતમિત્ર’ના તંત્રી સ્વ. પ્રવીણકાન્ત રેશમવાળાનાં સહધર્મચારિણી તપે લાભાન્વિત હતાં. અવંતિકાબહેનને  ઇહ લોકની ભૂમિ ત્યજીને બાવીસ વર્ષનો દીર્ઘ સમય વીતી ગયો છે પણ એમના પ્રેમાળ સ્વભાવની તરોતાજા સુગંધ આજે પણ ‘ગુજરાતમિત્ર’ રૂપે અમર છે. સ્વ. પ્રવીણકાન્ત રેશમવાળા તો ‘ગુજરાતમિત્ર’નું હૃદયસ્થાન હતું અને અવંતિકાબહેન મુખ્ય  રકતવાહિની રૂપમાં ધમણી રૂપ હતાં.

બંનેએ સહકારીઓનો સાથ સહકાર લઇને ‘ગુજરાતમિત્ર’ અખબારને દક્ષિણ ગુજરાતનું પ્રસિધ્ધ મુખપત્રક બનાવ્યું છે. અવંતિકાબહેનની કુશાગ્ર બુધ્ધિ, સાલસ, સાહસિક, પરોપકારી સ્વભાવથી ‘ગુજરાતમિત્ર’નું પવિત્ર ખેતર ખેડવામાં આવ્યું છે. જેથી એમાં વિવિધ જાતનો પોષક પાક નીકળે છે. નાના વિશ્વ વૃક્ષ, વેલી પર નયનરમ્ય નવરંગી પુષ્પો પર્ણોની પરિમલતા વહે છે અને વાચકોને બહુરંગી બહુરંગી સ્વચ્છ, નિર્મલ સાહિત્યનો અમોઘ પ્રસાદ ચાખવા મળે છે. આ એ સ્ત્રીનું સામર્થ્ય છે. અમે જયારે અમારા માર્ગદર્શક સ્વ.  ચંદ્રકાન્ત પુરોહિત, તંત્રીલેખના સ્વ. ભગવતીકુમાર શર્મા, સોભાગચંદ ચોકસી, કનુ પટેલ, કવિ નયન દેસાઇની મુલાકાતે જતાં તો પૂજય અવંતિકાબહેનનું દર્શન થતું અને બહેન તરફથી કેમ છો? નો મધુર સ્વર સંભળાતો. જે મધુસ્નેહભર્યો લાગતો અને પ્રથમ તો એમના જ  કામની પ્રશંસા થતી હતી.

કારણ તે સમયે ‘ગુજરાતમિત્ર’નો પ્રચાર અને પ્રસાર એટલો સ્વયંભૂ હતો કે અખબારની પ્રતો દર વખતે વધતી હતી. પૂજય અવંતિકાબહેનની 22 મી પુણ્યતિથિના સ્મરણ અવસરે એમને શબ્દાંજલિ આપવાની તક મળી એ ભાગ્યની જ વાત કહેવાય. મહિલાજગતમાં અગ્રેસર પૂજય અવંતિકાબહેનનું અખબારી સેવા કાર્ય અને સામાજિક કાર્ય અનેરું અને સમાજભોગ્ય હતું. ડો. વિનોદ એચ.શાહે અવંતિકાબહેનની પુણ્યતિથિ નિમિત્તે જે સ્મરણ મંજૂષા લખી હતી તેથી વાચકોનાં કાન, નાક અને કંઠ સતેજ બન્યાં છે. ડોકટરને ધન્યવાદ. આધારસ્તંભ પૂ. અવંતિકાબહેનને શ્રધ્ધાંજલિ અને ‘ગુજરાતમિત્ર’ અમર રહો.
સુરત     – બાળકૃષ્ણ વડનેરે    – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top