Editorial

માત્ર આર્થિક સમૃદ્ધિથી માનસિક સુખાકારી સર્જાતી નથી

હાલના એક સંશોધન મુજબ માનસિક સુખાકારીની દષ્ટિએ યુકે વિશ્વનો બીજો સૌથી કંગાળ દેશ છે. યુકે અથવા બ્રિટનમાં 35% ઉત્તરદાતાઓ તેમની માનસિક સુખાકારી બાબતે તકલીફ અથવા સંઘર્ષ વ્યક્ત કરે છે, તાજેતરનો માનસિક સુખાકારી અહેવાલ દર્શાવે છે કે યુનાઇટેડ કિંગડમ હાલમાં વૈશ્વિક સ્તરે સૌથી ઓછા માનસિક સુખ વાળા સ્થળોમાંનું એક છે, જે માત્ર ઉઝબેકિસ્તાનથી આગળ છે. કોવિડ-19 રોગચાળાની લાંબી અસરો અને જીવન નિર્વાહ ખર્ચની કટોકટીની તાણ ચાલુ છે અને ઘટેલા સામાજીક સંબંધો સ્થિતિને ઓર બગાડે છે જેથી બ્રિટન એકંદર માનસિક સુખાકારી માટે 71 દેશોમાંથી 70માં સ્થાને છે. એક ધનવાન અને શક્તિશાળી મનાતો દેશ માનસિક સુખાકારીની દષ્ટિએ આટલો કંગાળ હોય તે ખરેખર નવાઇ લાગે તેવી વાત છે.

 અમેરિકા સ્થિત સેપિયન લેબ્સ થિંક ટેન્ક દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં મૂડ, સામાજિક સ્વપ્રેરણા, અનુકૂલનક્ષમતા, સમજશક્તિ અને મન-શરીર જોડાણ જેવા પરિબળોની તપાસ કરવામાં આવી હતી. 71 દેશોમાં 500,000 થી વધુ વ્યક્તિઓના પ્રતિભાવો સાથે, સંશોધનમાં સમૃદ્ધ રાષ્ટ્રોમાં નીચા સ્કોરનું કારણ નાની ઉંમરમાં સ્માર્ટફોનનો ઉપયોગ, અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ (UPFs)નો વપરાશ અને આંતરવ્યક્તિગત સંબંધોમાં ભંગાણને કારણે એકલતામાં વધારો વગેરે જેવી બાબતો જવાબદાર જણાઇ છે. યુકેમાં, 35% ઉત્તરદાતાઓ તેમની માનસિક સુખાકારી અંગે તકલીફ અથવા સંઘર્ષ વ્યક્ત કરે છે, ખાસ કરીને યુવાન પુખ્ત વયના લોકો અને આર્થિક રીતે અશક્ત પરિવારોને આ વાત અસર કરે છે.

અહેવાલમાં 2020 થી 18-24 વય જૂથ માટે માનસિક સુખાકારીમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે, જે આર્થિક મંદી, અવિરત વધતા ખર્ચની કટોકટી અને અશાંત પ્રોપર્ટી માર્કેટ દ્વારા ઉભો થયેલ પડકારજનક સમયગાળો સૂચવે છે. યુકેની માનસિક સુખાકારી કટોકટીમાં ફાળો આપતા પરિબળોમાં રાજકીય અસ્થિરતા જેવી બાબતોનો પણ સમાવેશ થાય છે. અભ્યાસમાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થોના વપરાશની પ્રતિકૂળ અસરને પણ પ્રકાશિત કરવામાં આવી છે, જે યુકે અને યુ.એસ.માં 60-70% પ્રમાણ આહારમા ધરાવે છે. જે વ્યક્તિઓ નિયમિતપણે આવા ખોરાકનું સેવન કરે છે તેઓ નોંધપાત્ર રીતે નબળી માનસિક સુખાકારી ધરાવે છે એમ જણાયું છે. આ બાબત આહાર અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચેની કડી પર ભાર મૂકે છે.

આ સર્વેમાં જ્યારે 65 થી વધુ વયના લોકોનું સુખાકારી પ્રમાણમાં સ્થિર રહ્યું છે, ત્યારે યુવાનો, ખાસ કરીને 18-24 વર્ષની વયના લોકો, 2020 થી સૌથી ઓછો સુધારો દર્શાવે છે. નોંધનીય છે કે, અહેવાલ શ્રીમંત અને ઓછા સમૃદ્ધ રાષ્ટ્રો વચ્ચેના અદ્ભૂત તફાવતને રેખાંકિત કરે છે, આફ્રિકાના ઓછા શ્રીમંત દેશો અને લેટિન અમેરિકાના ગરીબ માનસિક સુખાકારી બાબતે સૌથી આગળ છે!

ભારતનો ક્રમ પણ આમાં ઘણો પાછળ, છેક ૬૧મો છે. ભારત જેવા દેશોના લોકો હાલ આર્થિક સંઘર્ષની સાથે સામાજીક તનાવોનો પણ સામનો કરી રહ્યા છે. આ સંશોધનનાં એકંદર તારણો રોગચાળા પછીના યુગમાં સામૂહિક માનસિક સુખાકારીના પ્રેરક બળોને સમજવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકે છે, કારણ કે વૈજ્ઞાનિકો વ્યક્તિઓની વાસ્તવિક સમૃદ્ધિ સાથે મહત્વાકાંક્ષાઓને સંરેખિત કરવા માટે ઊંડી સમજણની હિમાયત કરે છે. સર્વેક્ષણમાં માનસિક સ્વાસ્થ્ય ગુણાંક (MHQ) નો ઉપયોગ જ્ઞાનાત્મક અને ભાવનાત્મક ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવા માટે કરવામાં આવ્યો હતો, જે એકંદર માનસિક સુખાકારીનો સ્કોર પ્રદાન કરે છે.

આ રિપોર્ટ વૈશ્વિક સ્તરે માનસિક સ્વાસ્થ્યને પ્રભાવિત કરતા જટિલ પરિબળોને હાથ ધરવામાં મહત્વની મદદ કરે છે. પરિણામો સૂચવે છે કે માનવ સર્જિત મોટી આપત્તિમાંથી પસાર થવા છતાં, યમનીઓ માત્ર બ્રિટિશરો જ નહીં, પરંતુ ઑસિ અને આઇરિશ પ્રજા કરતા પણ સાપેક્ષ રીતે વધુ સારો દેખાવ માનસિક સુખાકારીની બાબતમાં કરી રહ્યા છે. જ્યારે અનેક સમૃદ્ધ પશ્ચિમી રાષ્ટ્રોએ માનસિક સુખાકારીની બાબતમાં એકંદરે ખરાબ પ્રદર્શન કર્યું છે. સંશોધકોએ નોંધ્યું છે કે “વધુ સંપત્તિ અને આર્થિક વિકાસ એ જરૂરી નથી કે વધુ માનસિક સુખાકારી તરફ દોરી જાય.” વાત બિલકુલ સ્પષ્ટ છે, માત્ર આર્થિક સમૃદ્ધિ અને સંપન્નતા નહીં, પરંતુ બીજી અનેક બાબતો માનસિક સુખાકારીને અસર કરે છે.

Most Popular

To Top