Vadodara

લાલ પાણીના કારણે લાલ પાનેતર પહેરીને યુવતીઓ લગ્ન કરીને આવવા રાજી નથી

વડોદરા: વડોદરા જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્રમાં આવેલ નંદેસરી નજીક અનગઢ ગામના લોકો ભૂગર્ભ જળના કારણે પરેશાન છે. દાયકાઓથી અહીંનું ભૂગર્ભ જળ દુષિત થવાના કારણે બોરિંગમાંથી પણ લાલ પાણી આવી રહ્યું છે. અને તેના કારણે રહીશોએ ટેન્કર મારફતે પાણી મંગાવવું પડે છે. અને રહીશોએ બેડા લઈને પાણી ભરવા જવું પડે છે. વડોદરા જિલ્લાની નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં દાયકાઓ પૂર્વે કેટલીક બેજવાબદાર કંપનીઓ દ્વારા પ્રદુષિત પાણી કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા વગર સીધુ ભૂગર્ભમાં ઉતારી દેવામાં આવતું હતું અને તેના કારણે ભૂગર્ભ જળ અત્યંત દુષિત બન્યા હતા.

આસપાસના 10 કિમીના ગામોમાં જ્યાં પણ બોરવેલ ખોદવામાં આવે તેમાંથી લાલ પાણી નીકળવા માંડ્યું હતું. એટલું જ નહિ તળાવ અને કુવામાં પણ તેની અસર જોવા મળી હતી.આ અસર દાયકાઓ બાદ આજે પણ જોવા મળી રહી છે. નંદેસરીને અડીને આવેલ અનગઢ ગામ ખાતે સ્થાનિકો પરેશાન થઇ ગયા છે. ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ લોકો લાલ પાણીના કારણે ખેતીમાં પણ વ્યાપક નુકસાન વેઠી રહ્યા છે.

જ્યાં પણ બોરવેલ ખોદવામાં આવે ત્યાં લાલ દુષિત પાણી નીકળવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોની વેદના છે કે અહીં કોઈ પણ યુવતી લગ્ન કરીને આવવા રાજી નથી કારણ કે પીવાના પાણીની સમસ્યાના કારણે તેઓએ દૂર સુધી બેડા લઈને પાણી ભરવા જવું પડે છે. ત્યારે આ સમસ્યાનો વહેલી તકે નિકાલ કરવામાં આવે અને ભૂગર્ભ જળમાં સુધારો કરવાના પ્રયાસો કરાય તેવી માંગ ઉઠી છે.

1996માં ઓડિટ માટેનો હુકમ થયો હતો હજુ સુધી કામ અધુરુ
1995માં ભૂગર્ભ જળ સંદર્ભે હાઇકોર્ટમાં કેસ થયો હતો જેના ચુકાદા રૂપે 1996માં ગાઇડલાઇન બનાવી જીપીસીબી અને સીપીસીબીને ઓડિટ કરવાનો હુકમ કરાયો હતો. પરંતુ આજદિન સુધી આ ઓડિટ પૂરું થયું નથી. ઓડિટ ડિફિકલ્ટ છે અને તેના માટે કંપનીઓમાં આખી પ્રોસેસ કેવી રીતે થાય છે જે જાણવા દિવસો કાઢવા પડે પરંતુ તેવું થતું નથી. હાલ એક જ ઉપાય છે કે વરસાદી પાણીને સીધું ભૂગર્ભમાં ઉતારવું પડે અમે કેટલાક સ્થળોએ આ પ્રોજેક્ટ અમલી કર્યો છે અને તેનું પરિણામ મળ્યું છે કે આસપાસના કૂવાનું સ્તર સુધર્યું છે. તમામ કંપનીઓ પાસે આ ફરજીયાત કરાવવું જોઈએ.
બાબુભાઇ પટેલ, ચેરમેન, નંદેસરી ઇન્ડ. એસો.

દાયકાઓ જૂની સમસ્યા છે
પાદરા અને નંદેસરીની આસપાસના ભૂગર્ભ જળ દુષિત થયા એ વર્ષો જૂની સમસ્યા છે. અગાઉ પાદરમાં 3 – 4 કંપનીઓ સામે પગલાં લેવાયા છે. અને હાલમાં તમામ કંપનીઓને રીમેડિશન માટે સૂચનાઓ આપવામાં આવી છે. અને વોટર હાર્વેસ્ટિંગ માટેનું પણ આયોજન કરવાનું વિચારાધીન છે. જે. એમ. મહિડા, રિજિયોનલ ઓફિસર,GPCB

ખેતી પાકતી નથી
દુષિત પાણીના કારણે ખેતીને વ્યાપક નુકસાન થવા પામે છે. પહેલા જે પાક થતો હતો તેમાં કેમિકલયુક્ત પાણીના કારણે ઘટાડો થયો છે. અમારે ખેતી માટે અન્યત્ર ઉપર આધાર રાખવો પડે છે. તો અમારા દીકરાઓના લગ્ન પણ નથી થતા અહીં કોઈ છોકરી આપવા તૈયાર નથી. અને અમારા દીકરાઓએ હિજરત કરવી પડી રહી છે. – સ્થાનિક રહીશો

Most Popular

To Top