Gujarat

ગુજરાતના 21 તાલુકામાં કમોસમી વરસાદ, હજી બે દિવસ માવઠાની સંભાવના

ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં હજુયે આગામી બે દિવસ માટે માવઠાની (Rain) સંભાવના રહેલી છે. અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન તથા અપર એર ટ્રફની સિસ્ટમના પગલે ગુજરાતમાં (Gujarat) હજુયે માવઠાની સંભાવના રહેલી છે. સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, છોટા ઉદેપુર, નર્મદા તથા ભાવનગરમાં માવઠું થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા અપાઈ છે. આજે દિવસ દરમિયાન રાજયમાં સવારથી જ આકાશ વાદળછાયુ રહેવા પામ્યુ હતું. જેના પગલે શીત લહેરની અસર સાથે વરસાદી માહોલ પણ જોવા મળ્યો હતો.

  • રાજ્યના 21 તાલુકામાં કમોસમી વરસાદ, હજી બે દિવસ માવઠાની સંભાવના
  • બે દિવસમાં નલિયાનું તાપમાન 4 ડિગ્રી વધીને 26 ડિગ્રી નોંધાયું
  • મહિસાગર, ખેડા અને પંચમહાલમાં અડધોથી એક ઇંચ વરસાદ

ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયમાં આજે રવિવારે સાંજે છ વાગ્યા સુધીમાં 21 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં મહીસાગરમાં એક ઈંચ કરતાં વધુ એટલે કે 29 મીમી જેટલો વરસાદ બાલાસિનોરમાં નોંધાયો હતો. ખેડાના ગલતેશ્વરમાં 19 મીમી, મહીસાગરના લુણાવાડામાં 15 મીમી, પંચમહાલના મોરવા હડફમાં 14 મીમી, સાબરકાંઠાના વિજયનગરમાં 13 મીમી જેટલો વરસાદ થયો હતો. આ ઉપરાંત દાહોદ, અરવલ્લી અને સુરતમાં પણ નજીવો વરસાદ થયો હતો.

દરમિયાનમાં આજે કચ્છના નલિયામાં 16 ડિ.સે. ઠંડી નોંધાઈ હતી. અમદાવાદના એરપોર્ટ કેમ્પસમાં આવેલા હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 21 ડિ.સે., ડીસામાં 19 ડિ.સે., ગાંધીનગરમાં 21 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 21 ડિ.સે., વડોદરામાં 21 ડિ.સે., સુરતમાં 24 ડિ.સે.,ભૂજમાં 19 ડિ.સે., નલિયામાં 16 ડિ.સે., કંડલા પોર્ટ 21 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 20 ડિ.સે., અમરેલીમાં 20 ડિ.સે., ભાવનગરમાં 23 ડિ.સે. અને રાજકોટમાં 18 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 20 ડિ.સે., અને કેશોદમાં 20 ડિ.સે., લધુત્તમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.

Most Popular

To Top