Madhya Gujarat

આણંદના ૮ તાલુકા માટે જનસુવિધાના રૂા.૮૧૨.૭૫ લાખના કામોને બહાલી

આણંદ: જિલ્લા પ્રભારી અને કૃષિ રાજય મંત્રી જયદ્રથસિંહજી પરમારે જિલ્લા આયોજન મંડળને મોકલવામાં આવતી દરખાસ્તો સરકારની ગાઇડલાઇન મુજબ જ રજૂ કરવામાં આવે તે જોવા પર ભાર મૂકયો હતો. પ્રભારી મંત્રી પરમારે જે કોઇ વિકાસ કામો હોય તેની ગુણવત્તા જળવાઇ રહે અને સમયમર્યાદામાં કામો પૂરા થાય તે જોવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો. આજે ગાંધીનગર ખાતેથી જિલ્લા પ્રભારી મંત્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલી જિલ્લા કલેકટર કચેરી સહિત જિલ્લા પંચાયત અને દરેક તાલુકા મથકોએ ખાતે જિલ્લા આયોજન મંડળની જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨ માટે કરવામાં આવેલ આયોજનના કામોને મંજૂરી આપવા અંગેની બેઠક મળી હતી.

બેઠકમાં મંત્રીએ જિલ્લા આયોજન મંડળ દ્વારા જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨ માટે કરવામાં આવેલ જિલ્લાના તમામ તાલુકાઓ માટેના જનસુવિધાઓના રૂા. ૮૧૨.૭૫ લાખના ૭૬૩ કામોની, જિલ્લાના પાંચ તાલુકાઓમાં સામાજિક અને શૈક્ષણિક પછાત જોગવાઇ હેઠળના રૂા. ૨૫ લાખના ૧૯ કામોને તથા જિલ્લાની ૧૧ નગરપાલિકાઓના રૂા. ૨૬૮.૫૦ લાખના ૫૯ કામોને નિયમોને આધિન બહાલી આપવામાં આવી હતી. તેમજ વર્ષ ૨૦૨૦-૨૧ની જિલ્લા આયોજન મંડળની બેઠકની કાર્યવાહી નોંધને પણ સર્વાનુમતે બહાલી આપી હતી.

તેમણે સરકારની ગાઇડલાઇન મુજબ કામો હાથ ધરવા અંગેના સૂચનો કરી અગાઉના વર્ષોના વિકાસના જે કામો બાકી હોય તે તમામ કામો ઝડપથી પૂરાં થાય તે જોવા પર ભાર મૂકયો હતો. તેમણે કામગીરીની ગુણવત્તા સાથે કોઇપણ પ્રકારની બાંધછોડ ન કરવાનું જણાવી વિકાસના કામો ઝડપથી શરૂ થાય તે માટે કોઇ તાંત્રિક/વહીવટી મંજૂરી મેળવવાની રહેતી હોય તે તમામ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા સુચવ્યું હતું.

વર્ષ ૨૦૨૦-૨૦૨૧માં ફેરફાર આયોજન/કામોને જિલ્લા કલેકટર દ્વારા મંજૂરી આપેલ હોય તેવા તમામ તાલુકાના ફેરફાર/રદ કરેલ હોય તેવા વિકાસ કામોને પણ મંજૂર કરાયા હતા. સાંસદ મિતેષભાઇ પટેલએ દરેક તાલુકાઓને પોતાના તાલુકાના વિકાસના કામો માટે દરેક ગામોને આવરી લેવામાં આવે તે જોવા સુચવ્યું હતું. જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીએ સંબંધિત અધિકારીઓને બાકી રહેલા કામો ઝડપથી પૂર્ણ થાય અને તે કામો શરૂ કરવા પાત્ર હોય તેવા કામોની તાંત્રિક મંજૂરીઓ વિના વિલંબે મેળવી લેવા તાત્કાલિક દરખાસ્તો મોકલી આપવા જણાવ્યું હતું.

બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી જે. સી. રાવલે પ્રારંભમાં સૌને આવકારી વર્ષ ૨૦૨૦-૨૧માં વિવેકાધીન જોગવાઇ, પાંચ ટકા પ્રોત્સાહક જોગવાઇ, ખાસ અંગભૂત જોગવાઇ, ખાસ ભાલ પછાત વિસ્તાર જોગવાઇ, જિલ્લા કક્ષા ગ્રાંટ, જિલ્લા વહીવટીતંત્ર ગ્રાંટ, ધારાસભ્યની ગ્રાંટજ્ઞ અને એટીવીટી જોગવાઇમાં પૂર્ણ કરવામાં આવેલ કામગીરીની વિગતો આપી હતી. આ બેઠકમાં જિ.પં.ના પ્રમુખ હંસાબેન પરમાર, જિ.વિ.અ. બી. જી. પ્રજાપતિ, જિ. આયોજન મંડળના સામાન્ય વહીવટ વિભાગના નિરીક્ષક, નિવાસી અધિક કલેકટર પી. સી. ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top