Comments

ખેતી ક્ષેત્રની નિષ્ફળતા અર્થતંત્રનાં તમામ ક્ષેત્રોને અસર કરશે

ભારત હવે ખેતીપ્રધાન રહ્યો નથી પણ નેતાઓ, અભિનેતાઓ, ઉદ્યોગપતિઓ, ખેતી દ્વારા નાણાં ઉગાડી રહ્યા છે. ખેતી અંગ્રેજોના સમયથી આપણી ઉપેક્ષાનું ક્ષેત્ર રહ્યું છે. અંગ્રેજોએ ચાલાકીપૂર્વક ખેતી ક્ષેત્રને પછાત રાખ્યું અને ભારતને ગુલામ બનાવવામાં તેનો વ્યૂહાત્મક ઉપયોગ કર્યો તો આઝાદી પછી થોડાં વર્ષોમાં જ ખાસ તો 1980 પછી ઉદ્યોગ વ્યવસાય તરફના આકર્ષણ અને માનસિકતાએ ખેતી માત્ર રાજનીતિક હથિયાર બનાવી દેવામાં આવી. વચ્ચે થોડાં વર્ષો જ ખેતીના મૂળભૂત પ્રશ્નો ઉકેલવામાં સરકાર અને તંત્ર દ્વારા પગલાં લેવાયાં, જેમાં ભારતમાં ખેતી ક્ષેત્રે સંસ્થાકીય પરિવર્તન દ્વારા કાયદાઓ બદલવામાં આવ્યા અને ટેકનોલોજીકલ પરિવર્તન દ્વારા બિયારણો, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરોના શોધ, સંશોધન, ઉત્પાદન વહેંચણીનું કામ થયું. પણ ૧૯૯૧ ના ખાનગીકરણ અને ઉદારીકરણને સેવા ક્ષેત્રને મોટું જ નહીં વિકરાળ બનાવી દીધું છે. શહેરીકરણ અને વ્યવસાયીકરણ વધ્યું છે. સેવા ક્ષેત્ર, ઉદ્યોગ અને ખેતી બન્ને કરતાં મોટું છે તથા આવકની અસમાનતા તીવ્ર રૂપે વધી રહી છે. આ સંજોગોમાં ખેતી સાવ હાંસિયામાં ધકેલાઈ છે.

 સરકાર ખેડૂતોના ખાતામાં દર ત્રણ મહિને રોકડ નાણાં નાખે છે. પણ ચોપડા ઉપર જે ખેડૂત છે તે ખેતરમાં નથી. ખેતરમાં તો ઉધ્ધડ ખેતી કરનારા મજૂરો છે. ઉચ્ચ સંપન્ન જમીનમાલિકો ને તેમનાં સંતાનોને ખેતી કરવી જ નથી. એટલે આદિવાસી અને આર્થિક પછાત વિસ્તારના મજૂરી શોધતાં લોકોને ખેતરો ભાડે મળી રહ્યાં છે. ગણોતીય પ્રથા બીજા સ્વરૂપે આવી ગઈ છે. એટલે ખેડે તેની જમીનના આદર્શ મુજબ જમીન વહેંચણી હવે તેના દુષ્પરિણામ બતાવી રહી છે. માત્ર નાના ખેડૂતો હવે ખેતી આધારિત રહ્યા છે. દેશની નિકાસ અને આવકમાં ખેતીનો હિસ્સો ઓછો થતો જાય છે પણ રોજગારી માટે આજે પણ ખેતી મોટું ક્ષેત્ર છે. આ સન્દર્ભમાં આ કમોસમી વરસાદ અને તે દ્વારા થનારું નુકસાન માત્ર ખેડૂતને અસર નહીં કરે, પણ આખા અર્થતંત્રને અસર કરશે. એમાં વૈશ્વિક મંદીનો માહોલ બળતામાં ઘી હોમાશે.અગાઉની જેમ ભારત ફુગાવો અને નબળી માંગ એમ બન્ને આફતોનો સામનો કરશે.

 ગુજરાતમાં હાલમાં જે માવઠું થયું છે અને અણધાર્યો વરસાદ અઠવાડિયાથી વધુ સમયમાં ચાલ્યો છે તે પ્રથમ અસરમાં ખેતરમાં તૈયાર પાકને નુકસાન કરશે અને જે શિયાળુ પાક તૈયાર થઇ મેદાનોમાં ઢગલા થઇ પડ્યો છે, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પડ્યો છે તે પણ બગડવાનો છે. આંબે ઝૂલતી કેરીઓ તો બગડી જ છે. ફિલ્મ દીવારમાં મા પોતાના દીકરાને કહે છે કે “અભિ તુ ઇતના અમીર નહીં હુઆ કઈ અપની મા કો ખરીદ સકે”…એમ આપણે ભલે ભારતના વિકાસની વાતો કરીએ પણ કુદરત ભારતના નેતાઓને કહે છે કે “હજુ તમે એટલા નથી વિકસ્યા કે ખેતરમાં ઉગેલું બધું અનાજ બંધ ગોદામમાં ભરી શકો.  ઉગેલું અનાજ બગડે તે પકવનાર માટે જુવાન દીકરાના મૃત્યુ જેટલું દુ:ખદ હોય છે.

પણ આર્થિક જગતમાં લાગણીની વાતો મહત્ત્વ ધરાવતી નથી માટે ખેડૂતના આંસુની કોઈ કિંમત નથી. ઓક આવ્યો નહી …ભારતમાં ખેતી આવક અને નિકાસમાં પ્રધાનતા ગુમાવી ચૂકી છે પણ રોજગારીમાં વસ્તીના મોટા ભાગની આવકમાં તેનો હિસ્સો મોટો છે. જો પાક બગડે તો રોજગાર અને તે સંબંધિત આવકમાં અસર થાય. ગ્રામીણ ખર્ચને અસર થાય અને ખેતીમાંથી કાચો માલ મેળવતા ઉદ્યોગોને અસર થાય. ખેતી સાથે સંકળાયેલાં લોકોની આવક અને નાણાં વ્યવહારો પર અસર થાય અને તે ઉદ્યોગ ક્ષેત્ર તથા સેવા ક્ષેત્રને અસર કરે એટલે આવનારા સમયમાં આખા અર્થતંત્રને આની અસર ભોગવવી પડશે.

 આપણે ના ભૂલવું જોઈએ કે ૨૦૦૮ અને ૦૯ ની મહામંદીમાંથી ભારત બચ્યું હતું કારણ કે ભારતનું ગ્રામીણ અને ખેતી ક્ષેત્ર મંદીના પ્રભાવમાં ન હતું. 2020 અને 21 માં કોરોના સામે આખું અર્થતંત્ર લાચાર હતું ત્યારે માત્ર ખેડૂતોએ આર્થિક પ્રવૃત્તિઓ ચલાવી અને દેશ પાછો પાટે ચડ્યો.હવે આપણો વારો છે ખેતી વિષે વિચારવાનો. ખેતીમાં સિંચાઈ અને ઉત્પાદન સંગ્રહ બે અગત્યની બાબત છે. તેની વ્યાપક સુવિધા ઊભી થાય તો જ ખેડૂતની આવકમાં વધારો થાય તેને તેની મહેનતનું ફળ મળે.આ દિશામાં નેતાઓને વિચારતા કરવા પડશે. ખેતીની ચિંતા આપણા સૌની ચિંતા છે કારણ સૌના ખોરાકનો આધાર ખેતી છે. 
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top