Madhya Gujarat

નડિયાદમાં આશાવર્કર -ફેસિલિટર બહેનોનો કલેક્ટર કચેરીએ હોબાળો

નડિયાદ: ખેડા જિલ્લાના વડામથક ખાતે આશાવર્કર અને ફેસીલીટર બહેનોએ રેલી કાઢી સરકારનો વિરોધ નોંધાવ્યો હતો. તેમજ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમની વર્ષો જૂની માંગણીઓ સ્વીકારી તત્કાળ નિરાકરણ લાવવામાં આવે તેવી માગ કરી હતી. આ સંદર્ભે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયુ હતુ. ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન સંકલિત સંગઠન દ્વારા 11 સપ્ટેમ્બરે રાજ્યના આરોગ્ય મંત્રીને જિલ્લા કલેક્ટર અને તાલુકાના મામલતદારો થકી આવેદનપત્રો સુપ્રત કર્યા હતા. ખેડા જિલ્લામાં પણ મોટી સંખ્યામાં આશાવર્કર્સ અને ફેસીલીટર બહેનોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. તેમજ તે સમયે જ તેમનું આંદોલન 3 દિવસ ચાલશે, તેવી જાહેરાત કરી હતી.

આ આંદોલનના આજે ત્રીજા દિવસે પણ તમામ બહેનો રેલી કાઢી સૂત્રોચ્ચાર કરતી કલેક્ટર કચેરીએ ઘસી આવી હતી. જો કે, પરિસ્થિતિ ભાળી ગયેલા તંત્રએ કચેરીનો મુખ્ય ગેઈટ બંધ કરી દેવા આદેશ કર્યા હતા. તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો હતો. વિરોધ કરી રહેલી બહેનોએ કલેક્ટર કચેરીની બહાર જ અડ્ડો જમાવી કલાકો સુધી સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આશાવર્કર્સ અને ફેસીલીટર બહેનો અનેક મુદ્દે વર્ષોથી સરકારમાં રજૂઆતો કરી રહ્યા છે. લઘુત્તમ વેતન કરતા પગાર વધારો ખૂબ ઓછો હોય અને સરકારે જાહેર કરેલા 5000 રૂપિયા અંગે સ્પષ્ટતા ન હોવાથી તે અંગે યોગ્ય જવાબ માંગ્યો છે. તો વળી, યુનિયન સાથે બેઠક કરી આ બહેનોને લઘુત્તમ વેતન આપી ફીક્સ પગારદાર બનાવવા, સેવાના કલાકો નક્કી કરવા, દરેક સેવાની કામગીરીનું પુરતુ વળતર ચુકવવા, ત્રણ માસથી ન ચુકવાયેલુ ઈન્સેન્ટીવ સમસયર ચુકવવા અને 2019માં જાહેર કરાયેલા ડ્રેસ આપવા માટે માગ કરી છે. આ મામલે આજે આશાવર્કર્સ અને ફેસીલીટર બહેનોના જૂથે કલેક્ટરને પુનઃ આવેદનપત્ર આપ્યુ હતુ.

Most Popular

To Top