Sports

ઇંગ્લેન્ડે સેનેગલને 3-0થી હરાવી વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં

કતાર : ફિફા વર્લ્ડકપમાં (FIFA World Cup) રવિવારે રમાયેલી પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં(Pre Quarter Finals) ઇંગ્લેન્ડે (England) સેનેગલને (Senegal) 3-0થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. ઇંગ્લેન્ડ વતી કેપ્ટન હેરી કેન, જોર્ડન હેન્ડરસન અને બુકાયો સાકાએ ગોલ કર્યા હતા. જુડ બેલિંગહામ અને ફિલ ફોડેને બે ગોલમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રશિયામાં ગત વર્લ્ડકપની સેમિફાઇનલમાં પહોંચનાર ઇંગ્લેન્ડ હવે શનિવારે આ જ અલ બાયત સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ સામે ટકરાશે.

પાસ પર હેન્ડરસને ગોલ કરીને ટીમને 1-0ની સરસાઇ અપાવી
સેનેગલ સામેની મેચની 38મી મિનીટે ઇંગ્લેન્ડના બેલિંગહામે આપેલા પાસ પર હેન્ડરસને ગોલ કરીને ટીમને 1-0ની સરસાઇ અપાવી હતી. આ પહેલા સેનેગલે ગોલ કરવાની તકો સર્જી હતી પણ તેઓ સફળ થયા નહોતા. પહેલા હાફની ઇન્જરી ટાઇમમાં હેન્ડરસને જોરદાર મૂવ બનાવીને ફોડેન સુધી બોલ પહોંચાડ્યો અને તેણે આપેલા પાસને કેને ગોલમાં ફેરવીને ઇંગ્લેન્ડની સરસાઇ ડબલ કરી હતી. તે પછી સાકાએ 57મી મિનીટે ફોડેનના ક્રોસને ગોલમાં ફેરવીને ટીમની 3-0ની જીત પાકી કરી હતી. કેને મેચ પછી કહ્યું હતું કે અમે મેચનો આનંદ માણ્યો હતો પરંતુ દેખીતી રીતે અમારું ધ્યાન આગામી મેચ પર છે. તે એક આકરી મેચ બની શકે છે. ફ્રાન્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે પરંતુ તે સારી મેચ હશે.

હેરી કેન ઇંગ્લેન્ડ વતી સર્વાઘિક ગોલ કરવાના વેઇન રૂનીના રેકોર્ડથી માત્ર એક ગોલ દૂર
ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી કેનનો જાદુ આ વર્લ્ડકપમાં એટલો ચાલ્યો નથી અને તેણે આ વર્લ્ડ કપમાં તેનો પ્રથમ ગોલ સેનેગલ સામેની મેચમાં કર્યો હતો. કેનનો આ ગોલ ઈંગ્લેન્ડ માટે તેનો 52મો ગોલ હતો, જે દેશ માટે સૌથી વધુ ગોલ કરવાના વેઈન રૂનીના રેકોર્ડથી એક ગોલ પાછળ છે. તેણે ફૂટબોલની મોટી ટૂર્નામેન્ટમાં 11મો ગોલ કરીને તેના દેશના ટોચના સ્કોરર તરીકે ગેરી લિનેકરને પણ પાછળ છોડી દીધો હતો.

Most Popular

To Top