Charchapatra

વિદેશો ભારત કરતાં ખૂબ આગળ છે

આપણે ભારતમાં રહીને ભારતના ગુણગાન ગાયા કરીએ છીએ. અલબત્ત શાસ્ત્રો અને ધર્મોની દૃષ્ટિએ ભારત ઘણું આગળ છે કારણ ભારતમાં નીતિમત્તા ધરાવનાર ઘણા બધા મહાપુરુષોએ અવતાર લીધો છે. પરંતુ હાલના સમયમાં નીતિમત્તા તથા સરસતા અને સાદાઇમાં ઘણા વિદેશો આગળ છે. એમાં ભારતનો કેટલામો નંબર આવે તે કહી શકાય એમ નથી. કારણ આઝાદી મળ્યા પછી ભારતના યુવાનોની નજર હંમેશા વિદેશ તરફ જ રહી છે. આઝાદી પછી જે સરકાર આવી તેણે ભારતનાં યુવાનોનાં શિક્ષણ અને નીતિમત્તા માટે વિચાર જ કર્યો નથી. ફકત પોતાની ખુરશી સાચવવાનો અને નાણાં એકઠા કરવાનું જ કામ કર્યું છે. ભારતનું બીજું મુખ્ય અંગ ખેતી તેને પણ વિકસાવી નથી અને ધીમે ધીમે ખેતી અવગતે ગઇ છે અને ખેડૂતો શહેરોમાં આવી વ્યાપારીઓ બની ગયાં.

જયારે વિદેશના સમાચારો વાંચીએ છીએ ત્યારે નીતિમત્તા અને સાદાઇમાં ઘણી અગ્રતા જોવા મળે છે. હાલમાં જ સમાચાર વાંચવામાં આવ્યા કે વિદેશની સ્ત્રીઓ પ્રસૂતિ ઘરે જ કરે છે. હોસ્પિટલમાં પ્રસૂતિ કરવા જતી નથી. સિઝેરિયનમાં માનતી નથી. એક સમાચારમાં સ્ત્રીને એક જગ્યાએ પ્રવચન કરવા જવાનું આમંત્રણ મળ્યું તો તે સ્ત્રીનો ફોટો જોતાં પોતાના હાથમાં એક નાનું બાળક અને પાસે ઊભેલું બીજું બાળક એમ સાથે રાખી સ્ત્રી પ્રવચન કરતી જોવામાં આવી. કેવી બાળકોની સંભાળ અને માતૃપ્રેમ! નોકર જેવી વાત તો પરદેશનાં ઘરોમાં સાંભળવા જ મળતી નથી. બધું કામ સ્ત્રી જાતે કરે છે અને બાળકોની બધી જવાબદારી પણ નાનાં હોય ત્યાં સુધી પોતે સંભાળે છે. ખર્ચ કરવામાં પણ વિદેશની સ્ત્રી કરકસરથી ચલાવનારી હોય છે. જયારે ભારતમાં એનાથી બધું જ ઉલટું થાય છે. ભણેલી સ્ત્રીઓ પોતાની નોકરી કે ધંધો સિવાય અને પોતાના સિવાય બીજું કાંઇ સંભાળતી નથી. ઘરમાં કાયમનો નોકર કે નોકરાણી હોય છે અને તે ઘર તથા બાળકોને સંભાળે છે. બોલો, હવે નીતિમત્તા અને સરળતા-સાદાઇમાં કોણ આગળ છે?
પોંડીચેરી          – ડો. કે.ટી. સોની – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ઘર ઘર તુલસી છોડ
‘ઘર ઘર તુલસી છોડ’ આપણે સૌ દિન-રાત બદલાતા વાતાવરણની અસરને અનુભવી રહ્યાં છીએ. આ અનિશ્ચિત ક્લાયમેટ ફેરફાર ‘જંગલો ત્થા વૃક્ષોના સતત થઈ રહેલા નાશને આભારી છે. જંગલો આપણી અમૂલ્ય સંપત્તિ છે અને વૃક્ષો ઓકિસજનનાં વાહક સમાન છે. આથી એક જાગૃત નાગરિક તરીકે આપણે સૌ વૃક્ષારોપણને મહત્ત્વ આપવું જ પડશે નહીં તો વર્ષો જતાં આપણે ગ્લોબલ વોર્મિગનાં શિકાર બની જઈશું. આ વિકટ પરિસ્થિતિને ટાળવા, આપણે સૌ એક તુલસી છોડ ઘરમાં, ગેલેરી, આંગણામાં જરૂર વાવીએ, જેમ ઘર ઘર રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો તેમ ઘરે ઘેર તુલસી ઉગાડો. બીજું, આપણાં સ્નેહી સ્વજનો, મિત્રોને તેમના શુભ પ્રસંગે અચૂક એક નાનકડો તુલસી છોડ જરૂર આપજો, કારણ છોડમાં રણછોડ પણ વસે છે. આ ઉપરાંત પણ તુલસીનાં પાનનાં ઘણા ફાયદાઓ હોય છે. તે ઔષધી રૂપે પણ શ્રેષ્ઠ મનાય છે. પર્યાવરણની રક્ષા કરો અને માનવજીવન સ્વસ્થ બનાવો તો ભારત દેશ આપોઆપ શ્રેષ્ઠ દેશ – દુનિયામાં ઓળખાશે.
સુરત     – દીપક બી. દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top