Gujarat

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026: કલાકાર ઉમેદવારો પર મતદારોનો વિશ્વાસ, ભાજપના ચહેરાઓ વિજયી

ગાંધીનગર,

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ના પરિણામોમાં આ વખતે અનોખું દ્રશ્ય જોવા મળ્યું છે. રાજકારણ સાથે સાથે કલા અને સોશિયલ મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા ચહેરાઓએ પણ મતદાતાઓનો વિશ્વાસ જીત્યો છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના ટિકિટ પર લડનાર કલાકાર ઉમેદવારોના વિજયે ચર્ચા જગાવી છે.
વિજાપુરમાં નેહા સુથારનો ભવ્ય વિજય

વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા બેઠક પરથી લોકગાયિકા નેહા સુથારએ ભાજપના ઉમેદવાર તરીકે અંદાજે 1390થી વધુ મતોથી ભવ્ય જીત મેળવી છે. તેમની લોકપ્રિયતા અને જનસમર્થન આ જીતમાં સ્પષ્ટ રીતે દેખાયું છે.
ઉનામાં રાજલ બારોટનો શાનદાર દેખાવ

ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 7માં લોકગાયિકા રાજલ બારોટએ ભાજપના ઉમેદવાર તરીકે જીત મેળવી છે. તેમને કુલ 2313 મત મળ્યા હતા. તેઓ જાણીતા લોકગાયક મણિરાજ બારોટની પુત્રી છે. સંગીત ક્ષેત્રે ઓળખ ઉભી કર્યા બાદ હવે તેઓ જાહેર જીવનમાં નવી ભૂમિકા ભજવશે.
વડોદરામાં અંકિતા પરમારનો સતત વિજય

વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પર સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારએ લગભગ 2400 મતોથી વિજય મેળવી સતત બીજી વખત જીત નોંધાવી છે, જે તેમની લોકપ્રિયતા અને કાર્યશૈલીને દર્શાવે છે.
અમરેલીમાં ચોંકાવનારું પરિણામ : કલાકાર માયાભાઈ આહીરની પુત્રી સોનલ ડેરને પરાજય

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ના પરિણામોમાં અમુક બેઠકો પર ચોંકાવનારા પરિણામો સામે આવી રહ્યા છે. અમરેલી જિલ્લોના લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પર ભાજપના ઉમેદવાર સોનલ ડેરને હારનો સામનો કરવો પડ્યો છે.આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર શાંતિબેન ડેર વિજેતા બન્યા છે. સોનલ ડેર જાણીતા ડાયરા કલાકાર માયાભાઈ આહીરની પુત્રી છે, જેના કારણે તેમની રાજકારણમાં એન્ટ્રી શરૂઆતથી જ ચર્ચાનો વિષય બની હતી.ચૂંટણી દરમિયાન આ બેઠક પર સૌની નજર હતી, કારણ કે એક તરફ લોકપ્રિય કલાકાર પરિવારનો પ્રભાવ હતો તો બીજી તરફ સ્થાનિક રાજકીય સમીકરણો. છતાં અંતે મતદાતાઓએ કોંગ્રેસના ઉમેદવારને પસંદગી આપી સોનલ ડેરને પરાજય આપ્યો છે.આ પરિણામ દર્શાવે છે કે માત્ર લોકપ્રિયતા પૂરતી નથી, પરંતુ સ્થાનિક મુદ્દાઓ, સંગઠન અને મતદારો સાથેનો સીધો સંપર્ક પણ જીત માટે મહત્વપૂર્ણ બની રહે છે.
નવો ટ્રેન્ડ ઉભો થયો

આ પરિણામો દર્શાવે છે કે મતદારો હવે પરંપરાગત રાજકારણીઓ ઉપરાંત લોકપ્રિયતા ધરાવતા કલાકારો અને સોશિયલ મીડિયા સાથે જોડાયેલા ચહેરાઓ પર પણ વિશ્વાસ મૂકી રહ્યા છે. આ ટ્રેન્ડ રાજ્યની રાજકીય દિશામાં નવા પરિવર્તનનું સૂચન કરે છે, જ્યાં લોકપ્રિયતા અને જનસંપર્ક મહત્વપૂર્ણ પરિબળ બની રહ્યા છે.

Most Popular

To Top