Charchapatra

શિસ્ત, સંસ્કાર, સભ્યતા, સંસ્કૃતિ જુનવાણી લાગે છે

પ્રત્યેક દેશ, પરિવાર અને સંસ્થાઓની પોતાની આગવી પરંપરા હોય છે. આ પરંપરામાં વિશેષ સંસ્કાર, સભ્યતા અને સંસ્કૃતિનો સમાવેશ થતો હોય છે.પણ ટેકનોલોજી, આધુનિકતા અને ભૌતિકવાદના ઉન્માદમાં આવી વાતો કે વિચારોનો આગ્રહ સેવનાર જુનવાણી કે વેદીઓ સાબિત થાય છે. ઘર અને શાળાઓમાં કે જ્યાં બાળકનું સાચું ઘડતર થાય છે ત્યાં તો ખાસ આ પરંપરાઓ જાળવવી અનિવાર્ય છે. પણ સૌથી વધુ આઘાત આપનારી વાત એ છે કે મોટે ભાગનાં લોકોએ એને (જે પોતાને ખૂબ બુદ્ધિવાન અને અત્યંત આધુનિક સમજે છે )જુનવાણીનું લેબલ લગાવી દીધું છે.આવી વાત કરનાર વ્યક્તિ વેદિયો કહેવાય છે. આવી વ્યક્તિને પછાત( જ્ઞાન અને વિચારોમાં) તરીકે ખપાવી દેવામાં આવે છે. પરિણામ જગત સમક્ષ છે જ. આપણે જગત જમાદાર ન થઈએ અને આપણા દેશની જ વાત કરીએ તો સંસ્કારોના અભાવે આજનો તરુણ, વિદ્યાર્થી અને આપણું યુવા ધન વ્યસનના અને વ્યભિચારના રવાડે છે.જે ઉંમર તરવરાટની, જિજ્ઞાસાની, ઉત્સાહની છે તેમાંજ ઘણા બધા યુવાનો જીવનને ટૂંકાવી દે છે. મતલબ સંસ્કાર અને સંસ્કૃતિનો અભાવ. જીવનલક્ષી શિક્ષણનો અભાવ.પરિવારની વ્યવસ્થા, પરંપરા,મર્યાદાનો વારસો ભારતીય સંસ્કૃતિમાં છે.પશ્ચિમની પરંપરા સંસ્કાર અને સંસ્કૃતિના વિનાશનાં મૂળ છે.પરિવર્તન જરૂરી છે પણ મર્યાદામાં. નદી મર્યાદા તોડે અને ગાંડી બને તો તારાજી સિવાય કંઈ હાથ ન આવે.
સુરત     – અરુણ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મોંઘવારીને અંકુશમાં લાવવા પગલાંઓ જરૂરી
તાજેતરમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની મોનિટરી પોલીસી કમિટિએ વધી રહેલા ફુગાવાને કાબૂમાં લેવા વ્યાજના દરમાં અડધા ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. એમપીસીએ છેલ્લી ચાર બેઠકમાં કુલ 190 (એકસો નેવું) બેઝીસ પોઇન્ટનો વધારો કરી હવે વ્યાજનો દર 5.90 કર્યો છે. જે છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી ઊંચો છે. રિઝર્વ બેંક દ્વારા અત્યાર સુધીમાં ઉપરાછાપરી વ્યાજના દરમાં વધારો કરવામાં આવ્યો છે અને ફુગાવાને અંકુશમાં લેવા માટે હજુ પણ વ્યાજના દરમાં વધારો કરવામાં આવશે તેવી શકયતા છે. પરંતુ સમગ્ર વિશ્વની આર્થિક હાલત અને એમાં આપણા દેશની આયાત-નિકાસ વચ્ચેના મોટા તફાવતને લક્ષમાં લેતાં ફુગાવો મોંઘવારી અંકુશમાં રહે તેવી શકયતા ઓછી છે. આવા સંજોગોમાં માત્ર વ્યાજના દરમાં જ વધારો કરવાથી ફુગાવો-મોંઘવારી ઘટશે જ તે નિશ્ચિત નથી. ફુગાવો-મોંઘવારી વધવાનું કારણ જો નીતિગત પણ હોય તો માત્ર આર્થિક પગલાંઓથી જ તેને અંકુશમાં લેવાનું મુશ્કેલ બની રહે છે. આથી જ ફુગાવો-મોંઘવારીને અંકુશમાં લેવા માટે આર્થિક પગલાંઓની સાથે નીતિવિષયક પગલાંઓ પણ લેવાની જરૂર છે. નીતિવિષયક પગલાંઓમાં અનાજ કઠોળ સહિત જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની સંગ્રહખોરી અને નફાખોરી અટકાવવા કડક, નક્કર અને અસરકારક પગલાંઓ લેવાની તાતી જરૂર છે.
પાલનપુર          – મહેશ વી. વ્યાસ   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top