Editorial

ભારતીય અતિધનિકો કેમ વિદેશ જતા રહેવાનું પસંદ કરે છે?

દેશનું બુદ્ધિધન વિદેશોમાં ઘસડાઇ જતું હોવાની ચર્ચા તો ઘણી વખત થાય છે પણ દેશના અતિ ધનવાન વર્ગમાંથી પણ નોંધપાત્ર સંખ્યામાં લોકો વિદેશોમાં વસવા જતા રહેતા હોવાની ચર્ચા પ્રમાણમાં ઓછી થાય છે પરંતુ એ પણ એક વાસ્તવિકતા છે કે ભારતના સુપરરિચ કે અતિધનિક કહી શકાય તેવા વર્ગમાંથી મોટી સંખ્યામાં લોકો વિદેશોમાં – ખાસ કરીને યુકે અને અમેરિકા જેવા પશ્ચિમી દેશોમાં અને અખાતી રાષ્ટ્ર યુએઇમાં વસવા જતા રહ્યા છે. હાલમાં યુકેમાં વસવા ગયેલા ભારતીય ધનવાનોના આંકડાઓ બહાર આવ્યા છે તે જોવા જેવા છે. જો કે યુકેની એક એનજીઓએ બહાર પાડેલા આંકડાઓ પરથી એ પણ જાણવા મળે છે કે ભારત કરતા ચીન અને પાકિસ્તાનમાંથીવધુ પ્રમાણમાં ધનવાનો યુકે અથવા બ્રિટન વસવા જતા રહ્યા છે.

યુકેની સરકારે ત્યાંની કંપનીઓમાં મોટું રોકાણ કરી શકે તેવા વિદેશીઓને અમુક ચોક્કસ સમય સુધી અને વધારે મોટું રોકાણ કરી શકે તેમને કાયમી વસવાટની છૂટ આપતો કાયદો કર્યો છે અને આનો લાભ લઇને ઘણા ભારતીય ધનવાનો યુકેમાં વસવા ગયા છે. આમાં કેટલાક કાળા ધનવાળા પણ હશે તે સ્પષ્ટ છે. મોટુ રોકાણ કરીને યુકેમાં વસવાટની મંજૂર આપતા કથિત ગોલ્ડન વિઝાનો ઉપયોગ કરીને કુલ ૨૫૪ ભારતીય મિલિયોનરો ૨૦૦૮માં આ વિઝા રૂટ શરૂ થયો ત્યારથી યુકેમાં સ્થાયી થવા ગયા છે એમ યુકે સ્થિત એક ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાએ હાલમાં તેના એક અહેવાલમાં જણાવ્યું છે. સ્પોટલાઇટ ઓન કરપ્શન સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જેમણે ટાયર ૧ (રોકાણકાર) વિઝા મેળવ્યા હોય તેવા અતિધનિકોની નાગરિકતાની બાબતમાં ભારતીયોનો ક્રમ સાતમો આવે છે.

વર્ષ ૨૦૦૮થી ૨૦૨૦ વચ્ચે યુકેમાં આ વિઝાના ઉપયોગથી વસવા ગયેલા વિદેશીઓમાં ૪૧૦૬ની સંખ્યા સાથે ચીનના ધનવાનો ટોચ પર આવે છે જેના પછી રશિયા(૨૫૨૬), હોંગકોંગ(૬૯૨), અમેરિકા(૬૮પ), પાકિસ્તાન(૨૮૩) અને કઝાખસ્તાન(૨૭૮)ના ધનવાનો આવે છે જે દેશો આ બાબતમાં ભારત કરતા આગળ છે. ભારત પછી સાઉદી અરેબિયા(૨૨૩), તુર્કી(૨૨૧) અને ઇજિપ્ત(૨૦૬) આવે છે જેઓ ટોચના દસ દેશોની યાદી પુરી કરે છે. જો કે આ રીતે અપાયેલા વિઝામાંથી અડધો અડધ વિઝા હવે સમીક્ષા હેઠળ છે. દેખીતી રીતે આ વ્યવસ્થા સામે યુકેના સ્થાનિક સમાજમાં કચવાટ જાગે જ, અને આવી ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાઓ પણ આવા વિઝા સામે અવાજ ઉઠાવે એટલે હવે આવા અપાયેલા ઘણા વિઝાઓ તપાસ હેઠળ આવી ગયા છે.

ગોલ્ડન વિઝા વ્યક્તિઓને યુકેમાં રહેવાનીછૂટ આપે છે, જો તેઓ યુકેમાં નોંધાયેલી કંપનીઓમાં ૨૦ લાખ પાઉન્ડનું રોકાણ કરે તો તેમને યુકેમાં ત્રણ વર્ષ રહેવાનો તરત અધિકાર મળે છે જેમાં પછી બે વર્ષનું એક્સટેન્શન મળે છે એમ આ અહેવાલમાં નોંધવામાં આવ્યું છે. જેઓ ૧ કરોડ પાઉન્ડનું રોકાણ કરે તેમને ઝપડથી બે વર્ષની અંદર જ યુકેમાં કાયમ રહેવાની પરવાનગી અને જો પ૦ લાખ પાઉન્ડનું રોકાણ કરે તો ત્રણ વર્ષમાં આવી પરવાનગી મળી જાય છે એમ આ હેવાલ જણાવે છે. પીએનબી કૌભાંડનો આરોપી નીરવ મોદી પણ આ વિઝા પર રહેતો માનવામાં આવે છે જે માટે તેણે ૨૦૧૫માં અરજી કરી હોવાનું મનાય છે!  જો કે ત્યાં વસવા ગયેલા બધા જ ધનવાનો કંઇ કૌભાંડીઓ કે કાળા ધનવાળા નહી હોય પણ આવા લોકોની સંખ્યા નોંધપાત્ર હશે જ.

અમેરિકા પણ પોતાને ત્યાં મોટુ રોકાણ કરનારાઓને વસવાટ માટે આમંત્રે છે અને ત્યાં પણ ઘણા લોકો આ રીતે રોકાણ કરીને વસવા ગયા છે. સંયુક્ત આરબ અમીરાતની સરકાર વિદેશીઓને કાયમી વસવાટની છૂટ આપવા બાબતે અત્યંત કડક છે પરંતુ તે પણ અતિ ધનિકોને તો કાયમી વસવા દે જ છે અને ત્યાં પણ કેટલાક ભારતીય ધનાઢ્યો સ્થાયી થયા છે. કૌભાંડીઓ કે કાળા ધનની રેલમછેલ ધરાવતા લોકો આ રીતે વિદેશ ભાગી જાય તે સમજ્યા પણ જેઓ પ્રમાણિક રીતે ધનવાન થયા છે તેમાંના પણ કેટલાક આ રીતે વિદેશોમાં વસી જવા માટે આતુર કેમ થાય છે તે વિચારવા જેવી બાબત છે.

આમાં ઘણી બાબતો હોઇ શકે. સૌથી મહત્વની બાબત તો જીવન ધોરણ. ભારતનું જીવન ઘણા ધનવાનો અને બૌદ્ધિક વર્ગને પણ અંધાધૂંધીભર્યું અને અરાજકતાભર્યું લાગે છે. અહીં નાણા ખર્ચવા છતાં ઘણી વાર સારુ જીવન મળી શકતું નથી એવી ઘણાની ફરિયાદ હોય છે અને આ બાબત જ કદાચ ધનવાનોને વિદેશોમાં સ્થાયી થઇ જવા પ્રેરતી હશે. અંબાણી કે અદાણી જેવા ટોચના ઉદ્યોગપતિઓને એક નાનકડા રજવાડા જેવી સ્થિતિમાં જીવવા મળતું હોય તેવું અહીં બધા ધનવાનોને જીવવા નહીં મળે અને કદાચ તેથી જ તેઓ પસંદગીના વિદેશોમાં વસી જવા આતુર બનતા હશે. અન્ય વિકાસશીલ દેશોના ધનવાનોની પણ આ જ કહાણી હશે. નાણા આવ્યા બાદ માણસને વધુ સારા જીવનધોરણની ઝંખના વધી જાય છે.

Most Popular

To Top