Madhya Gujarat

આણંદમાં ડમ્પીંગ સાઇટના કચરાંનો તાત્કાલિક નિકાલ કરો

આણંદ : આણંદમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડીયાએ જિલ્લાની તમામ 11 નગરપાલિકાની કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ચીફ ઓફિસર્સને વરસાદી પાણીના કારણએ જે કંઇ દુરસ્તી કામ કરવાનું થાય તે તાકીદે કરાવીને બોર્ડની બેઠકમાં મંજુરી મેળવવા સુચના આપી હતી. જોકે, અગત્યનું એ છે કે, આગામી ફેબ્રુઆરી માસ પહેલા તમામ નગરપાલિકાની ડમ્પીંગ સાઇટ પરથી કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા અને આચાર સંહિતા પહેલા વિકાસ કામો પૂર્ણ કરવા તાકીદ કરી હતી.

આણંદ ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી વિનોદભાઇ મોરડીયાના અધ્યક્ષસ્થાને જિલ્લાની તમામ નગરપાલિકાઓની કામગીરીની સમિક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લાની 11 નગરપાલિકાઓની કામગીરીની સમિક્ષા કરતા મંત્રી ધારાસભ્ય, સંસદસભ્ય, પૂર્વ મંત્રી, પૂર્વ ધારાસભ્ય તથા પૂર્વ સાંસદ દ્વારા કોઈ પત્ર મળે તો તાકીદે તેનો જવાબ કરવા પ્રાદેશિક નગરપાલિકા કમિશનરના અધિકારીને સુચના આપી હતી. તેમણે આ તકે ચોમાસામાં વરસાદને કારણે નુકસાન પામેલા રસ્તોના સમારકામ, રસ્તા – રીસરફેસિંગની કામગીરી, રખડતા ઢોર પકડવા અંગેની કામગીરી, નડતરરૂપ દબાણો દૂર કરવા, પાણી પુરવઠા યોજના, નલ સે જલ યોજના, અમૃત સરોવર યોજના, સુવર્ણી જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના, 15મા નાણાપંચ, 14મા નાણાપંચ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન યોજના, નગરપાલિકા દ્વારા વેરા વસુલાત અંગેની કામગીરી, ડેવલોપમેન્ટ પ્લાન્ટ અને ટાઉન પ્લાનિંગ સ્કીમની સવિસ્તૃત સમીક્ષા કરી હતી.

સૌથી અગત્યની બાબત એ છે કે, આ બેઠકમાં મંત્રીએ નગરપાલિકા દ્વારા આચારસંહિતા પહેલા તમામ વિકાસ કામોને મંજુરી આપવા અને કામો પૂર્ણ કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત સ્વચ્છતા પર ભાર મુકતાં તમામ ડમ્પીંગ સાઇટ પરના કચરાંનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા કહ્યું હતું. તેમાં પણ ફેબ્રુઆરી મહિના પહેલા નગરપાલિકાની ડમ્પીંગ સાઇટ પર તમામ કચરાનો નિકાલ કરવા સુચના આપી હતી. આ બેઠકમાં સંસદ સભ્ય મિતેશભાઇ પટેલ, કલેક્ટર મનોજ દક્ષિણી, પ્રાદેશિક કમિશનર પ્રશસ્તિ પારિક, પ્રાદેશિક કમિશનર કચેરીના મદદનીશ કમિશનર ગોપાલ બામણીયા, આણંદ જિલ્લાની તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસર તેમજ પ્રમુખઓ હાજર રહ્યા હતા.

Most Popular

To Top