SURAT

અશાંતધારામાં વિવાદની આગ! મંદિરને મસ્જિદ બતાવી મંજૂરી? ધારાસભ્યનો ભ્રષ્ટાચારનો આક્ષેપ

સુરત શહેરના પૂર્વ વિસ્તારમાં અશાંતધારા હેઠળ આપવામાં આવેલી એક મિલ્કત મંજૂરીને લઈને ભારે વિવાદ ઊભો થયો છે. આ મુદ્દે અન્ય કોઈ નહીં પરંતુ સુરત પૂર્વના ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ જ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમની દલીલ છે કે અશાંતધારા જેવા સંવેદનશીલ કાયદા હેઠળ જે કડક પ્રક્રિયા અનુસરવી જરૂરી છે, તે અહીં અવગણવામાં આવી છે.ધારાસભ્યના જણાવ્યા મુજબ, જે મિલ્કત ટ્રાન્સફર માટે મંજૂરી અપાઈ છે તેની બાજુમાં જગન્નાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. તેમ છતાં, તંત્ર દ્વારા દસ્તાવેજોમાં ત્યાં મસ્જિદ હોવાનું દર્શાવી મંજૂરી અપાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાણાએ આ મામલે “ખોટી રજૂઆતના આધારે લેવાયેલો નિર્ણય” ગણાવી તાત્કાલિક મંજૂરી રદ કરવાની માંગ કરી છે.

અરવિંદ રાણાએ કલેક્ટર અને વહીવટી અધિકારીઓની કાર્યપદ્ધતિ પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે અશાંતધારા હેઠળ મિલ્કત ટ્રાન્સફર કરતી વખતે સ્થળની તપાસ, પડોશીઓની સંમતિ, ધાર્મિક સ્થળોની આસપાસની પરિસ્થિતિનું મૂલ્યાંકન જરૂરી હોય છે. પરંતુ અહીં અધિકારીઓ સ્થળની મુલાકાત લીધા વગર ઓફિસમાં બેસીને ફાઈલને મંજૂરી આપી રહ્યા હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. “આ સ્પષ્ટ ભ્રષ્ટાચારનો કિસ્સો છે,” એમ કહી તેમણે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.આ વિવાદનું કેન્દ્ર નવાપુરા વિસ્તાર બન્યો છે.સ્થાનિકો નો દાવો છે કે સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં અન્ય સમુદાયના લોકો દ્વારા મિલ્કતોની ખરીદી વધતી જઈ રહી છે, જેના કારણે વસ્તીનું સંતુલન બગડવાની ભીતિ ઊભી થઈ છે.નવાપુરા સંઘર્ષ સમિતિના સભ્યો સાથે ધારાસભ્યએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને સમગ્ર મામલે પારદર્શક તપાસ કરવાની માંગ કરી છે.

અરવિંદ રાણાએ વધુમાં જણાવ્યું કે ભૂતકાળમાં આ જ વિસ્તારમાં સમાન પરિસ્થિતિમાં મંજૂરીઓ નકારી કાઢવામાં આવી હતી. ત્યારે હવે કયા આધારે પરવાનગી અપાઈ રહી છે તે અંગે સ્પષ્ટતા થવી જોઈએ. તેમણે દાવો કર્યો કે સ્થાનિક લોકોએ મંદિર હોવાના પુરાવા રજૂ કર્યા હોવા છતાં તેને અવગણવામાં આવ્યા છે.આ સમગ્ર ઘટનાએ સામાજિક અને આર્થિક પરિસ્થિતિ અંગે ચિંતા ઊભી કરી છે. નવાપુરા અને આસપાસના વિસ્તારો વર્ષોથી જરી ઉદ્યોગ અને પરંપરાગત વસાહતો માટે ઓળખાતા રહ્યા છે. મોટા પાયે મિલ્કત ખરીદી અને નવા બાંધકામોથી સ્થાનિક લઘુ ઉદ્યોગ અને પરંપરાગત માળખા પર અસર થઈ શકે છે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

ધારાસભ્ય અરવિંદ રાણાએ સ્પષ્ટ અલ્ટીમેટમ આપતા જણાવ્યું છે કે જો તંત્ર દ્વારા ખોટી મંજૂરી રદ નહીં થાય અને સ્થળ તપાસ નહીં કરવામાં આવે તો તેઓ સ્થાનિક લોકો સાથે મળી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. “એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે સ્થાનિક લોકોની ચિંતાઓ સરકાર સુધી પહોંચાડવી મારી ફરજ છે,” એમ કહી તેમણે તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરી છે.હવે નજર તંત્રના આગળના પગલાં પર ટકી છે શું મંજૂરી રદ થશે કે મામલો વધુ રાજકીય રંગ લેશે? સુરતના પૂર્વ વિસ્તારમાં ઉઠેલો આ વિવાદ શાંતિપૂર્ણ ઉકેલ તરફ જશે કે નવા તણાવને જન્મ આપશે, તે જોવું રહ્યું.

Most Popular

To Top