Gujarat

2006 પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણાશે

ગાંધીનગર : આજે ગાંધીનગરમાં (Gandhinagar) સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેબિનેટની બેઠક મળી હતી જેમાં રાજયમાં થઈ રહેલા ભારે વરસાદ તથા નદીઓ – સરદાર સરોવર નર્મદા ડેમ સહિતના જિલ્લાઓમાં આવેલા વિવિધ ડેમમાં આવી રહેલા નવા નીરની પરિસ્થિતિની સમીક્ષા કરાઈ હતી આ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણય મુજબ, ૨૦૦૬ પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણવાની રહેશે.

કેબિનેટ બેઠક બાદ પ્રવકત્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, રાજ્યમાં ફિક્સ પગાર નીતિ અંતર્ગત નોકરી કરી રહેલા કર્મચારીઓની નોકરીની સેવાઓ સળંગ ગણવા અંગે નાણાં વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૭માં ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં વર્ષ ૨૦૦૬ પહેલાં ફિક્સ પગારમાં નોકરી કરતા કર્મચારીઓને લાભ મળતો ન હતો. હવે વર્ષ ૨૦૦૬ પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણવા નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ૫૭૬ પંચાયત સહાયક-તલાટી, ૧,૦૧૯ રહેમરાહે નિમણૂક પામેલા કર્મચારીઓ, ૩૩૧ સ્ટાફ નર્સ, ૨૪૦૦ લોક રક્ષક અને ૩૮,૨૮૫ શિક્ષકો મળી કુલ ૪૨,૦૩૫ કર્મચારીઓને લાભ થશે.

રાજ્યમાં વર્ષ-૨૦૦૬ પહેલા ફિકસ પગારની નિતી અન્વયે નિમણૂક પામેલા કર્મચારીઓની ફિકસ પગારની પાંચ વર્ષની સેવા હવે સળંગ ગણવામાં આવશે. આ નિર્ણય અંતર્ગત નાણાં વિભાગના તા. ૧૮/૧/૨૦૧૭ ના ઠરાવ મુજબ દર્શાવેલ બઢતી તેમજ ઉચ્ચત્તર પગાર ધોરણ સહિતના લાભો ગણતરીમાં લેવામાં આવશે. આ નિર્ણયથી અંદાજે ૪૨,૦૦૦ થી વધુ વર્ષ-૨૦૦૬ પહેલા નિમણૂક પામેલા કર્મચારીઓને લાભ થશે. હવે આ કર્મચારીઓની પણ ફિકસ પગારની પાંચ વર્ષની સેવા, બઢતી ઉચ્ચત્તર પગાર ધોરણ જેવા લાભો ગણતરીમાં લેવાશે.

  • ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં રાજ્યમાં એક કરોડના લક્ષ્યાંકની સામે
  • ૧.૪૦ કરોડ તિરંગા લહેરાવાયા

આજે મળેલી કેબિનેટ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન આપતો આભાર પ્રસ્તાવ પસાર કરાયો હતો. ખાસ કરીને હર ઘર તિરંગા અભિયાનને ગુજરાતમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. રાજ્યમાં એક કરોડના લક્ષ્યાંકની સામે ૧.૪૦ કરોડ તિરંગા લહેરાવીને ગુજરાતે રાષ્ટ્ર ભક્તિમાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. વાઘાણીએ હર ઘર તિરંગા અભિયાનની વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓના તમામ ગામ-શહેરો અને નગર-મહાનગરોમાં સરકારી-ખાનગી કચેરીઓ, વિવિધ સંસ્થાઓ, વિવિધ ધાર્મિકસ્થાનો, ઐતિહાસિક ઈમારતો, શાળા-કોલેજો, નાના-મોટા ઉદ્યોગગૃહો, મુખ્ય જળાશયો, જંગલ, દરિયાઈ વિસ્તાર, રણ વિસ્તાર, પર્વત વિસ્તાર, માર્કેટ, ઝૂપડું કે મકાન તમામ વિસ્તારોમાં તિરંગા લહેરાવવામાં આવ્યા હતા અને દેશપ્રેમના અદ્વિતીય વાતાવરણનું નિર્માણ થયું હતું. રાજ્યના તમામ જિલ્લાઓમાં મળી કુલ ૨,૪૦૦થી વધુ તિરંગા યાત્રાઓનું આયોજન થયું હતું જેમાં નાગરિકો સ્વયંભૂ ઉત્સાહભેર જોડાયાં હતાં.

Most Popular

To Top