Gujarat

મને ટિકિટ મળે કે ન મળે, પણ ખોટુ નહીં ચલાવી લઉં: મનસુખ વસાવા

ગુજરાતમાં (Gujarat) લોકસભાની ચૂંટણી (Election) પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાં (BJP) એક પછી એક જૂથવાદના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઊંઝા બાદ હવે ભરૂચ-નર્મદામાં ભાજપની જૂથબંધી ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચી છે. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં વડોદરા અને નર્મદાનો વારો આવે એ પહેલાં જ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ (MP Mansukh Vasava) વોકઆઉટ કર્યા બાદ હવે તેમનું નિવેદન સામે આવ્યું છે. સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ વધુ એકવાર બળાપો કાઢ્યો છે. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું છે કે કેટલાક નેતાઓ મારા વિરુદ્ધ પાટીલ સાહેબને ભડકાવે છે.

  • ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાંથી વોકઆઉટ બાદ ભરૂચના સિનિયર સાંસદના વધુ એક નિવેદનથી પક્ષમાં હડકંપની સ્થિતિ
  • વસાવાએ નામજોગ આક્ષેપ કર્યાં, આ લોકો મારા વિરુદ્ધ પાટીલ સાહેબને ભડકાવે છે: ભાજપના આંતરિક જૂથવાદના ફરી ડોકિયા શરૂ
  • વસાવાની આક્ષેપબાજી સાંભળી હવે પ્રતિઆક્ષેપોની જોવાતી રાહ

સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, જેઓએ પાર્ટી અને સંગઠન માટે ક્યારેય કામ જ નથી કર્યું, એવા લોકો મારા વિરુદ્ધ સી.આર પાટીલ સાહેબને ભડકાવે છે. નાંદોદના MLA ડો.દર્શના દેશમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, ઝઘડિયાના MLA રીતેશ વસાવા અને ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને મારા વિશે ખોટી માહિતી આપતાં હોવાનો આક્ષેપ મીડીયા સમક્ષ કર્યો છે. તેમણે જણાવ્યું કે મને ટિકિટ મળે કે ન મળે, તેની સાથે મારે કોઈ નિસબત નથી. મેં લોકો માટે કામ કર્યું છે અને કરીશ, પણ ખોટું નહીં ચલાવી લઉં.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર.પાટીલે તમામ જિલ્લાના સંગઠનના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક ગાંધીનગર ખાતે કમલમમાં બોલાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક પછી એક જિલ્લાની બેઠકો ચાલી રહી હતી એ વેળા વડોદરા અને નર્મદાના હોદ્દેદારો માટે ચર્ચાનો વારો આવે એ પહેલા જ સાંસદ મનસુખ વસાવાએ વોક આઉટ કર્યું હતું.

અલબત્ત આ સમગ્ર પ્રકરણમાં હજુ માત્ર સાંસદ મનસુખ વસાવાનું નિવેદન અને આક્ષેપબાજી સામે આવી છે. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ કે પછી મનસુખ વસાવાએ જેમની સામે આક્ષેપ કર્યાં છે, તેમની પ્રતિક્રિયા કે પ્રતિઆક્ષેપ હજુ સુધી સામે આવ્યા નથી. જેથી આ વિવાદ ક્યાં સુધી પહોંચે છે તે હાલના તબક્કે કળવું મુશ્કેલ છે. જો કે મનસુખ વસાવાના વોક આઉટ અને આક્ષેપબાજીને પગલે ભાજપમાં આંતરિક જૂથવાદની ચર્ચા જોરશોરમાં શરૂ થઈ ચુકી છે.

Most Popular

To Top