Business

ડુંગરી ગામે બે દીપડાએ 14 મરઘીનો શિકાર કરતાં દહેશતનો માહોલ

અનાવલ: મહુવા તાલુકાના ડુંગરી ગામમાં બે દીપડાએ ૧૪ મરઘીનો શિકાર કર્યો છે. ત્યારે ગ્રામ પંચાયત દ્વારા પાંજરું મૂકવા વનવિભાગને લેખિત રજૂઆત કરાઈ છે. મહુવા તાલુકામાં દીપડાના આતંકમાં વધારો થયો છે. ત્યારે ડુંગરી ગામે લાદીયા ફળિયામાં મનોજ હળપતિને ત્યાં બે જેટલા દીપડા રાત્રીના સમયે આવી પાલતું મરઘીઓ પર કહેર વર્તાવ્યો હતો. બે દીપડાએ દસ જેટલી મરઘી પર પંજા મારતાં મોતને ઘાટ ઉતારી દીધી હતી તો ચાર જેટલી મરઘી ઉપાડી જતાં દહેશતનો માહોલ છવાઈ જવા પામ્યો છે. આ ઘટના બાદ ગ્રામ પંચાયત ડુંગરી દ્વારા વનવિભાગને આ ઘટનાની લેખિત જાણ કરાઈ હતી.

પારડીના શેરડીના ખેતરમાં દંપતીને બે દીપડા દેખાતા ભય

પારડી: પારડી તાલુકાના ટૂકવાડા ગામે રાત્રી દરમિયાન મણીભાઈ દેસાઈની વાડી પાસે બે દીપડાને એક વ્યક્તિએ જોયા બાદ ભયનું વાતાવરણ છવાયું હતું. ગામજનોએ વન વિભાગને જાણ કરતા દીપડાઓને પકડવા માટે પાંજરું મુકવાની તજવીજ હાથ ધરી છે.ટૂંકવાડા ગામે રાત્રી દરમિયાન પતિ-પત્ની કામ પરથી રાત્રીના 11 કલાકે આવી રહ્યા હતા. તે દરમિયાન મણીભાઈ દેસાઈની શેરડીના ખેતર પાસે બે દીપડા નજરે પડ્યા હતા. આ અંગે જીવદયા ગ્રુપના ભાવનાબેન શૈલેષભાઈ પટેલને જાણ કરવામાં આવતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. પારડી ફોરેસ્ટ વિભાગને જાણ કરતા આરએફઓ દાઉદ કોંકણી સાથે તેમની ટીમ આવી પહોંચી હતી તેમજ બે દીપડાને પકડવા પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી. શેરડીના ખેતર પાસે દીપડાના પંજા જોવા મળ્યા હતા. ગામમાં બે દીપડા નજરે પડતા રાત્રી દરમ્યાન લોકો ઘરમાંથી બહાર નીકળતા ડરવા લાગ્યા છે. ગામમાં દીપડાને લઈને ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે આ દીપડાને વહેલી તકે પકડી પાડવા લોકો માંગ કરી રહ્યા છે.

Most Popular

To Top