Entertainment

કહો, છે કોઇ બીજું શશી કપૂર જેવું?

િફલ્મ જગતમાં ઘણીવાર કોઇ સ્ટાર્સની ગ્રેટનેસ લોકોને તરત નજરે ચડતી નથી. આનું કારણ જો કે એક જ છે કે શશી કપૂર કયારે શશી કપૂર બની ગયા તે કોઇને ખબર નહોતી પડી. જયારે રોજમેળ લખાતો હોય ત્યારે છેલ્લે હિસાબ મળશે તો કેવા મળશે તેનો ખ્યાલ નથી આવતો. પૃથ્વીરાજ કપૂરના દિકરા હોવાનું તેમની પર દબાણ નહોતું કારણ કે તેમાં તો સંસ્કાર ઝીલવાનો હતો પણ રાજ કપૂર, શમ્મી કપૂર જેવાના નાના ભાઇ હોવામાં મોટું દબાણ હતું. બંને પોતાની શૈલીના અભિનેતા અને રાજ કપૂરના ઉદાહરણ બની ગયા હોય એવા નિર્માતા-દિગ્દર્શક હતા. શમ્મી કપૂરે જૂદા પડવા માટે જબરદસ્ત વિદ્રોહી અભિગમ વિચારેલો ત્યારે તે જૂદા પડેલા. શશીએ બંનેમાંથી કોઇને અપનાવે તો શશી કપૂર ન બની શકે. જો કે તેઓ સ્વભાવસહજ નમ્ર હતા અને સિનેમા ઉદ્યોગ પર છવાઇ જવાનું ખોટું ઝનૂન પણ ધરાવતા ન હતા. પિતા પૃથ્વીરાજ સાથે જેટલા નાટકોમાં કામ કર્યું. તેનાથી વધુ કામ તેમણે ભાવિ સસરા-સાસુના અંગ્રેજી નાટકોમાં કર્યું હતું. તેમની પર મોટી ઇમ્પેકટ મુકનારા એક તો તેમના પિતા ને બીજા પત્નીના પિતા જયોફ્રી કેન્ડાલ. આ કારણે જ શશીની ફિલ્મોની પસંદગીમાં માત્ર મનોરંજનનો વ્યવસાય જ ન હતો અને સ્ટાર તરીકે ટોપ પર પહોંચવાનું ઝનૂન તો કયારેય ન હતું. તેમણે ઘણી બધી ફિલ્મોમાં કામ કરવું હતું કારણ કે વધારે કમાણી કરવી હતી અને એ કમાણી તેમણે પિતાના સ્વપ્ન સમા પૃથ્વી થિયેટર માટે અને પોતાને જે પ્રકારની ફિલ્મો બનાવવી હતી તેના નિર્માણ માટે ખર્ચવી હતી. બાકી તેઓ તો વર્ષો સુધી વાલકેશ્વરના એક ફલેટમાં જ રહ્યા અને પાછલા વર્ષો પૃથ્વીવાલામાં રહ્યા કે જે તેમના પિતાની જગ્યા હતી. તેમણે જીવનભર પિતાનું સાન્નિધ્ય કેળવ્યું છે.
શશીકપૂરે મોટાભાઇ રાજકપૂરની ‘આગ’થી ‘આવારા’થી શરૂઆત કરેલી ત્યારે તો બાળ કળાકાર હતા અને યુવાનીમાં પ્રવેશ્યા પછી 1961માં જે પહેલી ફિલ્મ કરી તે યશ ચોપરાની ‘ધર્મપુત્ર’હતી. રાજ કપૂરે તો ઠેઠ 1935માં ‘ઇન્કિલાબ’થી શરૂઆત કરેલી અને ‘નીલકમલ’થી હીરો બન્યા તે 1946થી 1961 સુધીમાં તો રાજસાહેબની ‘આગ’, ‘અંદાઝ’, ‘બરસાત’, ‘બાવરે નૈન’, ‘આવારા’, ‘આહ’, ‘શ્રી 420’, ‘જાગતે રહો’થી માંડી ‘ફીર સુબહ હોગી’, ‘અનાડી’, ‘જિસ દેશ મેં ગંગા બહતી હે’અને ‘છલિયા’સહિતની ફિલ્મો આવી ચુકી હતી. ‘ધ રાજ કપૂર’તરીકે તેઓ નામ કમાય ચુકયા હતા. શમ્મી કપૂરે 1953ની ‘જીવન જયોતિ’અને ‘રેલ કા ડિબ્બા’થી શરૂઆત કરેલી અને 1961 સુધીમાં તેમની ‘તુમસા નહીં દેખા’, ‘ઉજાલા’, ‘દિલ દે કે દેખો’, ‘સિંગાપોર’અને ‘જંગલી’આવી ચુકી હતી. બંને ભાઇ જયારે જગ્યા બનાવી ચુકયા હોય ત્યારે શશી કપૂરનો રસ્તો સરળ ન જ હોય. તેમને રાજકપૂરની ફિલ્મો નથી મળી એટલે કે હીરો બનવા કુટુંબની મદદ નથી મેળવી. કપૂર કુટુંબની એ પ્રણાલી જ નહોતી. દરેકે પોતાની રીતે સ્ટ્રગલ કરવાની હતી. કપૂર કુટુંબમાં ફકત રાજ કપૂરના લગ્ન વખતે જાન નીકળી હતી બાકી શમ્મી, શશી તો બિલકુલ પોતાની રીતે પરણ્યા છે. કોઇ ભવ્ય સમારંભ વિના જ પરણ્યા છે.
શશી કપૂરે શરૂના વર્ષોમાં જે ફિલ્મોમાં કામ કર્યું તે ‘ધર્મપુત્ર’પછી બિમલ રોયની ‘પ્રેમપત્ર’છે. રાગિણી સાથેની ‘યે દિલ કિસકો દું’, તનુજા, મીનાકુમારી સાથેની ‘બેનઝીર’છે. તેમને શરૂમાં ટોપની હીરોઇનો મળી હોય એવું ય નથી. પણ યશ ચોપરા હંમેશા તેમની સાથે રહ્યા છે અને 1965માં ‘વકત’ફિલ્મમાં ભૂમિકા મળી તેની સાથે જ ‘જબ જબ ફૂલ ખીલે’આવી. એ ફિલ્મ પછી તેમનું નામ થયું અને તેમની પ્રતિભાનો સ્વીકાર થયો. પછી તો ‘પ્યાર કિયે જા’,‘નીદ હમારી ખ્વાબ તુમ્હારે’, ‘આમને સામને’, ‘હસીના માન જાયેગી’અને ‘કન્યાદાન’આવી. શશી કપૂરના સ્ટારડમના એ ચડતા દિવસો હતા અને ‘શર્મીલી’આવી ત્યારે ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, રાજેશ ખન્ના વચ્ચે તેઓ પણ અધિકારપૂર્વક બોકસ ઓફિસ પર સિક્કા પડાવતા હતા.
શશી કપૂરે હિન્દી ફિલ્મો જ કયારેય કેન્દ્રમાં રાખી નથી. 1961માં જેમ્સ આઇવરી જયારે ‘દેવગર’નામની ફિલ્મ બનાવવાનાં વિચાર સાથે ભારત આવ્યા હતા જેમાં તેમના ન્યુયોર્કમાં રહેતા ઇસ્માઇલ મર્ચન્ટ નામના મિત્ર પૈસા રોકવાના હતા. તેમણે શશી કપૂર, લીલા નાયડુ, દુર્ગા ખોટે કામ કરશે એવું નક્કી રાખેલું. શશી કપૂર ત્યારે 23 વર્ષના. તે વખતે ફકત ‘ચાર દિવારી’અને ‘ધર્મપુત્ર’માં તેઓ આવ્યા હતા. એ કોઇ સફળ ફિલ્મો ય નહોતી. પેલી ‘દેવગર’તો ન બની પણ ‘ધ હાઉસ હોલ્ડર’બનવી શરૂ થઇ. આ ફિલ્મથી શશી કપૂર અને ઇસ્માઇલ મર્ચન્ટ, જેમ્સ આઇવરી સાથે લાંબા વર્ષોની મૈત્રી બંધાય ગઇ. 1963ની ‘ધ હાઉસ હોલ્ડર’માં શશી કપૂર પ્રેમ સાગરની ભૂમિકામાં આવ્યા.
હોલીવુડની ફિલ્મોમાં અભિનયની શૈલી જૂદી છે. હિન્દી ફિલ્મના અભિનેતા જેવા સ્ટાઇલવેડા ન ચાલે. તેમાં ગીતો પર નાચવાનું પણ ન હોય. બહુ મેચ્યોર રીતે વર્તવાનું હોય. શશી કપૂર હિન્દી ફિલ્મની શૈલી અને વિદેશી ફિલ્મની શૈલી વચ્ચેનો ફરકસમજતા હતા એટલે જ એક પછી બીજી ફિલ્મોમાં સતત આવ્યા. ‘ધ હાઉસ હોલ્ડર’પછી ‘શેકસપિયરવાલા’‘બોમ્બે ટોકિઝ’,‘હીટ એન્ડ ડસ્ટ’જેવી ફિલ્મો મર્ચન્ટ-આઇવરી પ્રોડકશનની કરી અને સધ ડિસીવર્સ’, ‘ઇન કસ્ટડી’, ‘સાઇડ સ્ટ્રીટ્‌સ’અન્ય દિગ્દર્શકની હતી. ‘ધ હાઉસ હોલ્ડર’માં પ્રિન્સીપાલની ભૂમિકા રોમેશ થાપરે કરેલી જે વિખ્યાત પત્રકાર તરીકે જાણીતા થયા અને તેમના જ દિકરા વાલ્મીક થાપર સાથે આજે સંજના કપૂર પરણી છે. શશીએ કોઇ હિન્દી ફિલ્મના અભિનેતાએ અંગ્રેજી ફિલ્મોમાં કામ ન કર્યું હોય એટલી ફિલ્મોમાં કામ કર્યું છે. ‘શેકસપિઅર વાલા’માં તો તેમની સાથે જયોફી કેન્ડાલ અને લોરા લિડેલ કેન્ડાલ પણ હતા જે સંબંધમાં સસરા-સાસુ થાય. શશીના પત્ની જેનિફર કેન્ડાલના નાના બહેન ફેલિસિટી કેન્ડાલ પણ તેમાં હતી. ‘બોમ્બે ટોકિઝ’માં તેમની સાથે જેનીફર કેન્ડાલ છે. એ ફિલ્મમાં વિરાટ ટાઇપ રાઇટર સેટ પર શશી કપૂર અને હેલન પર ફિલ્માવાયેલું કિશોરકુમાર અને આશા ભોંસલેએ ગાયેલું ગીત ગાય છે. ‘ટાઇપ રાઇટર ટિપ ટિપ ટિપ ટિપ કરતા હૈ.
શશી કપૂરે ‘સિધ્ધાર્થ’થી માંડી પાછલા વર્ષોમાં ‘સામી એન્ડ રોમી લેઇડ’, ‘ધ ડિસીવર્સ’, ‘ઇન કસ્ટડી’અને ‘જિન્નાહ’, ‘સાઇડ સ્ટ્રીટ્‌સ’જેવી ફિલ્મોમાં કામ કર્યું. હિન્દી ફિલ્મોમાં તેઓ પસંદગી કરી શકે તેમ ન હતા કારણ કે તેનું માળખું મનોરંજક ફિલ્મોનું છે પરંતુ તેઓ એવી ફિલ્મોમાં પણ એકદમ ગ્રેસફૂલ લાગે છે. અભિનેતાએ પોતાને મળેલા પાત્ર તો ભજવવાના હોય છે પણ અભિનેતાનું પોતાનું અંગત વ્યકિતત્વ પણ તેમાં પ્રગટ થતું હોય છે. શશી કપૂર તમને જેન્ટલમેન અને કલ્ચર્ડ જણાશે.
બીજું કે તેઓ મનોરંજક ફિલ્મોમાં કામ કરે છે ખરા પણ પોતે જયારે નિર્માતા બને છે તો ‘વિજેતા’, ‘ઝનૂન’, ‘કલયુગ’, ‘36 ચૌરંગી લેન’, ‘ઉત્સવ’અને ‘અજૂબા’ફિલ્મ બનાવે છે. ‘અજૂબા’નું દિગ્દર્શન પણ કર્યું અને થાય કે એ ફિલ્મ ન બનાવતે તો ચાલતે કારણ કે તેઓ પોતાના વડે જ છેતરાયા હતા. ખેર! શશી કપૂરનું એક બીજું મોટું પ્રદાન પૃથ્વી થિયેટર છે. પૃથ્વીરાજ કપૂરનું સ્વપ્ન તેમણે જેનીફર કપૂરના નેતૃત્વમાં આગળ વધારેલું.
શશી કપૂરને હિન્દી ફિલ્મોથી યાદ કરનાર ‘પ્રેમપત્ર’થી માંડી ‘ધર્મપુત્ર’, ‘વકત’, ‘જબ જબ ફૂલખીલે’, ‘પ્યાર કિયે જા’, ‘આમને સામને’, ‘હસીના માન જાયેગી’, ‘પ્યાર કા મૌસમ’, ‘અભિનેત્રી’, ‘શર્મીલી’, ‘આ ગલે લગ જા’, ‘ચોર મચાયે શોર’, ‘રોટી કપડા ઔર મકાન’, ‘દિવાર’, ‘કભી કભી’, ‘ફકીરા’, ‘દૂસરા આદમી’, ‘ત્રીશુલ’, ‘તૃષ્ણા’, ‘ઝનૂન’, ‘કાલા પથ્થર’, ‘સુહાગ’, ‘સ્વયંવર’, ‘કુલયુગ’, ‘સિલસિલા’, ‘ઉત્સવ’, ‘ન્યુ દિલ્હી ટાઇમ્સ’વગેરેથી યાદ કરતા જ હોય છે. પણ શશી કપૂરને સમગ્રતાથી ઓળખવા તેમની અંગ્રેજી ફિલ્મો તેમણે નિર્માણ કરેલી ફિલ્મો અને પૃથ્વી થિયેટર વડે રંગભૂમિ માટે કરેલું પ્રદાન યાદ કરો તો થશે કે તેમની માટી જૂદી હતી. એમના જીવનકાર્યો પર પિતા પૃથ્વીરાજ કપૂર અને પત્ની જેનીફરજીનો પ્રભાવ સહુથી વધુ રહ્યો છે. 18મી માર્ચે (1938) તેમનો જન્મ દિવસ છે. આદરપૂર્વક નમન. •

Most Popular

To Top