Sports

આજે બીજી વન ડે : 23 વર્ષ પછી ઇંગ્લેન્ડમાં સીરિઝ જીતવા પર પછી ભારતની નજર

કેન્ટબરી : વન ડે સીરિઝની પહેલી મેચ (Match) જીત્યા પછી આત્મવિશ્વાસથી ભરેલી ભારતીય મહિલા ટીમ (Indian Women’s Team) આજે બુધવારે જ્યારે બીજી વન ડે રમવા માટે ઇંગ્લીશ મહિલા ટીમ સામે મેદાને (Ground) ઉતરશે ત્યારે તેમની નજર બ્રિટિશ ધરતી પર 23 વર્ષ પછી પ્રથમ સીરિઝ જીતવા પર રહેશે. ટી-20 સીરિઝમાં 1-2થી પરાજીત થયા પછી હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમે રવિવારે હોવ ખાતે પ્રથમ વનડેમાં સાત વિકેટથી જીત મેળવી હતી.

ઇંગ્લેન્ડને તેના કેટલાક સીનિયર ખેલાડીઓની ખોટ પડી છે, પરંતુ પ્રથમ મેચમાં ભારતીય મહિલાઓ રમતના દરેક પાસામાં તેમના કરતાં ઘણી સારી રહી હતી અને તેઓ પોતાની એ રિધમને જાળવા રાખવાનો પ્રયાસ કરશે, ભારતે ઇંગ્લેન્ડમાં છેલ્લે 1999માં વનડે સીરિઝ 2-1થી જીતી હતી. તે સમયે અંજુમ ચોપરાએ એક સદી અને એક અર્ધસદી ફટકારી હતી.

આ સીરિઝ ઝુલન ગોસ્વામીની અંતિમ સીરિઝ છે. આ સીરિઝ પછી ભારતીય મહિલા ટીમે જૂન 2023 સુધી કોઈ વનડે મેચ રમવાની નથી. સૌથી વધુ વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ ધરાવનારી ઝુલને પહેલી વન ડેમાં 10 ઓવરમાં 20 રન આપીને એક વિકેટ લીધી હતી. પ્રથમ વન ડેમાં સ્મૃતિ મંધાના, યાસ્તિકા ભાટિયા અને સુકાની હરમનપ્રીત કૌરે અર્ધસદી ફટકારી હતી. ભારતીય મહિલા ટીમ જો કે શેફાલી વર્મા પાસે આક્રમક ઇનિંગની આશા રાખશે.

રવિવારે રમાયેલી પ્રથમ વન ડેમાં ભારતીય મહિલા ટીમે બોલરોની ચૂસ્ત બોલીંગની મદદથી ઇંગ્લેન્ડને 50 ઓવરમાં 7 વિકેટે 227 રન સુધી સિમિત રાખીને પછી સ્મૃતિ મંધાના, સ્મૃતિ મંધાના, યાસ્તિકા ભાટિયા અને કેપ્ટન હરમનપ્રીત કૌરની અર્ધસદીની મદદથી ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવીને ત્રણ મેચની સીરિઝમાં 1-0ની સરસાઇ મેળવી લીધી હતી.

228 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહોતી. જો કે તે પછી મંધાના અને યાસ્તિકાએ બીજી વિકેટ માટે 98 રનની ભાગીદારી કરી હતી. યાસ્તિકા 47 બોલમાં એક છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી 50 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તે પછી મંધાના અને કેપ્ટન હરમનપ્રીત વચ્ચે ત્રીજી વિકેટ માટે 99 રનની ભાગીદારી થઈ હતી, મંધાના 99 બોલમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 91 રન બનાવીને આઉટ થઈ હતી. તે પછી હરમનપ્રીત કૌર અને હરલીન દેઓલે ટીમને જીત અપાવી. હરમનપ્રીત કૌરે 94 બોલમાં એક છગ્ગો અને 7 ચોગ્ગાની મદદથી 74 રને નોટઆઉટ રહી હતી.
આ પહેલા ટોસ હારીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ વતી ડેવિડસન રિચર્ડ્સે પ્રથમ દાવમાં 50 જ્યારે ડેનિયલા વ્યાટે 43 રન રન કર્યા હતા.

આ સિવાય સોફિયા ડંકલીએ 29 રન, સોફી એક્લેસ્ટોને 31 અને ચાર્લી ડીને અણનમ 24 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઝુલન ગોસ્વામી, મેઘના સિંહ, રાજેશ્વરી ગાયકવાડ, સ્નેહ રાણા, હરલીન દેઓલે એક-એક જ્યારે દીપ્તિ શર્માએ બે વિકેટ ઝડપી હતી.

Most Popular

To Top