Gujarat

ગુજરાતે દેશમાં સૌપ્રથમ પ્રાકૃતિક કૃષિનો અભ્યાસક્રમ તૈયાર કર્યો

ગાંધીનગર: દેશભરમાં સૌપ્રથમ ગુજરાત (Gujarat) રાજ્ય દ્વારા તૈયાર કરાયેલા પ્રાકૃતિક કૃષિના અભ્યાસક્રમોનું આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 76માં સ્વતંત્રતા પર્વે રાજભવન, ગાંધીનગરમાં (Gandhinagar) યોજાયેલા એટ હોમ (At Home) કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી (PM) ભુપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન કરાયું હતું. પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે કૃષિ સ્નાતકો તૈયાર થાય અને વધુને વધુ સંશોધનો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન મળે તે વાતને ધ્યાને લઈ, પ્રાકૃતિક કૃષિને વિષય તરીકે કૃષિ યુનિવર્સિટીમાં ભણાવી શકાય તે માટે અભ્યાસક્રમ તૈયાર કરવા એક સમિતિની રચના કરવામાં આવી હતી.

આ સમિતિની અનેક બેઠકો મળી. જરૂરત ઊભી થઈ ત્યારે ઓનલાઇન મીટીંગ પણ કરાઈ હતી. સમિતિના સભ્યોએ ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ તેમજ આંધ્રપ્રદેશમાં પ્રાકૃતિક કૃષિ કરનારા ખેડૂતોના ફાર્મની મુલાકાત લઈ વિગતો એકઠી કરી હતી. આ ઉપરાંત અન્ય દેશોમાં ચાલતા પરંપરાગત કૃષિના વિવિધ અભ્યાસક્રમોની પણ સમીક્ષા કરી કૃષિ ક્ષેત્રે સ્નાતક, અનુસ્નાતક તેમજ સર્ટિફિકેટ કોર્સ માટે અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો હતો. આ અભ્યાસક્રમ ગુજરાતની તમામ કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓને મોકલી આપવામાં આવ્યો હતો અને તેમના પ્રતિભાવો મેળવી આ અભ્યાસક્રમને 22 જુલાઈ, 2022ના રોજ રાજ્યપાલના અધ્યક્ષસ્થાને રાજભવન ખાતે મળેલી બેઠકમાં આખરી રૂપ આપવામાં આવ્યું હતું. જેનું 15 ઓગસ્ટના સ્વતંત્રતા પર્વે રાજભવન ખાતે યોજાયેલા એટ હોમ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિમોચન કરાયું હતું. આ વર્ષથી જ રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાં આ અભ્યાસક્રમો શરૂ થઈ જશે. જ્યારે પીએચ.ડી.ના સંશોધનની સુવિધા આવતા વર્ષથી શરૂ થશે. પ્રાકૃતિક કૃષિનો આ અભ્યાસક્રમ કૃષિ નિષ્ણાતો તૈયાર કરી પ્રાકૃતિક કૃષિને વધુને વધુ વૈજ્ઞાનિક ઢબે આગળ ધપાવવા સહાયભૂત થશે.

Most Popular

To Top