Madhya Gujarat

આણંદમાં ડોક્ટરોની હડતાલ

આણંદ : ઇન્ડીયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચએ રાજ્યના 30 હજારથી વધુ એલોપેથીક ડોક્ટરની પ્રતિનિધિ સંસ્થા છે. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા મૌખિક આદેશ દ્વારા રાજ્ય સરકારને જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આઈસીયુ હોવુ જોઈએ તેમજ કાચના ફસાદ દુર કરવા અંગે અમુક જોગવાઈઓ લાગુ કરવા સુચના આપી છે. જેની સામે આણંદના ડોક્ટરોએ શુક્રવારના રોજ હડતાલ પાડી કલેક્ટરને રજુઆત કરી હતી. આ રજુઆતમાં જણાવ્યું હતું કે, રાજ્યભરની હોસ્પિટલને 7 દિવસની અંદર તેનું પાલન કરવા નોટીસ મળી રહી છે. જે સંપુર્ણપણે પાયાવિહોણી અને અતાર્કિક છે. કેટલીક જોગવાઈઓ કે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી અને તેનો અમલ શક્ય નથી. જેનો અમલ કરવાનો આગ્રહ વ્યાપકપણે જનતા પર આપતિજનક અસર કરી શકે છે.

આ જોગવાઈના અમલથી આઈસીયુના દર્દીઓને વધુ ચેપ લાગવાની સંભાવના છે અને સમગ્ર રાજ્યમાં આઈસીયુ બેડની સંખ્યામાં પણ ભારે ઘટાડો થશે. આ પ્રકારના અમલથી આઈસીયુમાં વર્તમાન દર કરતા અનેક ગણો મૃત્યુદરનું વધશે. આ પ્રકારના મૌખિક આદેશની અસર ટુંકા તેમજ લાબા ગાળે વિનાશક હોઈ શકે છે. આ ઓર્ડર કરતા પહેલા ઈન્ડિયન મેડિકલ એસોસિએશન અથવા તેની કોઈપણ શાખાને સામેલ કર્યા કે તેને સાંભળ્યા વિના એકપક્ષીય રીતે પસાર કરવામાં આવ્યો છે અને તેથી તબીબી વ્યાવસાયિકો અને હોસ્પિટલોનો મત ગણકારવામાં જ આવ્યો નથી.

મેડિકલ એસોસિએશનની ગુજરાત રાજ્ય શાખા હોસ્પિટલમાં આગની ઘટનાઓને રોકવા માટેના કોઇ પગલાં માટે સમાન સહાયક રહેશે. પરંતુ રાજ્ય સરકારના આવા એકપક્ષીય નિર્દેશોનો સખત વિરોધ કરે છે. સરકારે તબીબી વ્યાવસાયિકો સહિત તમામ સંબંધિત વિભાગોના સભ્યોની બનેલી એક તકનીકી સમિતિની રચના કરવી જોઈએ અને ચેપ નિયંત્રણના દરને ધ્યાનમાં રાખી આઈસીયુ દર્દીઓની સારવારની માર્ગદર્શિકા બનાવવાની જરૂર જણાય છે.

Most Popular

To Top