Columns

ગુરુના ગુરુ

એક દરવેશ પાસે એક માણસ આવ્યો અને કહેવા લાગ્યો, ‘બાબા, હું તમારો શિષ્ય બનવા આવ્યો છું.મારે હવે તમારા શિષ્ય બનીને તમારી સાથે જ રહેવું છે.બસ  મને તમરો શિષ્ય બનાવી લો.તમે જે કહેશો તે હું કરીશ.’ દરવેશ અલ્લાનું નામ લેવામાં વ્યસ્ત હતા. તેમણે કહ્યું, ‘હું જે કહું તે બધું કરીશ?’ માણસે કહ્યું, ‘હા હા, તમે મને શિષ્ય તો બનાવો. હું મારા ગુરુની બધી આજ્ઞા માનીશ.’ દરવેશ હસ્યા અને બોલ્યા, ‘શું તું મારો શિષ્ય બનવાને બદલે એક કૂતરાનો શિષ્ય બનીશ?’ આવો વિચિત્ર પ્રશ્ન સાંભળીને પેલો માણસ મૂંઝાયો અને પછી બોલ્યો, ‘અરે બાબા, હું આપનો શિષ્ય બની તમને ગુરુપદે સ્થાપવા આવ્યો છું અને તમે મને એક કૂતરાને ગુરુ બનાવી તેનો શિષ્ય બનવા કહો છો? કેમ આવી વિચિત્ર વાત કરો છો.હું એક કૂતરાને મારો ગુરુ શું કામ બનાવું?’

દરવેશ બોલ્યા, ‘તો ભાઈ, તું અહીંથી જા. તું મારી સાથે નહીં આવી શકે.અહીં તારી કોઈ જગ્યા નથી.કારણ કે એટલું તો ખબર જ હશે કે ગુરુના ગુરુનું તો અધિક મહત્ત્વ હોય છે બરાબર ને.’ માણસે કહ્યું, ‘હા એ વાત બરાબર, તમે મને શિષ્ય બનાવો. હું તમારું અને તમારા ગુરુનું બરાબર માન જાળવીશ.’ દરવેશ બોલ્યા, ‘તેં તો મારા ગુરુનું હમણાં જ અપમાન કર્યું.’ માણસને કંઈ ના સમજાયું.દરવેશ હસ્યા અને બોલ્યા, ‘હું એક કૂતરાને મારા ગુરુ ગણું છું અને તેમનો શિષ્ય છું.અને તેં તો કૂતરાના શિષ્ય બનવાની હમણાં જ ના પાડી.’પેલા માણસે કહ્યું, ‘પણ તમે એક કૂતરાને ગુરુ કેમ માન્યા છે?.તમે એક કૂતરાના શિષ્ય શા માટે થયા?’ દરવેશ બોલ્યા, ‘આ કૂતરો તેની ગલીમાં એકદમ બળશાળી હતો અને એક ઘાયલ કૂતરો તેની ગલીમાં આવ્યો તો બીજા કૂતરા તેને મારવા દોડ્યા ત્યારે આ કૂતરાએ બધાને અટકાવ્યા અને પેલા કૂતરાને બચાવ્યો.શરણે આવેલા કૂતરાને તેણે પોતાની સાથે રાખ્યો, તેની સાથે પ્રેમપૂર્વક વર્તન કર્યું.પોતાની પાસે બળ હોવા છતાં તેણે નબળાને હેરાન ન કર્યો અને તેની પર જુલમ કરવાને બદલે તેને પ્રેમપૂર્વક શરણ આપ્યું.પોતાની શક્તિનો દુરુપયોગ ન કરવો. આ એક મહત્ત્વની બાબત એક કૂતરાએ મને શીખવી એટલે મેં તેમને મારા ગુરુ માની લીધા અને તેને હું રોજ ગુરુ તરીકે પ્રણામ કરું છું.એટલે જો તું મારા ગુરુને માન આપવા તૈયાર ન હોય તો હું તને શિષ્ય નહિ બનાવી શકું.’ પેલો માણસ નિરાશ થઈ પાછો વળી ગયો. 
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top