Gujarat Main

ગુજરાત કોંગ્રેસ ફરી તૂટવાની આશંકા: રાજસ્થાનના MLAએ ટ્વીટ કરી આપી ચેતવણી

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ચૂંટણી (Election) આવતા ફરી એકવાર પક્ષ પલટો જોવા મળી શકે છે. ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે (C R Patil) કહ્યું હતું કે કોંગ્રેસીને (Congress) પક્ષમાં લઈશું નહીં પરંતુ જયરાજસિંહ પરમાર સહિત અને કોંગી નેતાઓ ભાજપમાં (BJP) જોડાયા છે. ત્યારે હવે ફરી એકવાર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના સલાહકાર સંયમ લોઢાએ ટ્વીટ કરીને કાર્યકર્તાઓને સાવધાન અને સતર્ક રહેવાની સલાહ આપી છે. તેમણે એવો દાવો કર્યો છે કે ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્ય પર ભાજપની નજર છે. તેમના આવા ધડાકાથી ગુજરાત કોંગ્રેસમાં હલચલ શરૂ થઈ ગઈ છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોકના સલાહકાર સંયમ લોઢાએ 18મી માર્ચે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ભાજપની નજર કોંગ્રેસના 10 ધારાસભ્ય પર છે. સ્વસ્થ રહો, સતર્ક બનો. તેમણે આ પોસ્ટમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને પણ ટેગ કર્યા છે. સાથે જ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માને પણ આ વિશે સતર્ક રહેવા જણાવ્યુ છે. એવું કહી શકાય કે ગુજરાત કોંગ્રેસ પર ફરી એકવાક સંકટ આવવા જઈ રહ્યું છે. કારણ કે ગુજરાત વિધાન સભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસને તોડવાની આશંકાઓ વ્યક્ત થઈ રહી છે.

આગામી પાંચ રાજ્યોમાં કોંગ્રેસની કારમી હાર બાદ પાર્ટીની અંદર હંડકપ મચ્યું છે. ગુજરાતમાં વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા જ ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ પડી શકે તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના સલાહકાર અને સિરોહીના ધારાસભ્ય સંયમ લોઢાએ ગુજરાત કોંગ્રેસ તૂટવાનો ડર વ્યક્ત કર્યો છે. 

ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસમાં આ અગાઉ 2020માં રાજ્યસભાની ચૂંટણી પહેલા 9 કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા. આ તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાય ગયા હતા. આ સાથે જ થોડા સમય પહેલા કોંગ્રેસ પાર્ટીના 5 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા છે. ગુજરાતમાં હવે કોંગ્રેસના 65 ધારાસભ્ય બચ્યા છે. તો આ સાથે ચૂંટણી આવતા પહેલા જ કોંગ્રેસે ભાજપ પર છેડછાડની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને સૌરાષ્ટ્ર – ગુજરાતનાં કોંગ્રેસનાં ધારાસભ્યોમાં હલચલ જોવા મળી રહી છે. ત્યારે 25 જેટલા કોંગી ધારાસભ્યોએ પત્ર લખીને કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીને મળવાનો સમય માગ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસનાં ધારાસભ્યો રાહુલ ગાંધીને દ્વારકામાં ચિંતન શિબિર વખતે જ મળવા માગતા હતા, પરંતુ પ્રદેશના નેતાઓ આ બેઠક ગોઠવી શકયા ન હતા.

Most Popular

To Top