Gujarat

આજથી બે દિવસ માટે પીએમ મોદી ગુજરાતની મુલાકાતે

ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) નજીક આવી રહી છે ત્યારે હવે પીએમ (PM) નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. આવતીકાલે પીએમ મોદી હિંમતનગરમાં (Himmat Nagar) તથા તા.29મી જુલાઈના રોજ ગાંધીનગરમાં (Gandhinagar) ગીફટ સિટીની મુલાકાતે આવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે તા.૨૮ જુલાઇના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરીના વિવિધ પ્લાન્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં સાબર ડેરી હિંમતનગર ખાતે રૂ. ૩૦૫ કરોડના ખર્ચે નિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ તેમજ રૂ. ૬૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત રૂ. ૧૨૫ કરોડના ખર્ચે નિર્મિત ટેટ્રાપેકનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. આ પ્રસંગે સુકન્યા યોજના અન્વયે દિકરીઓને ખાતા ખોલવાનો કાર્યક્રમ અને મહત્તમ દૂધ ઉત્પાદન કરનાર મહિલા પશુપાલકોનું વડાપ્રધાન મોદીના હસ્તે સન્માન પણ કરવામાં આવશે .

વડાપ્રધાન મોદી આગામી તા.૨૯ જુલાઈ,૨૦૨૨નાં રોજ સાંજે ૪:૦૦ કલાકે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર IFSCની મુલાકાત લેશે. વડાપ્રધાનના હસ્તે ભારતના પ્રથમ”ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી”ના મુખ્ય ભવનનો શિલાન્યાસ કરાશે. GIFT-IFSCમાં ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ તેમજ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ(IIBX)નો પણ શુભારંભ કરશે.

આ સમારંભમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમીત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામન, ગુજરાતના નાણા અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ડૉ. ભગવત કિશનરાવ કરાડ તેમજ કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી પણ ઉપસ્થિત રહેશે.

Most Popular

To Top