Comments

13નો આંકડો શેરબજાર માટે અપશુકનિયાળ, અદાણીને મોટો ફટકો

બુધવાર અને 13 તારીખ હતી. 13 ના આંકડાને અપશુકનિયાળ માનવામાં આવે છે. બુધવારે ફરીથી 13 નો આંકડો અપશુકનિયાળ પુરવાર થયો હતો. 13 મી તારીખે એક જ દિવસે અદાણી ગ્રુપની કંપનીઓ માટે મોટો કડાકો સર્જી ગયું હતું. સેન્સેક્સમાં એક હજારથી વધુ પોઇન્ટનું ગાબડું પડ્યું, તો અદાણીના માર્કેટ કેપમાં 90000 કરોડનો ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી માટે પણ 13 મી તારીખ અપશુકનિયાળ નીવડી હતી. એક વર્ષ કરતાં થોડા વધુ સમયમાં એક જ દિવસમાં સૌથી મોટો કડાકો છે !

શેરબજારમાં બુધવાર જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનોસેન્સેક્સ 1100 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી પણ એક ટકાથી વધુ તૂટ્યો હતો. પરંતુ સ્મોલકેપ ઈન્ડેક્સમાં પાંચ ટકાથી વધુનો ઘટાડો થયો હતો. ડિસેમ્બર 2022 પછી એક દિવસમાં આ સૌથી મોટો ઘટાડો છે. મિડકેપ ઇન્ડેક્સ પણ ત્રણ ટકા ઘટ્યો હતો, જ્યારે માઇક્રોકેપ્સ અને એસએમઇ સ્ટોક ઇન્ડેક્સ લગભગ પાંચ ટકા ઘટ્યો હતો. આ સાથે બોમ્બે સ્ટોક એક્સચેન્જલિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 12 લાખ કરોડ ઘટીને રૂ. 373 લાખ કરોડ થયું છે. બુધવાર બપોરે બોમ્બે સ્ટોક એક્સચેન્જનોસેન્સેક્સ 1044.96 પોઈન્ટ અથવા 1.44 ટકાના ઘટાડા સાથે 72,621.25 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી 1.76 ટકા અથવા 394 પોઈન્ટ ઘટીને 21,941.70 પોઈન્ટ પર આવી ગયો હતો.

સેન્સેક્સના શેરોમાં ITCના શેરમાં સૌથી વધુ છ ટકાનો વધારો થયો હતો. નેસ્લે, ટીસીએસ, વિપ્રો અને એચડીએફસી બેંકના શેર પણ વધ્યા હતા. બીજી તરફ એનટીપીસી, પાવર ગ્રીડ, ઓએનજીસી, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ અને સન ફાર્મામાં સૌથી વધુ ઘટાડો થયો છે. જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે સ્મોલકેપ સેગમેન્ટમાં રિટેલ રોકાણકારોની વધુ પડતી સક્રિયતાને કારણે મૂલ્યાંકન ખૂબ ઊંચા સ્તરે પહોંચી ગયું હતું. ઘણા મહિનાઓથી આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. આજે સ્થાનિક બજારની મૂવમેન્ટ વૈશ્વિક બજારોથી વિપરીત હતી. S&P500 રેકોર્ડ પર પહોંચ્યો. FIIએ પણ ભારતીય શેરો ખરીદવાનું શરૂ કર્યું છે અને આ મહિનામાં અત્યાર સુધીમાં તેઓએ ત્રણ અબજ ડોલરનું રોકાણ કર્યું છે, એ ધ્યાનમાં લઇએ તો બુધવારનો કડાકો સ્થાનિક કારણોસર જ થયો હોવાનું માનવામાં આવે છે.

નિષ્ણાતોના મતે શેરબજારમાં બુધવારના ઘટાડા પાછળ ઘણા કારણો છે. ગયા મહિને સેબીએ મ્યુચ્યુઅલ ફંડ્સને સ્મોલકેપ અને મિડકેપ રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે એક સિસ્ટમ બનાવવા જણાવ્યું હતું. સેબીના ચેરપર્સન માધવી પુરી બુચે સોમવારે કહ્યું હતું કે બજારમાં કેટલીક શંકાસ્પદ બાબતો છે. કેટલાક લોકો તેને પરપોટો કહી રહ્યા છે, જ્યારે કેટલાક તેને ફીણ કહે છે. પરંતુ આ સ્થિતિને વધતી અટકાવવી જરૂરી છે. ઉપરાંત, ઘણા બ્રોકરેજ અને અગ્રણી રોકાણકારોએ સ્મોલકેપ શેરના મૂલ્યાંકન અંગે સાવચેતી રાખી છે.

દરમિયાન, મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસમાં શેરબજારની તેજી સાથેની કડી બહાર આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દુબઈ હવાલા વેપારી હરિ શંકર તિબરવાલ સાથે જોડાયેલા ડીમેટ ખાતામાં જમા કરાયેલા રૂ. 1,100 કરોડના શેર ફ્રીઝ કર્યા છે. તિબરવાલ અને તેમની કંપનીઓ 30 થી વધુ શેરોમાં હિસ્સો ધરાવે છે. તેમાં સિગાચી ઇન્ડસ્ટ્રીઝ, જેન્સોલ એન્જિનિયરિંગ, વિકાસ ઇકોટેક, ટોયમ સ્પોર્ટ્સ, એલકેપી ફાઇનાન્સનો સમાવેશ થાય છે. ઇડીની કાર્યવાહી બાદ આમાંથી મોટાભાગના સ્ટોકમાં ઘટાડો થયો છે.

શેરબજારમાં બુધવારે ભારે વેચવાલીથી ભારે ઘટાડો જોવા મળ્યો હતો. અમુક પસંદગીના શેરોને બાદ કરતાં એવો કોઈ સ્ટોક બચ્યો નથી જે ઘટ્યો ન હોય. બજારના આ ઘટાડામાં અદાણી ગ્રૂપના શેરે જોરદાર માર માર્યો છે. અદાણી જૂથની કંપનીઓના શેર એક જ દિવસમાં 9 ટકા તૂટ્યા છે.અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ગ્રીન, અદાણી પોર્ટ્સ, અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ, અદાણી પાવર, અદાણી વિલ્મર, ACC અને અંબુજા સિમેન્ટના શેરમાં વેચવાલીથી રોકાણકારોને ભારે નુકસાન થયું છે. એક મીડિયા હેવાલ મુજબઅદાણી ગ્રુપના શેરમાં ઘટાડાને કારણે ગ્રુપની માર્કેટ મૂડીને લગભગ 90,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

બજારમાં પ્રબળ ઘટાડાની અસર અદાણી ગ્રુપના શેર પર પણ જોવા મળી હતી.અદાણી એન્ટરપ્રાઇઝ 7 ટકા, અદાણી ગ્રીન 9 ટકા, અદાણી પોર્ટ્સ 7 ટકા, અદાણી પાવર 5 ટકા, અદાણી ટોટલ ગેસ 9.550 ટકા અને અંબુજા સિમેન્ટ 4.81 ટકા ઘટ્યા હતા.અદાણી ગ્રૂપના લિસ્ટેડ શેર્સમાં સૌથી વધુ ઘટાડો અદાણી ટોટલ ગેસના શેરમાં થયો હતો, જે 9.54 ટકાના ઘટાડા સાથે રૂ. 873 પર બંધ રહ્યો હતો. અદાણી ગ્રીન એનર્જીનો શેર પણ 9 ટકાથી વધુ ઘટ્યો હતો અને 9.07 ટકાના ઘટાડા સાથે રૂ. 1725 પર બંધ થયો હતો. અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર 8.61 ટકાના ઘટાડા સાથે રૂ. 948 પર બંધ થયો હતો. અદાણી પોર્ટ્સ અને સેઝના શેર 7.05 ટકાના ઘટાડા સાથે રૂ. 1209 પર બંધ થયા હતા. જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 6.93 ટકા ઘટીને રૂ. 2906 પર બંધ થયો હતો.

અદાણી પાવરના શેરમાં 5 ટકાના ઘટાડા બાદ લોઅર સર્કિટ લાગી હતી અને આ શેર રૂ. 528 પર બંધ થયો હતો. અદાણી વિલ્મરનો શેર 4.19 ટકાના વધારા સાથે રૂ. 332 પર બંધ રહ્યો હતો. જૂથની બંને સિમેન્ટ કંપનીઓના શેરમાં ઘટાડો થયો હતો. ACC 6.73 ટકાના ઘટાડા સાથે અને અંબુજા સિમેન્ટ 4.82 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. એનડીટીવીનો શેર 8 ટકા ઘટીને રૂ. 211.75 પર બંધ થયો હતો.મંગળવાર, 12 માર્ચે બજાર બંધ થયું ત્યારે અદાણી ગ્રુપનું માર્કેટ કેપ રૂ. 15.85 લાખ કરોડ હતું, જે બુધવારના સત્રમાં રૂ. 90,000 કરોડ ઘટી ગયું છે.

હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જૂથના ઘણા શેરોએ નીચલા સ્તરેથી મલ્ટિબેગર વળતર આપ્યું છે. પરંતુ અદાણી ગ્રૂપના શેરોને પણ સ્મોલકેપ અને મિડકેપ શેરોના મારનો માર સહન કરવો પડ્યો હતો. અદાણીની આ બેહાલી માટે સ્ટેટ બેન્ક ઉપર સુપ્રીમ કોર્ટની કડક કાર્યવાહીને પણ કેટલાક જવાબદાર માને છે. સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોલ બોન્ડ્સ અંગે સુપ્રીમ કોર્ટે સ્ટેટબેન્ક પાસેથી કોણે કેટલા બોન્ડ ખરીદ્યા અને કોને કેટલા આપ્યા, એ તમામ માહિતી માંગી હતી. જો કે સ્ટેટ બેન્કે પહેલાં તો એ માહિતી આપવા માટે 30 જુન પછીનો સમય માંગ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે 24 કલાકમાં ડેટા આપવાનું કહેતાં સ્ટેટ બેન્કે ચૂંટણી પંચને એ ડેટા સુપ્રત કર્યા છે.

હવે અદાલતના નિર્દેશ મુજબ 15 મીએ ચૂંટણી પંચે વેબસાઇટ પર એ ડેટા શેર કરવાના છે, તેથી લોકો કોણે કેટલા નાણાં આપ્યા એ જાણી શકે. આ તબક્કે વિપક્ષના આરોપ મુજબ અદાણી વધુ નાણાં આપ્યા છે અને તે ભાજપને મળ્યા હોવા જોઇએ, જેનો લાભ અદાણીને મોટા બિઝનેસ સાથે મળી રહ્યો છે. જો આ કડી સ્થાપિત થઇ જાય તો રાજકારણમાં ગરમાટો આવી જાય અને તેથી જ તેર માર્ચ અદાણી માટે અપશુકનિયાળ સાબિત થઇ એમ કહીએ તો ચાલે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top