Gujarat

સોજિત્રાના કોંગ્રેસના ધારાસભ્યના કૌટુંબિક જમાઈએ દારૂના નશામાં 6 ને કચડ્યા, માનવવધનો ગૂનો નોંધાયો

આણંદ: આણંદ (Anand) જિલ્લામાં ગુરુવારે ગમખ્વાર ટ્રિપલ અકસ્માતની (triple accident) ઘટના સામે આવી હતી. કાર,બાઈક અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં 6 લોકોના મોત (Death) નિપજ્યા હતા. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યનું મોત થયું હતું, બીજા પરિવારના બે સભ્ય અને અન્ય એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં કારચાલક કે જેણે આ અકસ્માત સર્જ્યો છે તે સોજીત્રાના કોંગી ધારાસભ્ય પૂનમ પરમારના કૌંટુબિક જમાઈ કેતન પઢિયાર હોવાનું સામે આવ્યું છે. મૃતકોના પરિવારનો આક્ષેપ છે કે કારચાલક દારૂના નશામાં હોવાથી અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ તે ઘાયલોની મદદ કરી રહ્યો હતો પરંતુ દારૂના નશામાં હોવાના કારણે તે પોતે જ પોતાને સંભાળી શકતો ન હતો. જ્યારે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે લથડિયા ખાતો જોવા મળે છે. ધારાસભ્યના કૌટુબિંક જમાઈ સામે માનવ વધનો ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ ગુરુવારે કાર,બાઈક અને રિક્ષા વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. સાજીત્રામાં રહેતા વિપુલભાઈ મિસ્ત્રીનો પરિવાર રક્ષાબંધન મનાવવા તારાપુર પાસે ટીંબા ગામે ગયા હતા. રક્ષાબંધન કરી તેઓ પરત સોજીત્રા આવવા માટે યાસીન મોહંમદભાઈ વ્હોરાની રિક્ષામાં નીકળ્યા હતા. તારપુર-આણંદ ધોરી માર્ગ પરથી પસાર થતા રોડ પર અચાનક જ કાર, બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષાચાલક યાસીન વ્હોરા સહિત રીક્ષામાં સવાર બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થતા તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે સારવાર દરમિયાન તેમના પણ મોત નિપજ્યા હતાં. આ અકસ્માતે કુલ 6 વ્યક્તિનો ભોગ લીધો હતો.

અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ઘાયલ લોકોની મદદ કરતો હતો પણ..
આ અકસ્માત સર્જી કાર રોડ પરથી ઊતરીને બાજુના ખેતરમાં ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. ત્યાર બાદ કારચાલકે ઘાયલ હાલતમાં મૃતકોની મદદ કરતો હતો પરંતુ તે દારૂના નશામાં હોવાથી પોતાની જાતને પણ સંભાળી શકતો ન હતો. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે લથડિયા ખાતો જોવા મળે છે. પોલીસે જ્યારે તપાસ હાથ ધરી ત્યારે કારમાંથી MLA ગુજરાત લખેલી નેમ પ્લેટ મળી આવી હતી. અને કાચચાલકની પૂછપરછ કરતા તે સોજીત્રાના કોંગી ધારાસભ્ય પૂનમ પરમારના કૌટુંબિક જમાઈ કેતન પઢિયાર હોવાનું સામે આવ્યું હતું. તે વ્યવસાયે વકીલ હોવાનું જણાવ્યું હતું. મૃતકોના પરિવાર દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પરિવાર દ્વારા કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top