Madhya Gujarat

આણંદની ચિખોદરા ચોકડી પર દબાણ હટાવવામાં આવશે

આણંદ: આણંદ શહેર આસપાસના વિસ્તારમાં સતત વધી રહેલા દબાણોના કારણે ટ્રાફિક સમસ્યા ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની પણ સ્થિતિ કથળી હતી. આથી, માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણો હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે સંદર્ભે દબાણકારોને નોટીસ પાઠવી છે. આણંદ શહેરની ટ્રાફિકથી વ્યસ્ત ચિખાદરા ચોકડી પર છેલ્લા કેટલાક સમયથી ખાણી – પીણી અને વાહન રીપેરીંગની હાટડીઓ મંડાવવા લાગી હતી. આ હાટડીઓના કારણે નેશનલ હાઈવે પર ઓવરબ્રિજ નીચેના સર્વિસ રોડ સાંકડો બનવા લાગ્યો હતો. જેના કારણે ભારે વાહનોને પસાર થતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે અગાઉ પણ તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. આણંદના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચિખોદરા ચોકડી પર ગેરકાયદેસર રીતે દબાણ કરીને બેઠેલા વેપારીઓને સાત દિવસમાં દબાણ દુર કરવા જણાવ્યું હતું. આ નોટીસની મુદત પૂર્ણ થવા આવી છે. જોકે, કેટલાક વેપારી દ્વારા સ્વયંભુ જ દબાણ દુર કરવામાં આવતા તંત્રની નોટીસની અસર પહોંચી હતી. આમ છતાં, માર્ગ અને મકાન વિભાગ દ્વારા આગામી સાતેક દિવસમાં ચિખોદરા ચોકડી પર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

Most Popular

To Top