Feature Stories

આજે ગણેશ ચતુર્થી: વિઘ્નહર્તાની સ્થાપના સાથે મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થશે

સુરત: ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi) નિમિત્તે ગજાનનની પ્રતિમાની સ્થાપના કરી ગણેશોત્સવ ઉજવવામાં આવશે. ગણેશોત્સવની શરૂઆત ભાદરવા સુદ ચતુર્થીથી અનંત ચતુદર્શી સુધી ચાલે છે. આ વર્ષે કોરોનાનું (Corona) ગ્રહણ પણ ન હોય, ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોઈ ગાઈડલાઈન વિના ઉત્સવ ઉજવવા માટે ગણેશભક્તોએ જોરશોરથી તૈયારી કરી લીધી છે. અને 10 દિવસ શહેરીજનો ગણેશભક્તિમાં લીન થશે. ગણેશજીને ચતુરતા અને જ્ઞાનના દેવતા માનવામાં આવે છે. તેમને સમૃદ્ધિ, સુખ અને કલ્યાણના પ્રતીક મંગલ મૂર્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ જેમ ભગવાન ગણેશ સકારાત્મકતા લાવે છે, તેમ તેમ દરેક શુભ કાર્ય તેમની પૂજા કર્યા પછી શરૂ થાય છે.

ગણેશ ચતુર્થીની પૂર્વ સંધ્યાએ બજારમાં ગજાનનની પ્રતિમાઓ અને પૂજાપો, પ્રસાદ સહિ‌તની ખરીદી માટે શ્રદ્ધાળુઓ ઊમટ્યા હતા. બુધવારે શ્રદ્ધાપૂર્વક ગણેશ સ્થાપન કર્યા બાદ ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કરાશે. સામાન્ય રીતે દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ કે અગિયાર દિવસ ગણેશજીની સ્થાપના કરવામાં આવતી હોય છે. ગણેશ ચતુર્થી એટલે કે ભાદરવા સુદ ચતુર્થીની વિશેષતા એ હોય છે કે, વર્ષમાં એક જ દિવસ એવો હોય છે, જ્યારે ભગવાન ગણેશજીને તુલસી અર્પણ કરવામાં આવે છે. આવતીકાલે ગણેશજીને લાડુ-મોદકનો પ્રસાદ પણ ધરાવવામાં આવશે. ગણેશ મંદિરોમાં વહેલી સવારથી ભક્તો ઊમટી પડશે.

ગણેશ ચતુર્થીની ઉજવણી કેવી રીતે શરૂ થઈ?
મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજીના શાસન દરમિયાન પૂણેમાં જાહેર કાર્યક્રમો તરીકે આ તહેવારની ઉજવણીની નોંધ કરવામાં આવી હતી. અને ત્યારબાદ ભારતના એક સ્વાતંત્ર્યસેનાની અને સમાજ સુધારક એવા બાલ ગંગાધર તિલકે આ તહેવાર ભારતને નવા રૂપથી ઉજવતા શીખવ્યો. તેમણે આ તહેવાર સામૂહિક સમુદાયની પૂજા તથા તે સમયમાં અનેક સ્વાતંત્ર્યસેનાની તેમાં જોડાય અને આઝાદીની લડત શરૂ કરી હતી. આ સાથે તેઓએ આ તહેવારને સંસ્કૃતિ એકતા સમજી અને લોકોને આ તહેવાર સાથે જોડ્યા હતા અને આ તહેવારની ઉજવણીની શરૂઆત થઈ હતી. ત્યારબાદ આ તહેવાર મહારાષ્ટ્ર તેમજ રાષ્ટ્રભરમાં એકતાથી ઉજવામાં આવે છે. આ તહેવાર અનેક જ્ઞાતિઓના લોકો માટે મળવાનું એક સ્થાન છે. આ તહેવાર ભક્તિ સાથે કલાત્મક અભિવ્યક્તિ પણ દર્શાવાય તેનું માધ્યમ છે.

પહેલા લોકો જાતે મૂર્તિ બનાવતા હતા, હવે ગણેશોત્સવમાં બદલાવ
લોકો પહેલાના સમયમાં માટીની મૂર્તિ જાતે બનાવતા હતા અને ફૂલ તેમજ વનસ્પતિ રંગો દ્વારા શણગાર કરી લોકો ભાદરવા શુક્લ ચતુર્થીના ચોથા દિવસે મૂર્તિની પૂજા કરતા હતા. હવે તો ગણેશોત્સવ એક ટ્રેન્ડ બની ગયો છે. લોકો એડ્વાન્સમાં મૂર્તિ બનાવવા માટે ઓર્ડર આપતા હોય છે કે બજારમાં જઈ મૂર્તિની ખરીદી કરે છે. સાથે સાથે સજાવટમાં પણ કોઈ કચાશ રાખતા નથી. આ વર્ષે ગણેશ આગમનમાં પણ વિવિધ મંડળો વચ્ચે જાણે હરીફાઈ જામી હોય તેમ ધૂમધામથી દુંદાળા દેવનું આગમન કરાયું હતું.

Most Popular

To Top