સહકારની ભાવનાની વાતો કરીને ટીકાકારોને ચૂપ કરી દેવાની ચાલાકી!

દેશમાં કોવિડ-૧૯ના બીજા વિનાશક મોજાએ જે હાહાકાર મચાવ્યો અને દેશમાં ગેરવ્યવસ્થા અને અંધાધૂંધીના દ્રશ્યો સર્જાયા તે પછી દેશનું રાજકીય અને જાહેર જીવનનું વાતાવરણ પણ ખાસ્સું ડહોળાયું. સરકાર પર બિનઆવડત સહિતના જાત જાતના આક્ષેપો થવા માંડ્યા અને અકળાયેલી સરકારે વળતા સામા પ્રહારો વિપક્ષ પર અને પોતાના વિરોધીઓ પર કરવા માંડ્યા. આવા માહોલમાં કેટલાકે એવા સૂચનો શરૂ કર્યા કે દેશના હાલના વાતાવરણમાં એક બીજા સામે આક્ષેપબાજી કરવાને બદલે એકબીજા સાથે મળીને સહકારની ભાવનાથી કામ કરવું જોઇએ. આવા સૂચનો કરનારા કેટલાક સાચકલી દેશદાઝ અને લોકકલ્યાણની ભાવના ધરાવનારા લોકો પણ હશે, કેટલાક એવા પણ હતા જે કેન્દ્ર સરકાર તરફ કૂણી લાગણી ધરાવતા હતા અને સરકારની થઇ રહેલી ટીકાઓ તેમનાથી સહન ન થતી હતી! આ ડહોળાયેલા માહોલ વચ્ચે સામાન્ય પ્રજામાં આ બીજા મોજા અને તેને પગલે સર્જાયેલી અંધાધૂંધીના કારણે ભય, ગભરાટ અને નિરાશાનો ભાવ પ્રવર્તતો હતો અને આ નિરાશા દૂર કરવા માટે આરએસએસના ટેકા સાથે ‘પોઝિટિવિટી અનલિમિટેડ’ નામનો પ્રવચન શ્રેણીનો એક કાર્યક્રમ યોજાયો, તેમાં પ્રવચન કરતા આરએસએસના વડા મોહન ભાગવતે પણ કહ્યું કે એક બીજા પર આક્ષેપબાજી કર્યા વિના, સહકારની ભાવનાથી એકબીજા સાથે મળીને કામ કરવાનો આ સમય છે.

તેમની વાત સાચી છે, આવા સમયે સાથે મળીને જ કામ કરવુ઼ જોઇએ, પણ સરકારની બિલકુલ ટીકા જ ન કરવી એવો ગર્ભિત ઇશારો આ વાતમાં હોય તો તેની સાથે સંમત થઇ શકાય નહીં, ખાસ કરીને ત્યારે કે જ્યારે સરકારના વડાએ સારા સમયમાં પોતાના વિરોધીઓને સતત ભાંડવાનું જ કામ કર્યું હોય. હવે જ્યારે મુશ્કેલીના સમયમાં સરકારની અણઆવડતો અને નબળાઇઓ છતી થઇ ગઇ છે ત્યારે તેમણે સરકારની ટીકાઓ, આકરી ટીકાઓ સાંભળવાની તૈયારી રાખવી જ જોઇએ અને ટીકાઓ, કટાક્ષો સાંભળીને અકળાવું નહીં જોઇએ. આપણા વર્તમાન વડાપ્રધાનના ચૂ઼ંટણી પ્રવચનો બધાએ સાંભળ્યા જ હશે. વડાપ્રધાનપદની ગરિમા પણ નહીં જળવાય તેવી રીતે અને તેટલી હદે તેઓ પોતાના વિરોધીઓને ભાંડતા રહે છે. આજ સુધી કોઇ વડાપ્રધાને આવુ વર્તન કર્યું ન હશે. ‘અમે આમ કર્યું, આટલા સમયમાં આટલું કર્યું, તેમણે તેમના સમયમાં શું કર્યું?’ એવો આપણા વડાપ્રધાનશ્રીનો સૂર હોય છે. અને હવે જ્યારે સરકારની અનેક નબળાઇઓ અને અણઆવડતો પ્રગટ થઇ ગઇ ત્યારે તેની ટીકા થઇ રહી છે તો તેઓ અને તેમના ટેકેદારો અકળાઇ જાય તે કેમ ચાલે? લોકશાહીની ફક્ત વાતો કરવાથી કામ નહીં ચાલે, લોકશાહીની ભાવનાને અનુરૂપ વર્તન પણ હોવું જોઇએ.

એક સમયે આપણા વડાપ્રધાનને સોશિયલ મીડિયા ખૂબ વહાલું હતું, હવે સરકારને સોશિયલ મીડિયા શત્રુ જેવું લાગવા માંડ્યું હોય તેવુ઼ વર્તન સરકાર તરફથી થઇ રહ્યું છે. સોશિયલ મીડિયા પર સરકાર માટે વ્યાપક ટીકાઓ અને કટાક્ષો થાય છે એટલે આવું વર્તન સરકાર તરફથી થઇ રહ્યું છે? ઉત્તર પ્રદેશમાં તો સરકારની ટીકાની વાત છોડો, જેમણે સોશિયલ મીડિયા પર ઑક્સિજન વગેરે માટે મદદ માગી તેમની સામે પણ ગુનાઓ દાખલ થયા! એ તો સારુ઼ં થયું કે અદાલતોએ કંઇક પણ હસ્તક્ષેપ કરીને લોકોને પોતાનો અવાજ ઉઠાવવા દેવાની સરકારને તાકીદ કરી. જો સત્તાધીશો ઇચ્છતા હોય કે લોકો તેમને સહકાર આપે, સરકારની ટીકા નહીં કરે, તો સત્તાધીશોનુ઼ પોતાનું વર્તન પણ ગરિમાપૂર્ણ હોવું જોઇએ. દેશદાઝની અને સહકારની ભાવનાથી સંકટના સમયે કામ કરવુ઼ જોઇએ એ વાત સાચી, પરંતુ સરકારે, સત્તાધીશોએ પોતાની ટીકાઓ સાંભળવાની અને પોતાના પ્રત્યે થતા કટાક્ષોને ખેલદીલીથી લઇને તેના પરથી પોતાને સુધારવાની તૈયારી રાખવી જોઇએ. સરકારના ટેકેદારો, શાસકો પ્રત્યે કૂણી લાગણી ધરાવનારાઓએ સમજવું જોઇએ કે લોકશાહીમાં સરકારની વાજબી ટીકાઓ કરવાનો અને સરકાર પર સરકારી નીતિઓ પર કટાક્ષો કરવાનો સૌને અધિકાર છે.

સોશિયલ મીડિયાની બાબતમાં આજકાલ જે થઇ રહ્યું છે તે એક જુદી જ ચર્ચાનો વિષય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પુરી પાડતી મહાકાય આંતરરાષ્ટ્રીય કંપનીઓની કેટલીક નીતિઓ વાંધાજનક હોય તો તેમને માટે યોગ્ય નિયંત્રક પગલા ભલે લેવાય, પણ આવા નિયંત્રણોની આડમાં પોતાના વિરોધીઓ સોશિયલ મીડિયા પર પોતાની ટીકા જ નહીં કરી શકે તેવી ગોઠવણીઓ કરવાના પ્રયાસો થતા હોય તો તે બિલકુલ વાંધાજનક છે. એક વાત ફરી ફરીને કહેવી પડે છે કે લોકશાહીમાં વિરોધી સ્વરને યેન કેન પ્રકારે દબાવી દેવાની કોઇ પણ નીતિ, ચાલાકીઓ યોગ્ય નથી. જો સરકાર ખરા અર્થમાં લોકશાહીને વરેલી હોય અને લોકશાહી મૂલ્યોમાં તેને વિશ્વાસ હોય, અને એવા દાવાઓ આપણા વર્તમાન શાસકો પણ કરતા જ રહે છે, તો તેમણે તેને અનુરૂપ વર્તન પણ રાખવું જોઇએ.

Related Posts