Comments

કેફી પદાર્થોની દાણચોરી માઝા મૂકે છે?

ગુજરાતનો ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયાકિનારો કેફી પદાર્થોની દાણચોરી માટે નામચીન બની ગયો છે. તેને પરિણામે ચોકીદારીનાં છિદ્રો ધરાવતા આ દરિયાકિનારે દાણચોરી સહેલી બની ગઇ છે અને હેરોઇન પર પ્રોસેસિંગ કરતાં નાનાં ઉત્પાદન એકમો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યાં છે. ગયા ઓગસ્ટમાં મુંબઇ પોલીસની આગેવાની હેઠળની એક ટીમે રૂા. ૧૦૨૬ કરોડની કિંમતનું ૫૧૩ કિલો મેફેડ્રોન અંકલેશ્વરમાંથી કબજે કર્યું હતું. તા. ૧૪મી સપ્ટેમ્બરે ગુજરાતના કિનારે ગુજરાત એન્ટીએસ. અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભારતીય જળ સીમામાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં રૂા. ૨૦૦ કરોડની કિંમતનું ૪૦ કિલોગ્રામ હેરોઇન એક મછવામાંથી કબજે કર્યું હતું. આ મછવામાં છ પાકિસ્તાની પણ હતા.

બીજી એક કામગીરીમાં ગયા ઓકટોબરમાં ગુજરાત એ.ટી.એસે. અને કોસ્ટગાર્ડે એક પાકિસ્તાની હોડી પકડી આંતરરાષ્ટ્રીય બજારમાં ૩૫૦ કરોડ રૂપિયાની કિંમત ધરાવતું ૫૦ કિલો હેરોઇન કબજે કર્યું હતું. આ કામગીરીમાં પણ છ પાકિસ્તાનીઓની ધરપકડ કરાઇ હતી. ૨૦૨૨ માં સત્તાવાળાઓએ ગુજરાત, દિલ્હી અને કોલકાટ્ટામાંથી રૂા. ૬૮૦૦ કરોડની કિંમતનું ૧૩૦૦ કિલો હેરોઇન પકડયું હતું. માર્ચ ૨૦૨૧ માં કોસ્ટગાર્ડે અરબી સમુદ્રમાંથી એક હોડીને પકડી તેમાંથી ૩૦૧ કિલો હેરોઇન, પાંચ એકે-૪૭ અને ૧૦૦૦ ગોળી પકડી હતી. એપ્રિલ ૨૦૨૧ માં ગુજરાત એ.ટી.એસે. એક મછવાને જખૌની ભારતીય જળસીમામાંથી પકડી રૂા. ૧૫૦ કરોડના હેરોઇન સાથે આઠ પાકિસ્તાનીઓને પકડયા હતા.

૨૦૨૧ માં આટલો બધો કેફી પદાર્થોનો માલ પકડાયો પછી કેન્દ્ર સરકારે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીને તપાસનું કામ સોંપ્યું અને આ એજન્સીએ જણાવ્યું હતું કે, દાણચોરીમાં સંડોવાયેલી એક આંતરરાષ્ટ્રીય ડ્રગ સિંડીકેટ પાકિસ્તાનની બહાર સ્થપાઇ. ૨૦૨૨ માં ગુજરાત એટીએસે ૭૨૭.૩ કિલો કેફી પદાર્થ પકડયા છે જેની કિંમત રૂા. ૩૫૮૬ કરોડ થાય છે. અત્યાર સુધીમાં ત્રણ અફઘાન અને ૧૬ પાકિસ્તાનીઓ પકડાયા છે. સરકાર સંવેદનશીલ બંદરો પર ઇલેકટ્રોનિક સ્કેનરો મૂકવાનો વિચાર કરે છે. ખરેખર તો રૂા. ૨૭૦૦૦ કરોડથી વધુ કિંમતના કેફી પદાર્થોની ભારતના દરિયાઇ માર્ગે થએલી દાણચોરી છેલ્લાં પાંચ વર્ષમાં પકડાઇ છે. તા. ૨૧ મી ડિસેમ્બરે કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાત કેફી પદાર્થનું કેન્દ્ર બની ગયું હોવાના કોંગ્રેસના આક્ષેપનો લોકસભામાં જવાબ આપતાં કહ્યું હતું કે આંકડાની માયાજાળ ગૂંથવાને બદલે આટલા મોટા જથ્થામાં પ્રતિબંધિત માલ પકડાયો તેની કદર થવી જોઇએ.

રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે ગુજરાત દેશમાં કેફી પદાર્થોનું કેન્દ્ર બની ગયું છે અને આ તમામ કેફી પદાર્થો મુદ્રામાંથી બહાર જાય છે અને સરકાર કોઇ પગલાં નથી લેતી. આ આક્ષેપને મનમાં રાખી શાહે કહ્યું હતું કે એકલા મુંદ્રા બંદરેથી જ ૩૦૦૦ કિલો માદક પદાર્થો પકડાયા હતા. જે સૌથી મોટો જથ્થો છે. આંકડાની માયાજાળ ગૂંથવાને બદલે રાજય જે પગલાં લે છે તેની કદર કરવી જોઇએ એવા શાહના કથનમાં મુદ્દો તમારે સમસ્યાનો સામનો કરવાનો છે, શાહમૃગવૃત્તિ નથી રાખવાની. આમ જુઓ તો પંજાબને કેફી પદાર્થની સમસ્યા જ કયાં છે?

અત્યાર સુધી સુરક્ષા સંસ્થાઓને ખબર પડી છે કે અખાતી દેશોમાંથી કેફી પદાર્થો આવે છે તેથી ઝડપી પગલાં લેવાનું સહેલું છે. શાહે કહ્યું છે કે ગમે તેવો ચમરબંધ ગુનેગાર હોય તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવાશે. કેફી પદાર્થનું સેવન કરનાર ભોગ બનેલો છે પણ કેફી પદાર્થોની હેરાફેરી કરનારને છોડાશે નહીં. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે અમેરિકાનાં ૧૯ રાજયોમાં મારિજુઆના અને ગાંજાના વપરાશને કાયદેસરનું સ્વરૂપ આપ્યું છે તેથી ભારતમાં કેફી પદાર્થો સહેલાઇથી ઘૂસાડાય છે. વિમાનમાર્ગે અને કુરિયર પાર્સલો મારફતે પરદેશથી માલ આવે છે. અમેરિકા, બ્રિટન, કેનેડા અને અન્ય પશ્ચિમી દેશોમાંથી આવતા મારિઝુઆનાને કાયદેસરનું સ્વરૂપ અપાયું છે.

કેન્દ્ર સરકારના સોગંદનામામાં વધુમાં જણાવાયું છે કે અમેરિકાનાં ૧૯ રાજયોમાં મારિજુઆનાના આનંદના હેતુસર સેવનને કાયદેસર કરાયો છે ત્યારે અન્ય રાજયો તેને તબીબી ઉપયોગ માટે કાયદેસર કરવાની પ્રક્રિયા કરે છે. પરિણામે લોકોને સહેલાઇથી લલચાવી જયાં આવા પદાર્થોની માંગ વધુ હોય ત્યાં મોકલાય છે. મુન્દ્રામાંથી ૩૦૦૦ કિલો હેરોઇન જપ્ત થતાં સુપ્રીમ કોર્ટે મોટી કામગીરી કરી કેન્દ્ર સરકારને તા. ૧૮મી ઓકટોબરે હુકમ કર્યો હતો અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા શું પગલાં લેવાય છે તેની વિગતો માંગતા કેન્દ્ર સરકારે આ સોગંદનામું રજૂ કર્યું હતું.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top