Feature Stories

સુરતમાં આવેલા વિદેશી વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે સુરતી જમણ પણ ગમવા લાગ્યું

કોલેજ કાળને જીંદગીનો સુવર્ણકાળ કહેવામાં આવે છે, ને આ સમય દરમિયાન જ યુવાનો મસ્તી ધમાલની સાથે જ જીંદગીમાં કયા ક્ષેત્રમાં આગળ વધવું એ નક્કી કરતાં હોય છે ત્યારે કેટલાક લોકો કારકિર્દી અર્થે પોતાનું ઘર અને દેશ છોડીને અન્ય દેશમાં જાય છે ત્યારે હવે વિદેશી વિધ્યાર્થીઓ પણ સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે આવીને સુરતથી ખાસ્સા પ્રભાવિત થયા છે.

જો કે શરૂઆતમાં તેમને ભાષા, કલ્ચરથી લઈને જમવાની સમસ્યા નડી હતી. જોકે કેટલાક વિધ્યાર્થીઓ તો ફક્ત અભ્યાસ અર્થે જ આવ્યા હતા પરંતુ હવે તો કહે છે કે અભ્યાસ બાદ જો સુરતમાં કે ભારતમાં જ જોબ મળી જાય તો અહી રહેવામાં પણ વાંધો નથી. તો 15 ઓક્ટોબર વર્લ્ડ સ્ટુડન્ટ ડે જે ભારતના ન્યુક્લિયર મેન અને આપણા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામનો બર્થ-ડે પણ છે તે નિમિત્તે આપણે આવા જ કેટલાક સ્ટુડન્ટો સાથે વાત કરીશું જેઓ અભ્યાસ અર્થે પોતાનું પરિવાર અને કલ્ચર છોડીને VNSGU ખાતે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહ્યાં છે. તો આવો તેમની પાસેથી જ જાણીએ તેમના અનુભવો…

ઈન્ડિયા પહેલેથી જ ગમતું હતું : ફાતિમા કરીમી
મૂળ અફઘાનિસ્તાનની વતની અને છેલ્લા બે વર્ષથી VNSGU ની ગર્લ્સ હોસ્ટેલમાં રહીને PHD નો અભ્યાસ કરતી ફાતિમા કહે છે કે, ઈન્ડિયા મલ્ટીકલ્ચરલ હોવાની સાથે જ અહીં સિક્યુરિટી સારી છે અને આ અગાઉ મારા 3 ભાઈઓ અને 1 બહેન ઈંડિયામાં જ ભણી ચૂક્યા હોવાથી મારા પેરેન્ટ્સ પણ મને અહીં ભણવા મોકલવા માટે તૈયાર હતા. જો કે શરૂઆતમાં અહી હોસ્ટેલમાં આવી ત્યારે પ્રથમ તો મને ભાષાની સમસ્યા તો નડી જ હતી સાથે જ અહીનું ફૂડ મને ધણુ સ્પાઈસી લાગતું હતું. હવે તો અમને અમારા રૂમમાં જાતે બનાવવાની પરમીશન આપી છે જેથી અમે જાતે બનાવી લઈએ છીએ. સાથે જ હવે તો મે સારી એવી હિન્દી પણ શીખી લીધી છે જેથી ઘણા મિત્રો પણ બન્યા છે અને આ વર્ષે તો નવરાત્રીમાં ગરબા પણ એન્જોય કર્યા. સુરતના ખાવાનાની વાત કરું તો મને અહીંની દહી પૂરી ભાવે છે. જો કે અમારા આફ્ઘાનિસ્તાનમા વુમન માટે સેફ્ટી નથી જેથી મને અહીં વધુ ગમે છે.

સ્કૂટર લઈને ઘણી જગ્યાએ ફરી વળ્યો : અબ્દુલ મોઈસ સર્વરી
મૂળ અફઘાનિસ્તાની અબ્દુલ મોઈસ સર્વરી એ તો અહીં આવીને 8 માસમાં જ 70 ટકા સુરત ફરી લીધું છે. અબ્દુલ કહે છે કે અહીં માસ્ટર્સ માટે ગવર્ન્મેન્ટ દ્વારા સ્કોલરશિપ આપવાનું નક્કી કર્યું છે અને VNSGU માં એડમિશન માટે ની પ્રોસેસ ઝડપથી થઈ જાય છે જેથી મેં પુણેની જગ્યાએ સુરત પસંદ કર્યું.મને થોડી હિન્દી આવડે છે એટલે ભાષાની સમસ્યા તો નહીં નડી પણ ગરમીના કારણે સખત હેરાન થાઉં છું. જો કે અહીંનો એરિયા સારો છે અને મેં સ્કૂટર લીધું હોવાથી ડુમસ, દામકા અને હજીરાનો દરિયો પણ જોઈ લીધો છે. અહીંના લોકો તો મિલનસાર છે જ સાથે જ દરેક જગ્યાએ ટ્રાફિક પોલીસની કનડગત પણ જોવા મળતી નથી જેથી હું તો અત્યારે મારા કોઈ ફ્રેન્ડ ન હોવાથી એકલો ગમે ત્યાં ફરવા નીકળી પડું છું. અહીંનું ફૂડ મને તીખું તો લાગે છે પણ ટેસ્ટી હોય છે. સુરતના ફરવા લાયક સ્થળો સિવાય હું દમણ પણ જઈ આવ્યો છું. જો હું અહીંથી ડિગ્રી લઈને જઈશ તો પણ મને કદાચ અફઘાિનસ્તાનમાં તરત જોબ નહીં મળે જેથી મને અહીં ઈન્ડિયામાં જોબ મળે તો અહીં જ રહી જવાનું વિચારું છું.

નોન વેજ ફૂડ વગર ચાલતું નથી: અમોન અલી
બાંગ્લાદેશથી આવેલો અને ફક્ત 19 વર્ષનો અમોન અલી કહે છે કે મારા ઘરે 2 ટાઈમ નોનવેજ ખાવા માટે ટેવાયેલો હતો અને અહીં યુનિવર્સિટી આસપાસ નોનવેજ મળતું નથી જેથી રોજ બહાર ખાવા માટે જવું પડે છે.જોકે મારો કઝીન પણ સુરતમાં રહે છે એટલે ખાસ સમસ્યા નથી નડતી ને આમ પણ મને તીખું ખાવાનું પસંદ છે એટલે હોસ્ટેલમાં ખાવાનું મીઠું લાગે છે. જો કે અહીંના લોકો ફ્રેન્ડલી છે તેમજ સુરત નેચરલ અને ક્લીન સીટી છે એટલે મને ગમે છે. આ ઉપરાંત મને ‘કેમ છો’ જેવી થોડી ગુજરાતી ભાષા પણ આવડે છે અને મારા કઝીન સાથે અમે નવરાત્રીમાં એક પાર્ટી પ્લોટમાં ગયા હચા. જ્યાં ગરબા એન્જોય કર્યા હતા. આ વર્ષે નવરાત્રીમાં મને મારા દેશના ફેસ્ટીવલ યાદ આવી ગયા.

પ્રોફેસરો ઘણા હેલ્પફૂલ છે : મયૂમ્બી બેલ્ડો
સેન્ટ્રલ આફ્રિકાના કેમરુન દેશથી ફક્ત એક માસ અગાઉ આવેલી મયૂમ્બી બેલ્ડો જણાવે છે કે, મે BBA માટે સુરતની VNSGU માં એડમિશન માટે એપ્લાય કર્યું હતું જેમાં મારૂ સિલેકશન થઈ ગયું હતું, અને જેથી જ હું એમ પણ કહું છુ કે ‘મે સુરતને નહીં પરંતુ સુરતે મને પસંદ કરી છે.’ જો કે આ અગાઉ હું અહી ક્યારેય આવી ન હતી જેથી અહીની દરેક વસ્તુ મારા માટે અપરિચિત હતી, અને એવી જ રીતે અહીંના લોકો માટે હું પણ. જેથી મે અહી આવીને ક્લાસમાં જવાનું શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં અન્ય વિધ્યાર્થીઓ મારી સાથે વાત નહોતા કરતાં પણ હવે ધીરે ધીરે સ્માઇલની આપ લે કરે છે. જો કે પ્રોફેસરોનો સારો સપોર્ટ મળી રહે છે, તેઓ અમને વ્યવસ્થિત રીતે સમજાવે છે જેથી અભ્યાસમાં વાંધો નથી આવતો. પણ હા, અહી આસપાસ નોનવેજ ખાવાનું નથી મળતું અને બહારના રસ્તા વિષે સમજ નહીં હોવાથી તકલીફ પડે છે અને ઘર યાદ આવી જાય છે. જો કે અમને અમારા રૂમમાં ખાવાનું બનાવવાની પરવાનગી આપી છે જેથી ઇંસ્ટંટ જે કઈ પણ બને એવું બનાવીએ છીએ અને સાથે જ ફ્રૂટ્સથી ચલાવી લઈએ છીએ. મને ખાસ કરીને અહીની શાંતિ બહુ ગમે છે અને લોકો પણ ફ્રેંડલી હોવાથી વાંધો નથી આવતો.

મિસ કોમ્યુનિકેશન થાય છે : ટેમ નાડેજે મબોન્ગ
આફ્રિકાના કેમરુનથી જ છેલ્લા 1 માસ અને 1 વિકથી સુરતની VNSGU માં BBA ના અભ્યાસ અર્થે આવેલી ટેમ નાડેજે મબોંગ કહે છે કે, અભ્યાસ માટે મે જ્યાં જ્યાં એપ્લાય કર્યું હતું એમાથી મારો બાય ચાન્સ સુરતમાં નંબર લાગી ગયો. જેથી મે સુરતની પ્રોફાઇલ સર્ચ કરી તો સુરત ઈંડિયામાં બેસ્ટ સિટી હોવાની સાથે સાથે VNSGU એ A ગ્રેડ યુનિવર્સિટી હોવાની વાત પણ જાણવા મળી. જેથી હું સુરત આવી ગઈ. જો કે આવતાની સાથે જ મારે મિસ કોમ્યુનિકેશનનો સામનો કરવો પડ્યો. હોસ્ટેલનું જમવાનું મને સ્પાઈસી લાગે છે જેથી મારા રૂમમાં જાતે કઈ પણ બનાવીને ખાઈ લઉં છુ જેમાં અમારા વોર્ડન પણ હેલ્પફૂલ થાય છે. આ ઉપરાંત હું જયારે ક્લાસમાં ગઈ તો અન્ય વિદ્યાર્થીઓ મને થોડા આચરજથી જોઈ રહ્યા હતા. તેઓને એકબીજા સાથે વાત કરતાં જોઈને મને પણ તેમની સાથે વાતો કરવાની ઈચ્છા થાય છે પરંતુ ભાષાની સમસ્યા નડે છે. જો કે હાલમાં જ હોસ્ટેલમાં નવરાત્રી ફેસ્ટિવલ જોયો, જેમાં અહીના લોકોનું ડ્રેસિંગ અને ડાન્સ જોયો જે મને ગમ્યું, પણ અહી હવે હું અમારા ફેસ્ટિવલ નહીં ઉજવી શકું એનો અફસોસ પણ થયો. રહી વાત અહી રહીને અભ્યાસ કરવાની તો અહીનું વાતાવરણ મને ગમે છે એટલે ધીરે ધીરે લોકો સાથે કોમ્યુનિકેશન કરતાં પણ શીખી જઈશ.
……………………….

Most Popular

To Top