Dakshin Gujarat

જો તમે ‘કામધેનુ ડેરી’નું ગાયનું પ્યોર દેશી ઘી ખાઈ રહ્યાં છો તો જરા સાચવજો

દેલાડ: ઓલપાડના કુડસદ ગામે તબેલાની આડમાં બનાવટી ઘી (Ghee) બનાવતી ફેક્ટરી કીમ પોલીસે (Police) ઝડપી પાડી છે. પોલીસે આ ગુનામાં કુલ રૂપિયા ૧૪,૩૭,૯૭૦નો મુદ્દામાલ કબજે લઈ મુખ્ય આરોપી સહિત સાતને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

પ્રાપ્ત વિગત મુજબ સુરત ડીવાયએસપી બી.કે.વનારને ખાનગી રાહે માહિતી મળી હતી કે, ઓલપાડના કુડસદ ગામે ભાથીજી મંદિરની સામે બ્લોક નં.૭૦માં મેહુલ ગોપાલ પટેલ નામનો ઈસમ તબેલાની આડમાં ડુપ્લિકેટ ઘી બનાવવાની ફેક્ટરી ચલાવી રહ્યો છે. તે પામોલીન તેલનું ભેળસેળ કરી ‘કામધેનુ શુધ્ધ ઘી’ના નામથી પેકિંગ કરીને તેનું વેબસાઈટ ઉપર ઓનલાઇન વેચાણ પણ કરી રહ્યો છે. આથી તેમણે કીમ પોલીસમથકના પીએસઆઇ જે.એસ.રાજપૂતને વોચ રાખવા જણાવતાં આ બાતમી સાચી માલૂમ પડી હતી. જેથી કીમ પોલીસની ટીમે ગત સોમવાર,તા.૭ના રોજ બાતમીના સ્થળે રેઇડ કરી હતી.

આ રેઇડ સમયે પોલીસને તબેલામાં ડુપ્લિકેટ ઘી બનાવીને તેનું વેચાણ થતું હોવાનું જણાતાં ફૂડ એન્ડ ડ્રગ્સ સેફ્ટીના અધિકારીઓને નિરીક્ષણ અર્થે સ્થળ ઉપર બોલાવ્યા હતા. તપાસમાં તબેલામાં વેચાણ થતું ઘી ડુપ્લિકેટ હોવાનું જણાયું હતું. જેથી પોલીસે ગુના સ્થળે હાજર ફેક્ટરીના માલિક મેહુલ ગોપાલભાઇ પટેલ સહિત સાત આરોપીને દબોચી લીધા હતા. પોલીસે તબેલામાંથી એક કિલોવાળી પ્લાસ્ટિકની દેશી ઘી ભરેલી છૂટી બોટલો તથા ખાખી બોક્સમાં ભરેલી બોટલો નંગ ૧,૦૭૨, જેની કિંમત રૂ.૧૨,૯૭,૧૨૦, સુમન ગોલ્ડ રિફાઇન્ડ પામોલીન ઓઇલ તેલના સ્ટિકરવાળા ૧૭ નંગ ડબ્બા, જેની કિંમત રૂ.૩૪,૦૦૦, સ્ટિકર વગરના ૧૧ પામોલીન તેલના ડબ્બા, જેની કિંમત રૂ.૨૨,૦૦૦, સુમન પ્રિમીયમ બ્રિડ રિફાઇન્ડ પામોલીન તેલનાં ૩૨ બોક્સ, જેની કિંમત રૂ.૩૦,૦૦૦, કોમર્શિયલ ગેસના ૩ નંગ બાટલા, જેની કિંમત રૂ.૧,૮૦૦, ગેસની ૨ નંગ સગડી, જેની કિંમત રૂ.૨,૦૦૦, પાંચ એલ્યુમિનિયમના કેઈન, જેની કિંમત રૂ.૨૫૦૦, બે સ્ટીલના મોટા તપેલા, જેની કિંમત રૂ.૪,૦૦૦, ઘી બનાવવાનું ઇલેક્ટ્રિક મશીન, જેની કિંમત રૂ.૨૫,૦૦૦, ઘી ભરવા માટેની ૧૧૫૦ નંગ ખાલી બરણી, જેની કિંમત રૂ.૧૧,૫૫૦, એક લીટરવાળી કાચની ૪૦૦ નંગ ખાલી બોટલો, જેની કિંમત રૂ.૮,૦૦૦ મળી કુલ રૂ.૧૪,૩૭,૯૭૦નો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે ડુપ્લિકેટ ઘીના નમૂનાઓ લઈ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં વધુ તપાસણી અર્થે મોકલી આપી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

મુખ્ય આરોપી ફેક્ટરીમાં કેવી રીતે ડુપ્લિકેટ ઘી ઓનલાઇન વેચતો હતો ?
પોલીસ તપાસ દરમિયાન ગુનાના મુખ્ય આરોપી મેહુલ ગોપાલ પટેલે કબૂલાત કરી હતી કે, તે માર્કેટમાંથી જથ્થાબંધ વનસ્પતિ ઘી વેચાતું ફેક્ટરીમાં લાવતો હતો. આ વનસ્પતિ ઘીમાં પોતાની ગૌશાળામાં બનેલા દેશી ઘીમાં પામોલીન તેલનું ભેળસેળ કરી ચોખ્ખું ઘી દેખાય તેવો કલર નાંખતો હતો. આ ઘી ચૂલા ઉપર તપેલામાં ગરમ કર્યા બાદ ઠંડું પાડ્યા પછી તેની સાથે બનાવટી ધી પ્લાસ્ટિકના ડબ્બામાં પેક કરી ડબ્બાની ફરતે અંગ્રેજીમાં ‘કામધેનુ ડેરી’ ગાયનું પ્યોર દેશી અને નેચરલ ૧૦૦ % શુધ્ધ ઘીનું સ્ટિકર લગાવતો હતો. ગાયના આ ડુપ્લિકેટ દેશી ઘીનો જથ્થો જીયો માર્ટ, એમેઝોન તથા ફ્લિપ કાર્ટ જેવી વેબસાઈટ ઉપર ઓનલાઈન વેચાણ કરી રૂપિયા કમાતો હતો.

Most Popular

To Top