National

ભાજપે ભારે બહુમત સાથે મધ્યપ્રદેશ સર કર્યું, શું CM પદ પર ફરી બિરાજશે શિવરાજ સિંહ ચૌહાણ?

ભોપાલ: (Bhopal) પાંચમાંથી ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ત્રણ રાજ્યોમાં ભાજપે જીત મેળવી છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો 230 સીટમાંથી 159 સીટ પર ભાજપ, 70 પર કોંગ્રેસ અને 1 પર અપક્ષ ઉમેદવાર છે. મધ્યપ્રદેશમાં મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને બે તૃતિયાંશ બહુમત મળ્યો છે. ભાજપની જીત વચ્ચે જ હવે શિવરાજસિંહ ચૌહાણના વખાણ થઈ રહ્યા છે. જોકે પીએમ મોદીનું સંબોધન જુદા સંકેત આપી રહ્યું હોવાની પણ ચર્ચા છે. ત્રણ રાજ્યોમાં મળેલી ભવ્ય જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. તેમણે મધ્યપ્રદેશમાં જીત માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા છે. જો કે સૌથી મહત્વની વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધન દરમિયાન એક વખત પણ સીએમ શિવરાજ સિંહ ચૌહાણનું નામ લીધું નથી. આવી સ્થિતિમાં આ વખતે સાંસદમાં નવા ચહેરાને તક મળશે કે કેમ તેવા સંકેતો મળી રહ્યા છે.

બીજી તરફ લોકોમાં ચર્ચા છે કે બીજેપી આગળ આવી કારણકે સાંસદ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ ગ્રાસરૂટ લીડર છે. તે લોકો અને ધારાસભ્યોને સાંભળે છે અને તેમની સાથે સંવાદ કરે છે. શિવરાજ સિંહ ચૌહાણની સરળ છબીએ ભાજપને જીત અપાવવાનું કામ કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મધ્યપ્રદેશમાં ભાજપની રણનીતિ અને સીએમ શિવરાજ સિંહ ચૌહાણની લાડલી બહેના યોજના કામ કરી ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રાજ્યમાં ફરી એકવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે. ભારે બહુમતી વચ્ચે જીત મેળવ્યા બાદ સીએમ શિવરાજ ચૌહાણનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ભાવુક જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ વિજય માટે અભિનંદન મેળવ્યા બાદ ભાવુક થઈ ગયા હતા. વાસ્તવમાં મુખ્યમંત્રી આવાસમાં કામ કરતી માલિન લાડલી બહેન રાધાબાઈએ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને ફૂલ આપીને અભિનંદન આપ્યા હતા. મુખ્યમંત્રીને અભિનંદન આપતાં રાધાબાઈ ભાવુક થઈ ગયા હતા. રાઘાબાઈની લાગણી જોઈને સીએમ શિવરાજ પણ ભાવુક થઈ ગયા હતા.

શિવરાજ સિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટીના સૌથી મોટા નેતાઓમાંના એક છે. 2023 માં શિવરાજ સિંહ ચૌહાણે બુધની મતવિસ્તારમાંથી મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડી હતી જે 2006 થી તેમનો ગઢ છે. ચૌહાણ મધ્યપ્રદેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી છે જેમણે પ્રથમ વખત 2005માં ટોચના પદના શપથ લીધા હતા. ચૌહાણ પ્રથમ વખત 1990માં બુધની મતવિસ્તારમાંથી જીત્યા હતા અને 1991માં વિદિશા મતવિસ્તારમાંથી પ્રથમ વખત લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. બાદમાં તેઓ ફરી એકવાર 2006 માં બુધની મતવિસ્તારમાંથી જીત્યા અને આજ સુધી આ મતવિસ્તાર પર તેમની પકડ જાળવી રાખી છે.

Most Popular

To Top