World

ઓસ્ટ્રેલિયામાં ફેસબુકનું આંચકા જનક પગલું: પોતાના પ્લેટફોર્મ પર ન્યૂઝ એક્સેસ અટકાવી દીધી

એક આંચકાજનક વળતા પગલામાં ફેસબુકે ઓસ્ટ્રેલિયનોને ન્યૂઝ શેર કરતા અટકાવી દીધા છે, જે પગલું સરકારો, મીડિયા અને શક્તિશાળી ટેક કંપનીઓ વચ્ચેના વધતા જતાં સંઘર્ષમાં એક સીમાચિન્હ સમાન છે, જે પગલાને એક ઓસ્ટ્રેલિયન મંત્રીએ એક સાર્વભૌમ રાષ્ટ્ર પર હુમલા સમાન અને શક્તિના દુરૂપયોગ સમાન ગણાવ્યું છે. ફેસબુક પર આવતી સમાચાર સામગ્રી બદલ સમાચાર સંસ્થાઓને નાણા ચુકવવાની ફરજ પાડે તેવા એક સૂચિત કાયદાના વળતા પગલા તરીકે ફેસબુકે આ પગલું ભર્યું છે.

ઓસ્ટ્રેલિયાની સરકારે આ નિર્ણયને વખોડ્યો છે જે નિર્ણય કેટલાક સરકારી સંદેશાઓને પણ અટકાવે છે, જેમાં ઇમરજન્સી સેવાઓ અંગેના સંદેશાઓનો પણ સમાવેશ થાય છે, આ ઉપરાંત કેટલાક કોમર્શિયલ પેજીસ પણ અવરોધાય છે. આ ડિજિટલ પ્લેટફોર્મને ભય છે કે ઓસ્ટ્રેલિયામાં જે બની રહ્યું છે તે મોંઘી પરંપરા બની જશે અને વધુ મોટા દેશો પણ તેને અનુસરશે.

ઓસ્ટ્રેલિયામાં સંસદના પ્રતિનિધિ ગૃહે એક ખરડો પસાર કર્યો છે જે મુજબ ફેસબુક અને ગૂગલે પોતાની સાઇટો પર મૂકાયેલા સમાચારો જે મીડિયા ગૃહ દ્દારા તૈયાર કરાયા હોય તેમને નાણા ચુકવવા પડશે.

આ ખરડો હજી સેનેટમાં પસાર થાય પછી જ કાયદો બની શકશે. આ ખરડો નીચલા ગૃહમાં પસાર થવા સાથે ફેસબુકે આ રાક્ષસી પગલું ભરી દીધું છે એ મુજબ ઓસ્ટ્રેલિયાના નાણા મંત્રી જોશ ફિડેનબર્ગે જણાવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે આ પગલું ભરતા પહેલા ફેસબુકે કોઇ ચેતવણી આપી ન હતી.

જયારે ફેસબુકે પોતાના બચાવમાં જણાવ્યું છે કે આ સૂચિત ઓસ્ટ્રેલિયન કાયદો મૂળભૂત રીતે અમારા પ્લેટફોર્મ અને તેનો ઉપયોગ કરતા પ્રકાશકો વચ્ચેના સંબંધો બાબતે ગેરસમજ કરે છે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયન આરોગ્ય મંત્રી ગ્રેગ હંટે ફેસબુકના આ પગલાને સંસદમાં એક સાર્વભૌમ રાષ્ટ્ર પર હુમલા સમાન ગણાવ્યું હતું.

ગૂગલે પણ વળતા પગલાની ચેતવણી આપી હતી પરંતુ તેની ચેતવણી ઝડપથી નાબૂદ થઇ ગઇ હતી કારણ કે તેણે પોતાના ન્યૂઝ શો કેસ મોડેલ હેઠળ ઓસ્ટ્રેલિયન મીડિયા કંપનીઓ સાથે કરારો કરવા માંડ્યા છે. રૂપર્ટ મર્ડોકની ન્યૂઝ કોર્પોરેશન સહિત કેટલીક મોટી મીડિયા કંપની સાથે તેના કરાર થઇ પણ ગયા છે અને સરકારી એબીસી સહિત અન્ય કંપનીઓ સાથે કરારની વાટાઘાટો ચાલુ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top