જ્યાં થોભે ગાવલડી ત્યાં હોય ગોકુળ..!

સમજમાં આવતું નથી કે, આ ગાવડાઓને ક્યાંથી ખબર પડી ગઈ, કે સરકાર પણ ‘આપને દ્વાર’ નામનો ઉદ્ધારક કાર્યક્રમ ચલાવે છે? એનું અનુકરણ કરીને ગાયો પણ સવાર પડે એટલે, ફેમીલી સાથે આંગણામાં આવતી થઇ જાય છે, બોલ્લો..! પેલાં લોકો ‘આપને દ્વાર’ ચલાવે, ને ગાયો ‘ગોકુળ તમારે દ્વાર’ ચલાવે, એટલો જ ડીફરન્સ! જાણે કે બંને જણા ‘રાષ્ટ્રીય કાર્યક્રમ’ ચલાવતા ના હોય? પરોઢિયું થાય એટલે ગાય-દર્શન આપવા ગાયો આંગણે આવીને ઊભી જ હોય! હિંદુ ધર્મમાં ગાયને, માતાનો દરજ્જો મળેલો છે. આ માતાઓને રઝળતી જોઇને અનુકંપા તો થાય મામૂ..! એમ થાય કે, ભલે આપણે ઘરવિહોણાં થઈએ, પણ એમને ઘરમાં સ્થાન આપીને ગૌશાળાનો આધારકાર્ડ આપીએ! દુ:ખ થાય યાર! ઘણી વાર વિચારું કે, રોજેરોજ આ ગાયો કોને શોધવા નીકળતી હશે? ભગવાન શ્રી કૃષ્ણને શોધવા નીકળતી હોય તો, જે ભગવાન ૫૭૨૨ વર્ષથી આપણા હાથમાં આવ્યા નથી, એ એમના હાથમાં આવે ખરા? પછી તો એવું થાય કે, ટાઢક આપવા, એમના ધણ વચ્ચે ઊભા રહીને આપણે જ વાંસળી વગાડવી પડે! વાંસળી ના મળે તો તેલ પીવા જાય, લાકડીમાં ફૂંક મારી લેવાની, બાકી લાકડી તો બતાવાય જ નહિ!

ગામેગામ, ગલી-ગલી, ઘરેઘરે ને ખાડેખાડે લોકમાતા રખડે, એ ઠીક લાગે? પણ કરીએ શું? એમને મત આપવાનો અધિકાર નથી ત્યારે ને? આ તો લેખ લખવાનો વિષય શોધતો હતો ને ગાયની ચેનલ પકડાઈ ગઈ દાદૂ..! ખબર છે કે, મારો આક્રોશ, ધૂળ ઉપર લીંપણ કરવાથી વિશેષ નથી. રઝળતી ગાયને ઠરીઠામ કરવી કંઈ જાદુગર મંગલના ખેલ થોડા છે? લગનનું કોકડું ઉકેલવું, લેખનો વિષય શોધવો ને કટોકટી ટાણે શૌચાલયની શોધ કરવી, આ બધ્ધું જ અઘરું..! લગન નહિ થાય તો, કદાચ જિંદગી બગડે. પણ ખરા ટાંકણે શૌચાલય ના મળે તો માણસ આખો બગડે! એમાં તો જે ફાવેલો હોય તે જ ડાહ્યો! લગન પણ એક જુગાર છે દાદૂ..! જીતવા કરતાં એમાં હારવાનું વધારે આવે. જેને જચી જાય, એ ઊંઘમાં નસકોરાં બોલાવે ને ઊંધે માથે પટકાયેલો હોય તો, કાળી રાતના તમરાં બોલતાં હોય! ભાગ્યની વાત છે ભઈલા! કન્યા સારી મળે, તો સાસરું સુરસુરિયા જેવું હોય ને સાસરું સદ્ધર મળે તો, કાગડો દહીંથરું લઇ જવાને બદલે, કાગડી મોહનથાળ ઉપાડી ગઈ હોય એવું પણ લાગે! શાણા મુરતિયાઓએ તો કૃપાદ્રષ્ટિ રાખીને, વાંધા-વચકા કાઢવા જ નહિ! નહિ તો કેરી અથાણામાંથી પણ બહાર ફેંકાઈ જાય. સમયની સાડાસાતી એવી બેસે કે, સડી ગયેલી કેરીની માફક પાદરે ઢગલીમાં જ પડી રહેવું પડે! જેમ પૈણવા માટે સારી કન્યા મળવી ને હાસ્યલેખ માટે સારો વિષય મળવો ને સમયે સરસ શૌચાલય મળવું, ચોઘડિયાના ગજા બહારની વાત કહેવાય! લગનવારૂ તો, ચપટીમાં ઢોલ ઢબુકતા પણ થઇ જાય ને બીજાં વરસે ઘોડિયાં પણ હલતાં થઇ જાય. જે રહી ગયો તે એવો રહી જાય કે, સાલની સાલ વીતી જાય, તો પણ સસરાનું સ્થાનક એને શોધેલું નહિ મળે! ‘હોમ ક્વોરોન્ટાઇન’ ની માફક માળિયું પકડીને પછી કરોળિયાના જાળાં જ સાફ કરવાના આવે..!

આ લગન વગરના ફરિસ્તાઓના સાલા નસીબ બહુ ઉજળાં! લગનના ગ્રહો ભલે ગબડતાં હોય કે સડેલાં હોય, પણ બાકીના ગ્રહો ‘બાહુબલી’ જેવાં મજબૂત! ખીણમાં પડેલો પણ સડસડાટ શિખર સર કરી નાંખે. જો કે આ બધાં નહિ પૈણવાના મક્કમ નિર્ધારવાળા હોય. તકલીફ ‘ચૂંધી-માસ્ટર’ ને પડે. ક્યાં તો એમની ચોઈસ ઊંચી હોય, ક્યાં તો ચસ્કા ઊંચા હોય! નહિ ઉતરતું ફાવે કે, નહિ ઝગારા મારતું ફાવે! એ શંકાના દાયરામાં જ સતત રહે કે, ‘ ભેરવાઈ ગયો તો?’ એમને કોણ સમજાવે કે, ‘જે વાહન મળે તે પકડી લેવાનું બાબા! લકઝરી શોધવામાં છેલ્લે છકડાવાળા પણ નહિ મળે. ‘વાઈફ-લેસ’ થઈને જ જીવવાનું આવે! સમજો ને સિક્કાની એક બાજુ કોરી! આ તો હસવા-હસાવવાની વાત છે ભઈલા! બાકી ગંગારામના તો આશીર્વાદ છે કે, આ જગતમાં કોઈ પણ વાંઢો ના રહેવો જોઈએ! લેખ માટે વિષય શોધવામાં લેખકના લમણે પણ આવાં જ હથોડાં ટીંચાતા હોય રે! ગૃહિણીને જેમ રોજની માથાકૂટ કે, કયું શાક બનાવું તો બધાંને રાજીપો રહે, એમ પથારીમાંથી ઊઠે ત્યારથી ચિંતા, કે આજે કયા વિષયનો લોટ બાંધુ કે, લેખ સ્વાદિષ્ટ બને! કહેવાય છે ને કે, કીડીને કણ ને હાથીને મણ મળી રહે એમ, વિષયના ચક્રવાતમાં હતો ને, આંગણામાં એક ગાય આવીને ઊભી રહી ગઈ. સંગીતકારને સિતારમાં જોઈતો તાર મળી જાય એમ મને ગાયનો વિષય મળી ગયો. ૩૩ કરોડ દેવતાની આસામી ગાયની હૂંફ મળી જાય, પછી જોવાનું શું? સૂકા બાવળિયામાં પણ કૂંપળ ફૂટવા માંડે! ને, “જ્યાં થોભે ગાવલડી, ત્યાં વસે ગોકુળ!’ નું મથાળું બાંધી, આ હાસ્ય-બાવની આપોઆપ ઉભરવા માંડી!

સાચું કહું તો, ભણતો ત્યારે ગાય અને ભેંસ ઉપર નિબંધ પણ વધારે લખેલા. યાર એ વખતે શિક્ષકોને પગાર ઓછો ને? ઉપલા ખિસ્સામાં સમાય એટલો જ મળતો. ટૂંકા પગારમાં હિપોપોટેમસ-ગેંડા કે મગર મચ્છ જેવા નિબંધ થોડા લખાવે? ગાય-બળદના નિબંધ લખાવ્યા એટલે માસ-પ્રમોશન! ઓછાં શીખવતાં. ગાય હોય કે ભેંસ, બંનેના આકાર-પ્રકાર-ઉત્પાદન એકસરખાં, ગાયની બોડીમાં ચરબીનો થર ઓછો એટલે એને માતા કહે એટલો જ ફરક! ભેંસને કોઈએ માતા, માસી કે આજીમા કહી નથી ને બળદિયાને કોઈએ બાપા કહ્યા નથી. કોઈએ એવું પણ કહ્યું નથી કે, દીકરી ને ભેંસ, દોરે ત્યાં જાય!’ ગાય જે જગ્યાએ ઊભી રહીને શ્વાસ લે, તે જગ્યાએથી વાસ્તુ-દોષ નષ્ટ પામતો હોય છે. માટે ગાયને જોઇને કોઈએ નાકના ટોચકા તો ચઢાવવા જ નહિ. સમય સંજોગ પ્રમાણે માણસ, ‘અદેખો, આંધળો, લુચ્ચો, લફંગો, સ્વાર્થી, ગર્જીલો, વંઠેલ, હરાયો, લોભિયો, ધુતારો, કપટી, છાકટો, નિષ્ઠુર કે રીઢા-ગુનેગાર જેવાં વિશેષણોથી ઓળખાયો હશે, બાકી ગાયના ગુણધર્મ બદલાયા નથી! સો વાતની એક વાત કે, ગાયો, ક્યાં તો એના માલિકને શોધે, ક્યાં તો એનું ગૌચરણ શોધે, ક્યાં તો આપણી ચોગઠને એ ગોકુળ કે વૃંદાવન સમજે છે. ગાયોનું ધણ ગલીમાં આવે તો, હરખ જ કરવાનો. એમ માનવાનું કે, આપણું ‘કનેક્શન’ ગોકુળ કે વૃંદાવન સાથે જોડાયેલું છે! ને પેટ છૂટી વાત કરું તો, એવું પણ વિચારવાનું કે, આપણે એના ગૌચરણમાં જ ઘુસી ગયેલાં તો નથી ને? આ તો એક મઝાક!

લાસ્ટ ધ બોલ
લગનના છ મહિના બાદ શ્રીશ્રી ભગા ઉપર સાસુજીનો વ્હોટશેપ મેસેજ આવ્યો કે, “ જમાઈ રાજ..! મારી દીકરીનું બરાબર ધ્યાન રાખજો. એને તાજી-તાજી રાખજો. એ બિચારી ગરીબડી ગાય જેવી છે!’ શ્રીશ્રી ભગાએ વળતો જવાબ આપ્યો કે, ‘માતેશ્રી! રોજ સવારે ઊઠીને એના મોંઢા ઉપર પાણી છાંટી હું એને તાજી રાખું છું. તમારી દીકરી હજી આજે પણ ગરીબડી ગાય જેવી જ છે પણ, હમણાં-હમણાં જરા શીંગડાં મારતાં શીખી ગઈ છે!’ સસરાએ વળતો જવાબ આપ્યો કે, સહન કરી લેજો જમાઈ રાજ..! તમારી પાસે તો માત્ર કટપીસ છે, મારી પાસે તો આખો તાકો પડ્યો છે! એના કપાળમાં કાંદા ફોડું!

  • આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Related Posts