Gujarat

તળ સુરતમાં જન્માષ્ટમીનો ભવ્ય જલસો, 25 વર્ષ જૂની પરંપરા આજે પણ અકબંધ

શ્રીકૃષ્ણ જન્માષ્ટમીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સમગ્ર સુરત શહેર કાનુડાના જન્મોત્સવની ઉજવણી માટે સજ્જ થઈ રહ્યું છે. શહેરના મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના, આરતી, ભોગ અને ધાર્મિક કાર્યક્રમોની તૈયારીઓ ચાલી રહી છે.જોકે, સુરતમાં જન્માષ્ટમીની ઉજવણીનો માહોલ હંમેશાની જેમ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે.જો કે તળ સુરતની વિવિધ શેરીઓમાં છેલ્લા અઢી દાયકાથી વધુ સમયથી ચાલતી આવતી જન્માષ્ટમીની અનોખી પરંપરા આજે પણ જળવાઈ રહી છે. જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ ભગવાનની પ્રતિમાઓ સાથે નીકળતી ભવ્ય શોભાયાત્રા હવે માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી રહી, પરંતુ તળ સુરતની સાંસ્કૃતિક ઓળખનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે.

શેરીએ શેરીએ કાનુડાની સ્થાપના: સલાબતપુરાની સીધી શેરી, ખાંગડ શેરી, વચલી શેરી અને બાલાભાઈની શેરી સહિત તળ સુરતના અનેક વિસ્તારોમાં શ્રીકૃષ્ણની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવે છે. સત્તર કોટડી, વલ્લભજીવનની ચાલ, ધામલાવાડ, બંગળીની ગલી, થોભા શેરી, સગરામપુરા મેઈન રોડ, હનુમાન શેરી, દેસાઈ શેરી અને અનાવિલ શેરીમાં પણ જન્માષ્ટમીની ઉજવણી માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.રૂસ્તમપુરા, કુંભારવાડ, રૂસ્તમપુરા ફરામ મહોલ્લો, ઈન્દરપુરા રાણા વોર્ડ, ગોલવાડ અને બેગમપુરા રંગૂનવાલાની શેરી સહિતના વિસ્તારોમાં પણ કૃષ્ણ પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે.

શોભાયાત્રામાં ઉમટશે ભક્તો : જન્માષ્ટમીની રાત્રે વિવિધ શેરીઓમાંથી કૃષ્ણ પ્રતિમાઓને શણગારેલી રીતે શોભાયાત્રામાં જોડવામાં આવશે. ઢોલ-તાસાના ગગનભેદી નાદ વચ્ચે ‘જય શ્રીકૃષ્ણ’ના જયઘોષથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની જશે.શોભાયાત્રા જોવા માટે તળ સુરત ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો પહોંચતા હોય છે. જેના કારણે દર વર્ષે શોભાયાત્રાના રૂટ પર ભારે ભીડ જોવા મળે છે. શેરીઓમાં રંગબેરંગી લાઈટિંગ, સજાવટ અને રંગોળીથી ઉત્સવનો માહોલ વધુ આકર્ષક બનશે.

દસ દિવસ સુધી ચાલે છે ધાર્મિક માહોલ: કૃષ્ણ પ્રતિમાની સ્થાપના બાદ લગભગ દસ દિવસ સુધી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. ભજન સંધ્યા, સંગીત સંધ્યા, કથા સહિતના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે.સલાબતપુરા વલ્લભજીની ચાલના કૃષ્ણ મંડળ સાથે જોડાયેલા કૃષ્ણ મેઘાવાલાના જણાવ્યા અનુસાર, તેમની શેરીમાં છેલ્લા પાંચ વર્ષથી એક જ કૃષ્ણ પ્રતિમાની સ્થાપના કરવાની પરંપરા ચાલી રહી છે. હવે આસપાસની અનેક શેરીઓમાં પણ આવી જ પરંપરા જોવા મળે છે.અગિયારસથી રક્ષાબંધન વચ્ચે પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવે છે. ત્યારબાદ જન્માષ્ટમીની રાત્રે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. રાત્રે બાર વાગ્યા પહેલાં પ્રતિમાઓને મંડપ સુધી પહોંચાડવામાં આવે છે, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણાં કરવામાં આવે છે. ત્યારબાદ અનુકૂળતા મુજબ વિસર્જન કરવામાં આવે છે.

યુવાનોમાં પણ જોવા મળી રહ્યો છે ભારે ઉત્સાહ: આ સમગ્ર ઉજવણીમાં તળ સુરતના યુવાનોની ભૂમિકા પણ મહત્વની રહે છે. શેરીની સજાવટથી લઈને પ્રતિમાની વ્યવસ્થા, શોભાયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોના આયોજન સુધી યુવાનો ઉત્સાહપૂર્વક જોડાય છે.આ ઉજવણી નવી પેઢીને પણ પરંપરા સાથે જોડવાનું કામ કરી રહી છે. વડીલો પાસેથી મળેલી પરંપરાને યુવાનો આગળ વધારી રહ્યા છે.

જન્માષ્ટમી બની તળ સુરતની ઓળખ: તળ સુરતમાં જન્માષ્ટમી હવે માત્ર એક દિવસનો તહેવાર નથી રહ્યો. વર્ષોથી ચાલતી શોભાયાત્રાની પરંપરા, શેરીઓમાં થતી સજાવટ, ભક્તિ કાર્યક્રમો અને લોકોની એકતાએ આ ઉજવણીને આગવી ઓળખ આપી છે.અઢી દાયકાથી વધુ સમયથી જીવંત રહેલી આ પરંપરા આજે પણ નવી પેઢીના ઉત્સાહ સાથે આગળ વધી રહી છે. જન્માષ્ટમીની રાત્રે જ્યારે ઢોલ-તાસાના તાલે કૃષ્ણ પ્રતિમાઓ સાથે શોભાયાત્રા નીકળશે, ત્યારે તળ સુરતનો સમગ્ર વિસ્તાર જાણે ભક્તિના રંગે રંગાઈ જશે.

Most Popular

To Top