Madhya Gujarat

નડિયાદ પાલિકાની બેદરકારીના કારણે વલ્લભનગરનો બગીચો પાર્કીંગ પ્લોટ બની ગયો

નડિયાદ: નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વલ્લભનગર પોલીસ સ્ટેશન સામે આવેલો બગીચો પાલિકાની બેદરકારીના કારણે ઉજ્જડ બની ગયો છે. તેમાંય આ બગીચાનો ઉપયોગ પોલીસ કર્મચારીઓ દ્વારા પાર્કીંગ પ્લોટ તરીકે કરાતાં વધુ નુકશાન થયું છે. આથી, આ બગીચાનું રિનોવેશન કરી બાળકો માટે રમવા લાયક સ્થળ બનાવવા કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી છે.

નડિયાદ નગરપાલિકા દ્વારા પશ્ચિમ વિસ્તારમાં વલ્લભનગર પાસે પોલીસ સ્ટેશન સામે બનાવવામાં આવેલો બાગ હાલ બંધ હાલતમાં છે. જેમાં વલ્લભનગર પોલીસના કર્મચારીઓ દ્વારા વાહનોનું પાર્કીંગ કરવામાં આવે છે. પાલિકા દ્વારા ઉપેક્ષા કરવામાં આવતા આ બગીચો હાલ ઉજ્જડ ભાસી રહ્યો છે. આથી, બાગમાં બાળકોને રમવાના સાધનો સહિત સુવિધાનું રિનોવેશન કરવામાં આવે તો બાગ ફરી ઉપયોગમાં લઇ શકાય તેમ છે. આ ઉપરાંત રિનોવેશન કરવાથી સ્થાનિક રહિશોને નજીક બાગ મળી રહેસે.

જેથી તેઓને તેમના નાના બાળકોને લઇ બીજી કોઇ જગ્યાએ જવાની જરૂરત નહીં રહે અને પશ્ચિમ વિસ્તારના વોર્ડ નં.10નો વિકાસ પણ થશે.  નગરજનોની સુખાકારી મનોરંજન અને સારા સ્વાસ્થ્ય માટે તથા બાળકનો સર્વાંગી વિકાસ માટે બાગ બગીચા બનાવવામાં આવે છે તે ટકી રહે અને લોકો તેનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે તે જવાબદારી નગરપાલિકાની છે. જે જવાબદારી નિભાવવામાં પાલિકા ઉણી ઉતરી છે. આ રજુઆતમાં નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ, કાઉન્સિલર ગોકુલ શાહ, જતીન પ્રવાસી, નડિયાદ શહેર ઉપપ્રમુખ ધર્મેશ દેસાઇ, મહામંત્રી એસ.કે. બારોટ, ભરત દેસાઇ, વિજય ચૌહાણ, એડવોકેટ કલ્પેશભાઈ પ્રજાપતિ વિગેરે હાજર રહ્યાં હતાં.

શહેરમાં સફાઇ સહિતના પ્રશ્ને ચીફ ઓફિસર સાથે ચર્ચા

નડિયાદના શહેરીજનોને પડતી હાલાકી અંગે કોંગ્રેસના સભ્યો દ્વારા ચીફ ઓફિસર સાથે ચર્ચા કરાઇ હતી. જેમાં બગીચાના રિનોવેશન ઉપરાંત નડિયાદમાં તુટી ગયેલા રસ્તા, બંધ સ્ટ્રીટ લાઇટ, જ્યાં ત્યાં જોવા મળતો કચરો, શહેરના મુખ્ય રસ્તા પર પડેલા ખાડાં વિગેરે બાબતે ચર્ચા કરી પ્રશ્નો ઉકેલવા માગણી કરી હતી.

પોલીસે જપ્ત કરેલા વાહનોથી બગીચો ભરાયો

એક સમયે સવાર-સાંજ ટહેલવા આવતાં લોકોથી ગુંજી ઉઠતો બગીચો હાલ સુમસામ ભાસી રહ્યો છે. વેરાન બનેલાં આ બગીચાનો ઉપયોગ હાલ પોલીસે જપ્ત કરેલાં વાહનો મુકવા માટે કરવામાં આવી રહ્યો છે.  બગીચામાં ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય છવાયું છે. તેમજ બાળકો માટેના રમત-ગમતના સાધનો કટાઈને ક્ષતિગ્રસ્ત પામ્યાં છે. આથી પાલિકાતંત્ર દ્વારા આ બગીચાની સાફ-સફાઈ કરાવી ઉપયોગમાં લઈ શકાય તેવો બનાવવામાં આવે તેવી માંગ કરી હતી.

Most Popular

To Top