Charchapatra

દિવ્યાંગ શબ્દ – મોદીની દેન

અગાઉ શારીરિક ખોડખાંપણ ધરાવતાં સ્ત્રી, પુરુષો કે બાળકો સાથે ઘણાં લોકો અછૂત જેવો વ્યવહાર રાખતાં  હતાં અને તેમનો અનાદર થાય  એવા શબ્દો જેવા કે લૂલિયો, લંગડો, ખોડીયો, આંધળો, ટેઢો, ઠૂંઠિયો, બૂચિયો એવા અપમાનજનક શબ્દો વાપરતા હતાં. કેટલાકને વિકલાંગતા જન્મજાત હતી તો કેટલાંકને અકસ્માત કે ચેપી રોગ વિગેરે થવાને કારણે હાથ, પગ કે અન્ય અંગો ગુમાવવાનો વારો આવતો હતો. આવા શારીરિક ખોડખાંપણવાળાં વ્યક્તિઓને પણ ઈશ્વરે દિલ આપ્યું છે અને આપણે એમને અપમાનજનક શબ્દોથી સંબોધીએ તો સ્વાભાવિક રીતે એમનું દિલ દુખાવાનું જ છે. 

ત્યાર પછી આવા વ્યક્તિઓ માટે અપંગ, પંગુ, અપાહિજ કે વિકલાંગ જેવા શબ્દો વપરાવા લાગ્યા. અંધજનો માટે પ્રજ્ઞાચક્ષુ કે દિવ્યચક્ષુ જેવા નવા શબ્દો આવ્યા. બોબડા અને બહેરા વ્યક્તિઓ માટે મૂકબધિર શબ્દ વપરાવા લાગ્યો. પરંતુ આપણા હાલના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને વિકલાંગ વ્યક્તિઓ માટે ખાસ સહાનુભૂતિ હતી અને એમને વિકલાંગ વ્યક્તિઓના અલગ અલગ સંબોધન વિશે મનમાં કાંઈક ખટકતુ હતું અને એમણે બહુ સમજી વિચારીને શારીરિક રીતે ખોડખાંપણવાળાં વ્યક્તિઓની લાગણી અને ગરિમા જળવાય એવો “દિવ્યાંગ” નામનો શબ્દ સમાજને ભેટ તરીકે આપ્યો. આ દિવ્યાંગ શબ્દમાં તમામ પ્રકારની વિકલાંગતાનો સમાવેશ થઈ જાય છે અને તે વ્યક્તિનું માન સન્માન પણ જળવાઈ રહે છે.

દિવ્યાંગ એટલે ખોડખાંપણવાળાં નહીં, પરંતુ દિવ્ય કે વિશિષ્ટ અંગો અને શક્તિ ધરાવતી વ્યક્તિઓ.આવા દિવ્યાંગ વ્યક્તિઓના માનાર્થે, સરકારે દર વર્ષે “ વિશ્વ દિવ્યાંગ દિન”મનાવવાનું નક્કી કર્યું તેથી દર વર્ષે વિશ્વ દિવ્યાંગ દિન ઉજવવામાં આવે છે. આમ મોદીએ દિવ્યાંગ શબ્દની ભેટ આપીને પોતાની પાઘડીમાં એક નવું પીછું ઉમેર્યું છે.
હાલોલ   – યોગેશ આર. જોશી.-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top