Columns

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ : કેન્દ્ર સરકારનું નવું ‘શસ્ત્ર’

એક સમય હતો જ્યારે દેશમાં શાસક પક્ષ ‘સૅન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટીગેશન’[CBI]નો દુરુપયોગ કરતી હતી. છેલ્લા વર્ષોમાં ‘CBI’ની જગ્યા ‘એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે’ લીધી છે, જેને ‘ED’થી પણ ઓળખાય છે. ‘ED’નો મુખ્ય ઉદ્દેશ આર્થિક ગુનાઓને શોધી કાઢવાનો અને તેની તપાસ કરવાનો છે. આ ડિપાર્ટમેન્ટ ‘મિનિસ્ટ્રી ઑફ ફાઇનાન્સ’ના અંતર્ગત આવે છે. તેની સ્થાપના તો છેક 1956માં થઈ હતી પરંતુ વર્તમાન કેન્દ્ર સરકારમાં ‘ED’ની બોલબાલા વધી છે. એવું નથી કે અગાઉ ‘ED’દ્વારા દુરુપયોગ થવાની ઘટના નહોતી બની.

‘ED’ના ‘ધ ફોરેન એકસચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999[FEMA]’અને ‘ધ ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ, 1973[FERA]’ના કાયદાકીય ‘શસ્ત્ર’ થકી જે-તે વખતે શાસક સરકારે વિરોધીઓને જેલમાં ધકેલ્યા છે. જો કે સમય જતાં આર્થિક ગુનાઓ અલગ અલગ રીતે થતા ગયા અને ફરી તેમાં સંશોધન કરીને તેના કાયદા બદલવાની જરૂરિયાત વર્તાઈ અને છેલ્લે ‘ED’ જે કાયદા અંતર્ગત કાર્યવાહી કરે છે તે કાયદો બન્યો ‘ધ ફ્યુગેટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ, 2018[FEOA]’. કાયદાકીય રીતે ‘ED’ને સશક્ત કર્યા બાદ આ ડિપાર્ટમેન્ટ છેલ્લા વર્ષોમાં એક પછી એક ધરપકડ કરી રહ્યું છે. છેલ્લે સૌથી ચર્ચિત ધરપકડ શિવસેનાના ફાયરબ્રાન્ડ નેતા સંજય રાઉતની થઈ છે.

2013માં સુપ્રીમ કોર્ટે ‘CBI’ પર ટિપ્પણી કરી હતી કે ‘CBIના અનેક માલિક છે અને તે પિંજરામાં બંધ પોપટ જેવી છે. આ પોપટને આઝાદ કરવો જરૂરી છે. CBI એક સ્વાયત્ત સંસ્થા છે અને તેણે પોતાની સ્વાયત્તતા અકબંધ રાખવી જોઈએ.’ CBI પર આ ટિપ્પણી થઈ તે પછી આ સંસ્થાનું જોર સમય સાથે ઘટતું ગયું અને તેની જગ્યા ‘ED’એ લીધી છે. ‘ED’ના ડિપાર્ટમેન્ટમાં પણ ‘IAS’, ‘IPS’અને ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાંથી ઑફિસરોની પસંદગી થાય છે અને છેલ્લા વર્ષોમાં કડક કાર્યવાહી કરવા અર્થે તે રીતે ઓફિસરો તેમાં પસંદ કરવામાં આવ્યા છે.

જો કે ઘણી વાર એવું બને છે કે ‘CBI’ અને ‘ED’ બંને એક સાથે એક જ કેસ ઉપર કામ કરતી હોય કારણ કે ‘CBI’ દેશની સર્વોચ્ચ તપાસ પોલીસ સંસ્થા છે, જ્યારે ‘ED’આર્થિક બાબતોની તપાસ કરે છે. પશ્ચિમ બંગાળમાં શાળામાં રિક્રૂટમેન્ટ કેસમાં આ બંને એજન્સીઓ સાથે તપાસ કરી રહી છે. ‘ED’ને સશક્ત બનાવવા અર્થે જે કાયદા ઘડવામાં આવ્યા છે તેમાં સૌથી અગત્યનો છે કે જે પાવર્સ રાજ્યની પોલીસને કે ‘CBI’ પાસે નથી તે પાવર્સ ‘ED’ને આપવામાં આવ્યા છે. ઉપરાંત ખાસ કરીને ‘ED’ જે કાયદાનો ઉપયોગ કરે છે તે ‘ધ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરીંગ એક્ટ, 2000’[PMLA]માં ઇન્વેસ્ટિગેશન ઑફિસર સામે આરોપી જે નિવેદન આપે તે કોર્ટ માન્ય રાખે છે.

આજે પણ પોલીસે લીધેલું નિવેદન કોર્ટમાં માન્ય ગણાતું નથી, માત્ર મેજિસ્ટ્રેટ સામેનું જ નિવેદન માન્ય ગણાય છે પણ ‘ED’ને એ સ્પેશ્યલ પાવર્સ મળ્યા છે. ‘PMLA’કાયદા હેઠળ ગુનામાં જામીન મળતા નથી. આ સિવાય ‘CBI’ અને પોલીસની જેમ ‘ED’ પાસે કોઈ પોતાનું લોક-અપ નથી. ઇવન, રાજકીય આગેવાનો માટે તેમની પાસે કોઈ લોક-અપની સુવિધા નથી. આ કિસ્સામાં ‘ED’ નજીકના પોલીસ સ્ટેશનના લોક-અપનો ઉપયોગ કરે છે. મતલબ કે જ્યારે કોઈ VIPની ‘ED’ ધરપકડ કરે છે ત્યારે તેઓને સામાન્ય લોક-અપમાં રહેવાનું આવે છે. શિવસેનાના સંજય રાઉતના કિસ્સામાં હાલમાં એવું જ થયું હશે.

એક સમયે ‘CBI’ના દરોડાનો ખોફ દેશમાં હતો. ‘CBI’ જો કોઈના બારણે આવે તો તે વ્યક્તિ વર્ષો સુધી તેમાં અટવાઈ પડતો. ‘ED’એ પણ એ રીતે કાર્યવાહીની પ્રક્રિયા ઘડી કાઢી છે જેમ કે એક વાર ‘ED’ આરોપીની સંપત્તિ ટાંચમાં લે તો તેને છોડાવવા અર્થે વર્ષો નીકળી જાય છે. ‘ED’ની કાર્યવાહીની રફ્તાર એટલી વધી છે કે તેની તપાસ- સજા કરાવવાનો ગ્રાફ નિરંતર ઘટતો જાય છે. તેનો ટ્રેક રેકોર્ડ જોઈએ તો 2004-2014 દરમિયાન ‘ED’દ્વારા 112 જગ્યાએ તપાસ કરવામાં આવી હતી અને તે પછીના ગાળામાં તેમાં 26 ગણો વધારો આવ્યો છે. છેલ્લાં 8 વર્ષોમાં આવી તપાસની સંખ્યા 2,974 સુધી પહોંચી છે. એવી રીતે જ પોલીસ ચાર્જશીટ સુધી મામલો પહોંચ્યો હોય તેવા કિસ્સા 2004-2014 દરમિયાન 104 સુધી હતા જે હવે 839 છે.

અત્યાર સુધી ‘ED’ના ટારગેટ પર આવી ચૂક્યા છે તેમાં કૉંગ્રેસમાંથી રાહુલ ગાંધી, પી. ચિદમ્બરમ્, અશોક ગેહલોતના ભાઈ, ડી. કે. શિવકુમાર છે. શિવસેનાના સંજય રાઉતથી, ઉધ્ધવ ઠાકરેના પરિવારજન, અનિલ પરબ છે. NCPના અજિત પવાર, નવાબ મલિક, છગન ભૂજબળ અને એકનાથ ખાડસે છે. તૃણમૂલ કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી, રાષ્ટ્રિય જનતા દલ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા અને નેશનલ કોન્ફરન્સના દિગ્ગજ નેતાઓને ‘ED’એ સમન્સ પાઠવ્યું છે અને તેમની પૂછપરછ કરી છે. આ જે કંઈ થઈ રહ્યું છે તેમાં વડા પ્રધાન સુધ્ધાની મૂક સંમત્તિ છે તેવું ન માનવાનું કોઈ કારણ નથી.

‘ED’ દ્વારા જે કંઈ થઈ રહ્યું છે તે રાજકારણથી પ્રેરિત છે કારણ કે જેઓ અન્ય કોઈ પક્ષ તરફથી BJPમાં પ્રવેશ મેળવે તો ‘ED’નું તેમના તરફ વલણ તુરંત બદલાઈ જાય છે. આ અગાઉ ‘ED’નો આવો જ ઉપયોગ UPA કાર્યકાળમાં પી. ચિદમ્બરમના દેખરેખ હેઠળ થયો હતો. મધુ કોડા કેસ, 2G કૌભાંડ, એરસેલ-મેક્સિસ કેસ, BJPના રેડ્ડી ભાઈઓ અને બાબા રામદેવ સામે પણ ‘ED’ તપાસ તે વખતે થઈ હતી. જો કે BJP સત્તા પર આવ્યા બાદ બાબા રામદેવ સહિત અન્ય BJPના આગેવાનો તરફ ‘ED’એ કૂણું વલણ દાખવ્યું છે. 2010માં જ્યારે પી. ચિદમ્બરમ ગૃહમંત્રી હતા ત્યારે ‘CBI’એ સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં અમિત શાહની ધરપકડ કરી જેલમાં મોકલ્યા હતા.

એ રીતે 73 વર્ષના પી. ચિદમ્બરમ તેમના કારકિર્દીના સૌથી નબળા કાળમાંથી પસાર થઈ રહ્યા છે કારણ કે હાલમાં ગૃહમંત્રી તરીકે અમિત શાહ છે. ‘ED’ના વધતા ખોફ અંગે અનેક લોકોએ અવાજ ઉઠાવ્યો છે. તેમાંના એક જાણીતા વકીલ અને હવે સમાજવાદી પક્ષમાં સામેલ થનાર કપિલ સિબ્બલ પણ છે. તેઓ ‘ED’ વિશે કહે છે કે, જુઓ હું ગુનામાં સંભવિત આરોપી હોઉં તો ‘ED’ના ઓફિસરો કહેશે કે અમે તમારા વિરુદ્ધ કોઈ જ કેસ દાખલ નથી કરતા બસ તમારે નિવેદન આપવાનું છે. તેઓ એ રીતે નિવેદન નોંધે છે અને પછી તે જ નિવેદનનો તમારા વિરુદ્ધમાં ઉપયોગ કરે છે. આ ઉપરાંત સામાન્ય કિસ્સામાં જ્યારે કોઈના વિરુદ્ધમાં ગુનો દાખલ થાય તો આરોપીને FIRની કોપી આપવામાં આવે છે.

જ્યારે ‘ED’માં આવા કોઈ ધારાધોરણ લાગુ થતા નથી. ‘ED’આરોપીને કોઈ જ ડોક્યુમેન્ટ આપતી નથી અને તેથી ધરપકડ થાય ત્યાં સુધી આરોપીના વકીલો પોતાના અસીલને બચાવવામાં અંધારી ગલીમાં ફાંફાં મારતા હોય છે. ગુનો ડામવા માટે સખ્ત કાયદા અને તે કાયદાનો અમલ કરનારા અધિકારીઓ આ રીતે કાર્યવાહી કરે તે જરૂરી પણ છે પરંતુ જ્યારે માત્ર રાજકીય દુશ્મનાવટ માટે તેનો ઉપયોગ કરવામાં આવે ત્યારે આવી તપાસ એજન્સીની સ્થિતિ છેલ્લે ‘CBI’ જેવી જ થાય છે.

‘CBI’અને ‘ED’ની વેબસાઈટ પર જઈએ તો પણ ખ્યાલ આવે કે ‘ED’નું મહત્ત્વ વધ્યું છે. ‘ED’ની વેબસાઈટ પર બકાયદા એક એક વિભાગને અલગ તારવીને મૂકવામાં આવ્યા છે અને તેમાં કાયદાની પણ વિસ્તૃત સમજ મળે તે રીતે તેની માહિતી મુકાઈ છે. આ ઉપરાંત ‘ED’ના જેમના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ કાઢી છે તેની પણ યાદી વિગતવાર મૂકી છે અને સુપ્રીમ કોર્ટે પણ ‘ED’ના પાવરને યોગ્ય ગણાવ્યા છે. એ રીતે અત્યારે ‘ED’ની કાર્યવાહી જોરશોરથી ચાલશે અને તેમાં પણ જેઓ સરકાર વિરોધી છબિ ધરાવે છે અથવા જેઓ સરકાર સામે અવાજ ઉઠાવે છે તેઓ EDના ટારગેટ હશે.

Most Popular

To Top