Gujarat

ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર બની આવી ઘટના, બજેટ રજુ કરતા પહેલા નાણાંવિભાગે કર્યો આ વિચિત્ર આદેશ

ગાંધીનગર: ગુજરાત વિધાન સભામાં આજે વર્ષ ૨૦૨૨ માટે બજેટ (gujarat budget-2022)રજુ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના નાણામંત્રી(finance minister) કનુ દેસાઈ (Kanu Desai)બજેટ લઈ વિધાનસભામાં હાજર રહ્યા હતા. આ બજેટ રજુ કરતા પહેલા જ નાણા વિભાગે (Finance Department) એક આદેશ આપ્યો હતો. જે મુજબ બજેટ પૂર્ણ થયા પહેલા જો કોઈ મીડિયા (media)માહિતી આપશે તો ઔચિત્યભંગનો ગુનો ગણાશે. જો કે ગુજરાતમાં રજુ થયેલા અત્યાર સુધીના તમામ બજેટમાં આ પ્રકારનો આદેશ પહેલી વાર કરવામાં આવ્યો છે. બજેટ અંગે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે, આ બજેટ પ્રજાલક્ષી અને સર્વ સમાવેશી હશે. આ બજેટ લોકોની અપેક્ષાપૂર્ણ કરનારું હશે.

બજેટ ઓનલાઈન રજુ કરવાના સરકારના કોડ અધુરા જ રહી ગયા
વર્ષ 2022નાં બજેટણે ઓનલાઇ રજુ કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા, સરકારના કેટલાક અધિકારીઓએ રાતે ઉજાગરા પણ કર્યા, પરંતુ અંતે એના અરમાન અધૂરા રહી ગયા છે. બજેટ ઓનલાઇન રજૂ કરવા માટે છેલ્લા કેટલાક દિવસોથી સચિવકક્ષાના અધિકારીઓએ તેમની ટીમ સાથે મોડી રાત સુધી ઉજાગરા કરીને IFMS-2 નામના સોફ્ટવેર મારફત તનતોડ મહેનત કરી હતી, જેમાં બજેટલક્ષી કેટલીક ઝીણી ઝીણી બાબતો કેટલાક વિભાગોમાંથી સમયસર અને વ્યવસ્થિત ના આવતાં સંપૂર્ણ બજેટને સોફ્ટવેરમાં સમાવવામાં મોડું થઈ ગયું હતું. પરિણામે, ફરી એકવાર ગુજરાતનું બજેટ ઓનલાઈન રજૂ કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે.

આ મંત્રીઓનું પહેલું બજેટ
આ બજેટની સૌથી રસપ્રદ બાબત એ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાનું પ્રથમ બજેટ છે. આ બજેટ અંદાજે રૂ. 2.35 લાખ કરોડનું રહેવાની સંભાવના છે. આજે 12 વાગે વિધાનસભાની કાર્યવાહી શરૂ થઇ હતી બાદમાં એક કલાકની પ્રશ્નોત્તરી પછી એટલે કે 1 વાગે નાણામંત્રી બજેટ રજૂ કરશે.

બજેટ સત્રની શરૂઆતમાં જ કોંગ્રેસે મચાવ્યો હતો હોબાળો
ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઇ ગઈ છે. 31 માર્ચ સુધી આ સત્ર ચાલશે. ગુજરાતમાં વિધાનસભા સત્રની શરૂઆત સાથે જ કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના સૂત્રોચ્ચાર વચ્ચે રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ પોતાનું સંબોધન ટૂકાવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોએ પ્લેકાર્ડ દર્શાવી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે આક્રમક મૂડમાં આવી જઈ સૂત્રોચ્ચાર સાથે વિધાનસભામાં વિરોધ કર્યો હતો કે ‘ભાજપ તારા રાજમાં ડ્રગ્સ માફિયા મોજમાં…’ રાજકોટમાં થયેલા પોલીસ કમિશનર વંસૂલીકાંડને ઉજાગર કરવા બદલ ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલને અભિનંદન આપતા સૂત્રોચ્ચાર કર્યા હતા કે તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ. ગોવિંદભાઇને અભિનંદન ભાઈ અભિનંદન. આ સાથે જ ડ્રગ્સ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગણી કરી હતી.

નાણામંત્રી દક્ષિણ ગુજરાતના હોવાથી બજેટમાં મોટા લાભની આશા
ગુજરાતનું છેલ્લા બજેટનું કદ 2.23 લાખ કરોડ હતું. ત્રીજી માર્ચે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇ પ્રથમવાર 2022-23ના નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરવા જઇ રહ્યાં છે ત્યારે બજેટના કદમાં 10 થી 12 ટકાનો વધારો થાય તેવી સંભાવના છે.એટલે કે 2.23 લાખ કરોડમાં અંદાજિત 18,000 કરોડ સુધીનો વધારો શકય છે. ચાલુ વર્ષે કોરોના સંક્રમણના કારણે સરકારની આવકમાં ઘટાડો થતાં બજેટના કદમાં દર વર્ષની જેમ 18 થી 20 ટકાનો સરેરાશ વધારો શક્ય નથી. ગુજરાતનું 2020-21ના વર્ષના બજેટનું કદ 2.17 લાખ કરોડ રૂપિયા હતું , જેની સામે ચાલુ નાણાકીય વર્ષ 2021-22 માટેના બજેટનું કદ 2.23 લાખ કરોડ નિયત કરવામાં આવ્યું હતું પરંતુ સુધારેલા અંદાજપત્રમાં બજેટની ધારણા કરતાં આવકમાં ૭ થી ૮ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. નાણાં મંત્રી દક્ષિણ ગુજરાતના હોવાથી આ વખતે દક્ષિણ ગુજરાતને પણ વિવિધ વિકાસલક્ષી યોજનાઓમાં લાભ થયા તેવી પણ સંભાવના છે

ગુજરાતમાં કુલ ૭૭ બજેટ રજુ થયા
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નાણામંત્રી તરીકે નિમાયેલા દક્ષિણ ગુજરાતના કનુભાઈ દેસાઈ ગુજરાત વિધાનસભામાં પોતાની રાજકીય કારકિર્દીમાં પ્રથમ વખત આગામી વર્ષ 2022-23 માટેનું બજેટ રજૂ કરી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ એટલે કે 18 વખત બજેટ અને લેખાનુદાન રજૂ કરવાનો વિક્રમ એકમાત્ર વજુભાઇ વાળાનો છે. તેમના પછી તત્કાલિન નાણામંત્રી નીતિન પટેલે રાજ્યમાં 9 બજેટ રજૂ કર્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 77 બજેટ રજૂ થયાં છે.

રાજ્યનું પહેલું બજેટ વર્ષ 1960માં રજુ કરાયું હતું
રાજ્યનું પહેલું બજેટ 22મી સપ્ટેમ્બર 1960ના રોજ રજૂ થયું હતું. જેનું કદ માત્ર 114.92 કરોડ રૂપિયા હતું. ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા પછી રાજ્યનું તે પ્રથમ બજેટ માનવામાં આવે છે. રાજ્યના બજેટ ઇતિહાસમાં ત્રણ બજેટ એવાં હતા કે વિધાનસભા નહીં લોકસભામાં રજૂ થયા હતા. આ સમયે રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરવામાં આવ્યું હતું. કુલ બજેટ પૈકી 20 વખત નાણામંત્રીએ લેખાનુદાન એટલે કે ચાર મહિના માટે વોટ ઓન એકાઉન્ટ લીધાં છે અને ત્યારપછી પૂર્ણ બજેટ રજૂ કર્યાં છે.

Most Popular

To Top