Madhya Gujarat

મનુષ્યને દેહરૂપી સાધન ભગવાને આપ્યું છે, મોક્ષ કરવો જોઈએ

આણંદ : આણંદમાં 15મી ઓગષ્ટના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન થયું હતું. આ પ્રસંગે તેમનું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું. અક્ષરફાર્મ ખાતે જાહેરસભા યોજાઇ હતી. જેમાં તેઓએ મનુષ્ય દેહરૂપી ખૂબ મોટું સાધન ભગવાને આપણને આપ્યું છે, જેનાથી મોક્ષ કરવો એ જીવનનું પરમ લક્ષ્ય હોવાનું મહંત સ્વામીએ જણાવ્યું હતું.
ચરોતર પ્રદેશને આગામી 38 દિવસો સુધી અમૃત લાભની વિવિધ ઉત્સવો અને કાર્યક્રમોની લ્હાણી થશે. આણંદના આંગણે પ્રગટ બ્રમસ્વરૂપ ગુરુહરિ પરમ પુજ્ય મહંતસ્વામી મહારાજનું 15મી ઓગષ્ટના રોજ આગમન થયુ છે. યુવા વૃંદના ધૂન પ્રાર્થના બાદ વિડિયો દર્શન બાદ પૂજ્ય વેદમનનદાસ સ્વામી અને પૂજ્ય સર્વમંગલદાસ સ્વામીએ સંત મહિમાના પ્રાસંગિક વકતવ્ય રજૂ કર્યા હતા.

દરમિયાન સાંજે 6.30 કલાકે આણંદ મંદિરે પધારી સ્વામીશ્રીએ ઠાકોરજીના દર્શન કર્યા બાદ વિશિષ્ટ વાહન દ્વારા અક્ષરફાર્મમાં પધાર્યા હતા. ભક્તો અને સ્વામી વચ્ચે દૃષ્ટિમાં કોઈ આવરણ અવરોધ ન કરે તેમ ખાસ ડિઝાઇન કરેલી કારમાં બિરાજીત સ્વામીના અનેક લોકોએ રસ્તા પર જ સમીપથી દર્શન કર્યા હતા. ભગવાનના અખંડ ધારક એવા મહાન સંત રસ્તા પર સૌ માટે સુલભ બન્યા હતા. જાહેર માર્ગ ઉપર અનેક લોકોએ તેઓના સમીપ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. અક્ષરફાર્મમાં યોજાયેલા વિરાટ આગમન સભામાં સમગ્ર ચરોતર પ્રદેશના સંતો – હરિભક્તો સ્વામીશ્રીને વધાવવા આતુર હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આણંદ ખાતે આગમનના ઉપક્રમે મોટી સંખ્યામાં સંતો, યુવકો, યુવતીઓ, મહિલાઓ વગેરે તપ, વ્રત, પ્રદક્ષિણાથી ગુરૂહરિને રાજી કર્યા હતા. 100 કલાકના નિર્જળા ઉપવાસ, 25 દિવસના ધારણા પારણા, 10,000 પ્રદક્ષિણા, દંડવત પ્રણામ વગેરે દ્વારા ભક્તિ અદા કરી હતી. આ પ્રસંગે અક્ષરફાર્મના મંચ ઉપર સ્વામીનું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું. યુવકોના સ્વાગત નૃત્ય અને સ્વાતંત્રદિનના થીમ નૃત્યની પ્રસ્તુતિ બાદ પૂજ્ય આત્મસ્વરૂપ સ્વામીએ સ્વામીનું પુષ્પહારથી સ્વાગત કર્યું હતું. બાદ સમગ્ર ચરોતર પ્રદેશના તમામ સંતોએ સ્વામીનું સ્વાગત કર્યું હતું. આમ અતિ ભવ્યતા પરંતુ પૂર્ણ ભકિતભાવ પૂર્વક મહંત સ્વામી મહારાજને વધાવ્યા હતા.

પરમ પુજ્ય મહંત સ્વામી મહારાજ અક્ષરફાર્મ ખાતે 15મી ઓગષ્ટથી 23મી સપ્ટેમ્બર દરમિયાન કુલ 38 દિવસો અર્થાર્થ પાંચ સપ્તાહ સુધી પોતાના પ્રત્યક્ષ સાનિધ્યનો ચરોતર પ્રદેશના સમર્પિત હરિભક્તોને આણંદ ખાતે લાભ આપશે. આણંદના અક્ષરફાર્મ સ્વામીના દર્શન સૌને થાય તે માટે એલ.ઈ.ડી સ્ક્રીન સાથે ખૂબ સુંદર બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રસંગે સ્વામીએ પ્રાસંગિક આશીર્વાદમાં જણાવ્યું હતું કે, મનુષ્ય દેહરૂપી ખૂબ મોટું સાધન ભગવાને આપણને આપ્યું છે જેનાથી મોક્ષ કરવો એ જીવનનું પરમ લક્ષ્ય છે. ભગવાન તપ વ્રતથી રાજી થાય છે. એવું જણાવીને સ્વામીશ્રીએ તપ, વ્રત કરનાર સૌ ઉપર રાજીપો દર્શાવ્યો હતો. આ પ્રસંગે સૌ કાર્યકરો સ્વયંસેવકોએ વરસાદી વાતાવરણમાં પાર્કિંગ, સભા વ્યવસ્થા સેવામાં જોડાઈને ભકિત અર્ધ્ય અર્પણ કર્યું હતું.

Most Popular

To Top