Comments

પરીક્ષા રદ સંબંધિત તમામ નિર્ણયો વેળાસર કરજો

અને હવે કેન્દ્ર સરકારના પગલે સી.બી.એસ.સી.ની બારમા ધોરણની પરીક્ષા રદ થતાં જ ગુજરાત સરકારે પણ શિક્ષણબોર્ડ દ્વારા લેવાતી બારમાની પરીક્ષા રદ કરી દીધી છે. સિધ્ધાંત કે આદર્શો જે કહેતા હોય એ, પણ વ્યવહાર તો એ જ કહે છે કે હમણાં પરીક્ષા યોજી શકાય તેવો માહોલ નથી. ગુજરાત સરકારે પહેલી જુલાઈથી પરીક્ષા લેવાનું જાહેર કર્યું ત્યારે પણ આ પ્રશ્નો હતા જ કે એક જ મહિનામાં પેપર સેટીંગ, કેન્દ્ર ફાળવણી, બ્લોક ગોઠવણી સહિતની તમામ કામગીરી કેવી રીતે થાય? વળી સાત લાખ વિદ્યાર્થીઓ એક સાથે ઘરની બહાર નીકળે! તેમની સાથે જ તેમનાં વાલીઓ પણ નીકળે, એટલે બીજા સાત લાખ એમ કુલ ચૌદ પંદર લાખ લોકો પરીક્ષા માટે બજારમાં ફરતાં થાય. વાહનવ્યવહાર વધે, ચા-નાસ્તા પાણી વધે, સોશ્યલ કોમ્યુનિકેશન વધે તો માંડમાંડ કાબૂમાં આવેલું સંક્રમણ વકરે… અને સૌ ને જેનો ડર સતાવે છે તે ત્રીજી લહેરમાં બાળકો જ સંક્રમિત થાય. આને રાજકારણ કહો કે વિદ્યાર્થીઓની ચિંતા કહો, પણ સરકાર હવે જોખમ લેવા માંગતી નથી. એક વર્ગ આજે એવું કહેશે કે પરીક્ષા લઈ લીધી હોત તો શું વાંધો હતો? આ જ વર્ગ વિદ્યાર્થીઓ સંક્રમિત થાત તો એમ કહેત કે પરીક્ષા યોજવાની શી જરૂર હતી?

વર્ષની શરૂઆતમાં જ આ શૈક્ષણિક વર્ષને ‘‘ઝીરો ઈયર’’ જાહેર કરી દેવાની જરૂર હતી. રોગની જ ઓળખ ન હતી. રસી શોધવામાં વરસ થવાનું જ હતું અને શાળાકીય શિક્ષણ શક્ય જ ન હતું. વળી ઓનલાઈન શિક્ષણ અને પરીક્ષણ એ તો નાટક સાબિત થયું! જે બારમા સાયન્સના વિદ્યાર્થી અને વાલીઓ મેડીકલમાં જવા માટે પરીક્ષાની ઉતાવળ કરે છે એમને પૂછો કે તમે પ્રેક્ટિકલ ક્યારે કર્યા? થોડાક ધનિકોએ પોતાનાં બાળકોને ઘરે ટ્યુશન દ્વારા ભણાવી દીધાં એટલે આખા સમાજે ભણી લીધું? આપણે ગયા વર્ષે જ અહીં લખ્યું હતું કે આ કોરોના સામાન્ય અને ગરીબ ઘરનાં બાળકોને શિક્ષણ અને તેના થકી મળનારી તકોમાં પાછા પાડી દેશે. ધનિકોનાં બાળકોને હવે ઓછી સ્પર્ધાનો સામનો કરવો પડશે! ખેર, સરકારને નમ્ર વિનંતી કે પરીક્ષા રદ કરવાના એક નિર્ણયની સાથે ક્રમમાં અનેક નિર્ણયો જોડાયેલા હોય છે. માટે દસમા તથા બારમાની પરીક્ષા રદ કરવા સાથે ક્રમમાં જોડાયાં હોય તેવાં તમામ પગલાં તમે જાહેર કરી દો કારણ કે જો બીજાં પગલાં બધાં પોતપોતાની રીતે લેશે તો વ્યાપક અંધાધૂંધી સર્જાશે!

સરકાર સૌ પ્રથમ તો જ્યાં જ્યાં લાયકાતના ધોરણ તરીકે દસમા કે બારમાની પરીક્ષા પાસ થવું ફરજીયાત રાખ્યું હોય ત્યાં ત્યાં આ પેટાકલમ ઉમેરવી પડે કે વર્ષ 20-21 ના વર્ષના માસ પ્રમોશનને માન્ય રાખવું! પાસ પોર્ટથી માંડીને વિવિધ કોર્ષ માટેની માન્યતામાં આ અપવાદરૂપ વર્ષને લેખિતમાં સામેલ કરવું પડે! સરકારે તમામ એવા કોર્ષિસ જેના પ્રવેશ માટે દસમા-બારમાના પરિણામને આધાર રાખ્યા હોય ત્યાં પ્રવેશ કઈ રીતે આપવો તેના લેખિત નિયમો રાષ્ટ્રિય કક્ષાએ સમાનરૂપે જાહેર કરવા! આમ તો તમામ સરકારી પરિપત્રો લાગતાવળગતા તમામ વિભાગોને ફોરવર્ડ થતા જ હોય છે અને તમામ વિભાગોએ આ નવા પરિપત્રો અનુસાર પોતપોતાના વિભાગને અપડેટ કરવાના જ હોય છે. આમ છતાં નિર્ણય કરવામાં પરાવલંબી અધિકારીશ્રીઓ, વિભાગો ચોખવટની રાહ જોઈ બેસી રહે તે પહેલાં જ સરકાર પોતે જ માર્ગદર્શક સૂચનો જાહેર કરે તે યોગ્ય રહેશે. આંતર રાષ્ટ્રિય સ્તરે પણ જ્યાં જ્યાં જાણ કરવાની હોય ત્યાં ત્યાં જાણ કરવી, જેથી વિદ્યાર્થીને ક્યાંય આ ‘‘માસ પ્રમોશન’’ નડે નહિં!

ટૂંકમાં પરીક્ષાના પરિણામ સાથે સંકળાયેલ તમામ બાબતોમાં વેળાસર નિર્ણય લેવા પડે! એ ધોરણ અગિયારના વર્ગખંડ વધારવા નવા શિક્ષકની ભરતી કરવાના નિર્ણય હોય કે બારમા પછી કોલેજોમાં વર્ગ વધારવા અધ્યાપકની ભરતીના નિયમ હોય! હા, માસ પ્રમોશનનો મોટો લાભ ખાનગી શાળા-કોલેજોને અવશ્ય થશે. અને એમાંય આ વરસ હજુ કોરોનાગ્રસ્ત રહેવાનું, એટલે માત્ર ફી ઉઘરાવવાની મજા અને ખર્ચ તો દસ ટકા પણ નહીં. આવો અવસર ફરી ક્યારે આવવાનો, પણ દરેક બાબતનાં બે પાસાં હોય જ છે અને આના પણ હોય જ!

  • આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top