Gujarat

રાજ્ય સરકારે ‘યોગ’ને એક રમત તરીકે જાહેર કરી છે: હર્ષ સંઘવી

ગાંધીનગર: વિધાનસભા ખાતે રાજ્યમાં વિશ્વ યોગ દિનની (Yoga Day) ઉજવણી (Celebration) અંગેના પ્રશ્નના લેખિત જવાબામાં રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) જણાવ્યું છે કે ૨૧મી જૂનને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો અને વિશ્વભરમાં (World) તેની ઉજવણી થાય છે. રાજ્યમાં યોગનું મહત્વ વધે અને નાગરિકોમાં જાગૃતિ આવે એ માટે દેશભરમાં માત્ર ગુજરાતે (Gujarat) ‘ગુજરાત રાજ્ય યોગ બોર્ડ’ની સ્થાપના કરીને યોગનો પ્રચાર-પ્રસાર કરી રાજ્યવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે એટલું જ નહીં રાજ્ય સરકારે ‘યોગ’ને એક રમત તરીકે પણ જાહેર કરી છે.

હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું હતું કે, ચાલુ વર્ષના ખેલ મહાકુંભમાં રાજ્યભરમાંથી ૭૮,૨૮૨ નાગરિકોએ યોગાસન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. વિશ્વ યોગ દિનની ઉજવણી સંદર્ભે છેલ્લાં બે વર્ષમાં રૂ. ૪૫.૮૧ લાખનો ખર્ચ કરાયો છે. કોરોનાની વૈશ્વિક મહામારીમાં પણ યોગ સ્વાસ્થ્ય માટે મહત્વનું પરિબળ પૂરવાર થયું છે ત્યારે પણ બે વર્ષ દરમિયાન ૧,૧૫,૦૦૦ લોકોએ ઓનલાઇન ભાગ લીધો છે.

સર્વાંગી વિકાસ પામેલું ગુજરાત રમતગમત ક્ષેત્રે વિશ્વનું રોલ મોડેલ બનશે: હર્ષ સંઘવી
ગાંધીનગર: વિધાનસભામાં રાજ્યમાં રાષ્ટ્રીયકક્ષાના ખેલાડીને વૃતિકા સહાય આપવાની યોજના અંગેના પ્રશ્નના લેખિત જવાબ આપતા રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, સર્વાંગી વિકાસ પામેલું ગુજરાત રમતગમત ક્ષેત્રે વિશ્વનું રોલ મોડેલ બનશે.

હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રકક્ષાએ ભાગ લેતા ખેલાડીઓને વાર્ષિક રૂ. ૨,૦૦૦ વૃતિકા સહાય આપવાની યોજના અમલમાં છે. રાજ્યના ખેલાડી પોતાની પ્રતિભા કૌશલ્ય ઉપસાવી વૈશ્વિક સ્તરે ગુજરાત અને દેશનું નામ રોશન કરે તે હેતુથી ખેલાડીઓ માટે વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે.

શક્તિદૂત યોજના વર્ષ-૨૦૦૬માં રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓને તેમની જરૂરિયાત આધારિત સુવિધાઓ જેવી કે રમતગમતના આધુનિક સાધનો, કોચિંગ, નિષ્ણાત પ્રશિક્ષકોની સેવાઓ, તાલીમ, સ્પર્ધા ખર્ચ, મનોવૈજ્ઞાનિક વર્કશોપ માટે નાણાકીય સહાય આપવા, સ્પોર્ટ્સ મેડિસિન અને અન્ય સુવિધાઓ માટે અમલમાં મૂકવામાં આવી હતી. પ્રતિ ખેલાડીને વાર્ષિક રૂ. ૨૫ લાખ સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવતી હોય છે. તમામ શક્તિદૂત ખેલાડીઓનો મેડિક્લેમ અને આકસ્મિક મૃત્યુ પોલિસી સાથે વીમો લેવામાં આવે છે. ગુજરાતમાં વર્ષ ૨૦૦૨ પહેલા માત્ર 3 સ્પોર્ટસ કોમ્પ્લેક્સ હતા, જેની સંખ્યા આજે ૨૪એ પહોંચી છે. હાલમાં રાજ્યમાં ૪૪ સ્પોર્ટ્સ સ્કૂલ કાર્યરત છે.

Most Popular

To Top