SURAT

એવરેસ્ટના મસાલા જોઈ ચકાસીને ખરીદજો, શંકાસ્પદ મસાલા બનાવતું કારખાનું સુરતમાંથી ઝડપાયું

સુરત: સુરતના બમરોલી વિસ્તારમાં પાલિકાના ફૂડ વિભાગ દ્વારા દરોડા કાર્યવાહી કરવામાં આવી છે. જાણીતી કંપનીના નામનો ઉપયોગ કરી શંકાસ્પદ મસાલા બનાવી વેચતા હોવાની આશંકા સાથે પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરોએ આ દરોડા કાર્યવાહી કરી છે. ફૂડ સેફ્ટી ઓફિસરોએ ચીક અને મટન મસાલાના નમૂના લઈ ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. આ સાથે જ રૂપિયા 22.71 લાખનો મસાનો જથ્થો સીઝ કરાયો છે.

  • પાલિકાના ફૂડ વિભાગે બાતમીના આધારે દરોડા પાડ્યા
  • બમરોલીના બાપા સીતારામ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાંથી કારખાનું પકડાયું
  • એવરેસ્ટના પેકિંગમાં મસાલા ભરવામાં આવતા હતા
  • મસાલાના સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલાયા
  • રૂપિયા 22.71 લાખના મસાલા સીઝ કરાયા

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મનપાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરોએને એવી બાતમી મળી હતી કે બમરોલીની બાપા સીતારામ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં આવેલી એક્ટ ફેક્ટરીમાં શંકાસ્પદ મસાલા બનાવવામાં આવી રહ્યાં છે. આ બાતમીના આધારે ફૂડ સેફ્ટી ઓફિસરોએ દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન એવી હકીકત ઉજાગર થઈ કે પવન પ્રકાશ કલાલ શંકાસ્પદ મસાલા બનાવે છે. તે જાણીતી મસાલાની કંપની એવરેસ્ટના નામથી ચીકન મસાલા, મટન મસાલા બનાવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

તેથી ફૂડ સેફ્ટી ઓફિસરોએ પવન પ્રકાશ કલાલ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. એવરેસ્ટ કંપનીના નામથી ઉત્પાદિત એવરેસ્ટ ચીકન મસાલા, મટન મસાલા તેમજ લુઝ મસાલાનો 6121 કિ.ગ્રામ જથ્થો જપ્ત કરી સીઝ કરાયો હતો. ફૂડ વિભાગને શંકા જતા મસાલાનો મોટા પ્રમાણમાં જથ્થો સીઝ કરાયો હતો. ત્યાર બાદ મસાલાના સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલાયા હતા. રિપોર્ટ આવ્યા બાદ આગામી કાર્યવાહી કરાશે.

Most Popular

To Top