Madhya Gujarat

ગાંધીનગર-વારાસણી ટ્રેનનું આણંદ સ્ટેશને સ્વાગત કરાશે

આણંદ: માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે નવનિર્મિત ગાંધીનગર રેલ્વે સ્ટેશનથી ગાંધીનગર-વારાણસી નવીન પ્રારંભ થનાર ટ્રેનને તા. ૧૬/૭/૨૦૨૧ના રોજ દિલ્હીથી વર્ચ્યુઅલ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે.  આ ટ્રેન ગાંધીનગર ખાતેથી અમદાવાદ થઇ આણંદ ખાતે અંદાજે સાંજના ૭-૦૦ વાગ્યે આણંદ રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચશે. 

આ ટ્રેનનું આણંદ રેલ્વે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નં. ૧ ઉપર આગમન થતાં રાજયના સહકાર રાજય મંત્રી ઇશ્વરસિંહ પટેલ અને સાંસદ મિતેષભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ મહામંત્રી,  સહિત ધારાસભ્યઓ, જિલ્લાના અગ્રણીઓ સાથે વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહી ટ્રેનમાં સવાર મુસાફરોનું અભિવાદન કરશે. આ કાર્યક્રમના સંદર્ભે કલેકટર મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.

બેઠકમાં કલેકટર દક્ષિણીએ ગાંધીનગરથી આવનાર ટ્રેનના સ્વાગત-અભિવાદન કાર્યક્રમ દરમિયાન સુચારૂં આયોજન કરવા અને કોવિડ માર્ગદર્શિકા અનુસાર જરૂરી વ્યવસ્થા ગોઠવવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.  નવીન શરૂ થયેલ આ ગાંધીનગર-વારાણસી ટ્રેનમાં આણંદ ખાતેથી જિલ્લાના અગ્રણીઓ પણ ટ્રેનના યાત્રિકો સાથે જોડાશે.  આ મહત્વની વેળાએ આણંદ શહેરના ધાર્મિક, શૈક્ષણિક, સામાજિક, રાજકીય, સેવાકીય જેવા વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહી નવીન પ્રારંભ થનાર ગાંધીનગર-વારાણસી ટ્રેનનું અભિવાદન-સ્વાગત કરશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી. જી. પ્રજાપતિ, પ્રાંત અધિકારી જે. સી. દલાલ, આણંદ રેલ્વે સ્ટેશનના સ્ટેશન માસ્ટર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેકટર મનોજ દક્ષિણીએ આજે સંબંધિત અધિકારીઓ સાથે આણંદ રેલ્વે સ્ટેશનની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

Most Popular

To Top