National

યુક્રેન યુદ્ધમાં મૃત્યુ પામેલા દીકરા માટે પિતાએ લીધો આ નિર્ણય

નવી દિલ્હી: યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા ૨૩ દિવસ થી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં યુક્રેનના ખાર્કિવ શહેરમાં કર્ણાટક શહેરનો MBBSનો વિદ્યાર્થી નવીન શેખરપ્પાનું ગોળી વાગતા મોત થયું હતું. નવીનના મૃતદેહનું દાન કરવાનો પરિવારે નિર્ણય કર્યો છે.નવીન શેખરપ્પાનો પાર્થિવદેહ 21 માર્ચે બેંગલુરુ પહોંચશે. નવીનના પિતા શંકરપ્પાએ કહ્યું- ગામમાં વીરા શૈવ પરંપરા મુજબ પાર્થિવદેહની પૂજા કર્યા બાદ તેને દાવણગેરેની એસએસ હોસ્પિટલને તબીબી અભ્યાસ માટે દાન કરવામાં આવશે.

નવીન શેખરપ્પા મૂળ કર્ણાટકનો રહેવાસી હતો અને યુક્રેનમાં તે આર્કિટેકટોરા બેકાટોવામાં રહેતો હતો. તે ખાર્કિવ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાંથી મેડિસિનનો અભ્યાસ કરી રહ્યો હતો. નવીન ચલણ બદલાવવા અને ભોજન લાવવા બંકરમાંથી બહાર નીકળ્યો હતો ત્યારે તે બોંબમારાની ચપેટમાં આવી ગયો હતો જેમાં તેનું તાત્કાલિક મૃત્યુ થયું હતું. આ હુમલાના તુરંત બાદ યુક્રેનની એક મહિલાએ નવીનનો ફોન ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આ ફોનના માલિકનું મૃત્યુ થયું છે. નવીન ગવર્નરના ઘરની પાસે રહેતો હતો અને ભોજન માટે લાઈનમાં ઊભો હતો તે સમયે ગવર્નરના નિવાસ સ્થાન પર બોંબમારો થયો હતો જેમાં તેનું મૃત્યુ થયું હતું. આ દુ:ખદ સમાચારથી ચાલાગેરીથી ખાર્કિવમાં મેડિકલનો અભ્યાસ કરવા ગયેલા અન્ય વિદ્યાર્થીઓના વાલીઓને આંચકો લાગ્યો હતો.

મારો પુત્ર મેડિકલક્ષેત્રમાં કંઈક હાંસલ કરવા માગતો હતો : પિતા
નવીનના પિતા શંકરપ્પાએ કહ્યું- નવીનનો મૃતદેહ સોમવારે સવારે 3 વાગે બેંગલુરુ એરપોર્ટ પહોંચશે. ત્યાંથી મૃતદેહ સવારે 9 વાગ્યા સુધીમાં અમારા ગામ પહોંચશે, ત્યાર બાદ અમે વીરા શૈવ પરંપરા અનુસાર, પૂજા કરીશું અને પછી અમે એને જાહેરમાં લોકોનાં અંતિમ દર્શન માટે રાખીશું. આ પછી પાર્થિવદેહને મેડિકલ અભ્યાસ માટે SS હોસ્પિટલ દાવણગેરેમાં દાન કરવામાં આવશે.મારો પુત્ર મેડિકલક્ષેત્રમાં કંઈક હાંસલ કરવા માગતો હતો, પરંતુ તે થઈ શક્યું નહીં. હવે તેના પાર્થિવદેહનો ઉપયોગ અન્ય મેડિકલના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે તો કરી શકાય છે, તેથી અમે અમારા પુત્રના દેહને તબીબી સંશોધન માટે દાન કરવાનો નિર્ણય કર્યો છે.

નવીનના પિતાનો ભ્રષ્ટાચારનો આરોપ
રશિયન હવાઈ હુમલામાં યુક્રેનમાં જીવ ગુમાવનાર ભારતીય મેડિકલ સ્ટુડન્ટ નવીન શેખરપ્પાના પિતાએ પોતાની આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેઓએ દર્દ સાથે ગુસ્સામાં આવી આરોપ લગાવ્યો કે સારા માર્કસ હોવા છતાં તે રાજ્યમાં એક પણ મેડિકલ સીટ મળી નહિ. નવીનના પિતાએ કહ્યું કે અહીં મેડિકલ સીટ માટે કરોડો રૂપિયા ચૂકવવા પડે છે. પીયુસીમાં 97 ટકા માર્ક્સ મેળવ્યા બાદ પણ તેને રાજ્યની કોઈપણ મેડિકલ કોલેજમાં સીટ ન મળી. અંતે તેને યુક્રેનનો અભ્યાસ કરવા મોકલવામાં આવ્યો હતો. તેઓએ મેડિકલ કોલેજના પ્રવેશમાં ચાલી ભ્રષ્ટાચારની તપાસ કરવા પણ વિનંતી કરી હતી.

મુખ્યમંત્રીએ ગામમાં આવવાનું વચન આપ્યું
શંકરપ્પાએ જણાવ્યું હતું કે તેઓને હાવેરી જિલ્લા કલેક્ટર ઓફિસ અને અમીરાતની ફ્લાઈટ સર્વિસ તરફથી નવીનના મૃતદેહને લાવવા અંગેનો સંદેશ મળ્યો છે. ઓછામાં ઓછું હવે અમે ખુશ છીએ કે અમારા પુત્રનો મૃતદેહ લાવવામાં આવી રહ્યો છે. કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમ્મઈએ તેઓની સાથે વાત કરીને બેંગલુરુ એરપોર્ટ અને ગામ આવવાનું વચન આપ્યું છે. કર્ણાટકના મુખ્યમંત્રીએ પણ નવીનના પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક સહાય આપીને પરિવારના એક સભ્યને નોકરી આપવાનું વચન આપ્યું છે.

Most Popular

To Top