Business

પરીક્ષા – આશા, નિરાશા કે વાસ્તવિકતા?

TAT HSની પરીક્ષા પૂર્ણ થઈ. લાખો ઉમેદવારો માટે આ માત્ર એક પરીક્ષા નહોતી, પરંતુ તેમની વર્ષોની મહેનત, આશા અને ભવિષ્યની કસોટી હતી. પ્રશ્નપત્રની રચના અંગે વાત કરીએ તો ઘણાં ઉમેદવારોનું માનવું છે કે પ્રશ્નપત્રનું સ્તર “યોગ્ય” અને “અયોગ્ય” વચ્ચે ક્યાંક ખોવાઈ ગયું હતું. શું ખરેખર આ પરીક્ષા શિક્ષકની યોગ્યતા માપે છે કે માત્ર યાદશક્તિની કસોટી કરે છે? સમય વ્યવસ્થાપન પણ મોટો મુદ્દો રહ્યો. ઘણાં વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી કે પ્રશ્નપત્ર ઊંડા વિચારો માંગી લે તેવું હતું જેથી સમય મર્યાદાનો પ્રશ્ન ઊભો થયો.

જો એક શિક્ષક બનવાનો ઉમેદવાર સમયની અંદર પોતાના વિચારો વ્યક્ત ન કરી શકે, તો શું એ તેની અયોગ્યતા ગણાય કે પ્રશ્નપત્ર રચનાની ખામી? આ પરીક્ષાની તૈયારીમાં ઉમેદવારો વર્ષો ખર્ચે છે – કોચિંગ ક્લાસ, પુસ્તકો, ટેસ્ટ સિરિઝ… પરંતુ અંતે પ્રશ્ન એ છે કે શું આ તમામ પ્રયત્નોનું મૂલ્યાંકન એક જ દિવસમાં યોગ્ય રીતે થઈ શકે? કે પછી આ પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને સુધારાની જરૂર છે? કટાક્ષ રૂપે કહીએ તો, “શિક્ષક બનવા માટે પહેલાં પરીક્ષા પાસ કરવી પડે છે, પરંતુ પરીક્ષા આપ્યા પછી જ સમજાય છે કે ખરેખર શીખવાનું તો હવે શરૂ થાય છે!” પરંતુ આ બધાની વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે યુવાનોમાં શિક્ષક બનવાની લાગણી હજુ જીવંત છે.
સુરત – પ્રા. સાગર અનિલભાઈ ગાંધી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top